ચોમાસામાં મીઠા-સાકરમાં ભેજ લાગે છે? આ સરળ ઘરેલું ઉપાયોથી તમારી સમસ્યા દૂર કરો

ચોમાસાની ઋતુ આમ તો બધાને જ ગમે છે. નાનાથી મોટા સુધી તમામ અલગ અલગ રીતે આ સિઝનની મજા માણતા હોય છે. પરંતુ બીજી બાજુ આ સિઝનમાં ભેજને કારણે સમસ્યા પણ એટલી જ ઊભી થાય છે.
ચોમાસાની ઋતુમાં હવામા ભેજનું પ્રમાણ વધવાથી ઘરની દીવાલો કપડામાં ભેજ લાગી જાય છે. આ કારણે ગૃહિણી હેરાન થતી હોય છે. જ્યારે આ ભેજ માત્ર રસોડાની દીવાલ કે કપડાં સુધી સીમિત રહેતો નથી. વરસાદી ભેજના કારણે રસોડામાં રાખેલી સાકર અને મીઠા જેવી વસ્તુઓ ખરાબ થાય છે, જ્યારે ક્યારેક ઉપયોગ પણ કરી શકતા નથી.
ભેજના કારણે ખાંડ ભીની થઈ જાય છે, જ્યારે મીઠામાં રહેલું આયોડિન ઓછું થઈ શકે છે, જે આરોગ્ય માટે હાનિકારક છે. આ સમસ્યાને દૂર કરવા માટે ઘરેલું ઉપાયો અપનાવીને આ વસ્તુઓને સુરક્ષિત રાખી શકાય છે. આવો જાણીએ ચોમાસામાં ખાંડ અને મીઠાને ભેજથી બચાવવાની સરળ રીતો.
આપણ વાંચો: વિશેષ-વરસાદની ઋતુમાં ત્વચાની સંભાળ કેવી રીતે રાખવી?
ખાંડને ભેજથી બચાવવાની રીત

ચોમાસાની શરૂઆત થતા જ ખાંડને પ્લાસ્ટિકના ડબ્બામાંથી કાઢીને કાચની બરણીમાં ભરી લો. જેનાથી ખાંડ ભેજથી બચી રહેશે અને ખરાબ થશે નહીં. આ ઉપરાંત ખાંડની બરણીમાં 5થી 7 લવિંગને સાફ કપડામાં બાંધીને મૂકવાથી પણ ભેજ શોષાઈ જશે. લવિંગ ખાંડને ભીની થતી અટકાવે છે અને તેની ગુણવત્તા જાળવી રાખે છે, જેથી ચોમાસામાં પણ ખાંડ સૂકી અને ઉપયોગી રહે.
મીઠાને ભેજથી બચાવવાનો ઉપાય

ચોમાસામાં મીઠામાં ભેજ આવવાથી તે ભીનું થઈ જાય છે, જેનાથી તેનું આયોડિન ઘટે છે અને આરોગ્યને નુકસાન થઈ શકે છે. મીઠાની બરણીમા સાફ સુતરાઉ કપડામાં થોડા ચોખાના દાણા બાંધીને મૂકો. ઉલ્લેખનીય છે કે ચોખા ભેજ શોષવાનું કામ કરે છે, જેથી મીઠુ સૂકું રહે છે અને ખરાબ થતું નથી. આ સરળ ઉપાયથી ચોમાસામાં મીઠાની ગુણવત્તા જળવાઈ રહે છે.
આપણ વાંચો: મોન્સૂન ખાલી વરસાદ નહીં, બીજું ઘણું બધું પણ લાવે છે પોતાની સાથે…
મીઠામાં ભેજ આવવાનું કારણ
ચોમાસામાં હવામાં ભેજનું પ્રમાણ વધવાથી મીઠુ ઝડપથી ભીનું થઈ જાય છે. મીઠામા રહેલા કેલ્શિયમ ક્લોરાઈડ અને મેગ્નેશિયમ ક્લોરાઈડ જેવા રસાયણો હવામાંથી ભેજ ઝડપથી શોષી લે છે. આ સમસ્યાને દૂર કરવા માટે મીઠાના ડબ્બામાં થોડી લવિંગ મૂકવાથી ભેજ દૂર રહે છે. લવિંગ મીઠાને સૂકું રાખવામાં મદદ કરે છે, જેથી તે ચોમાસામાં પણ ઉપયોગ માટે સલામત રહે.
આ ઘરેલુ ઉપાયો ચોમાસામાં રસોડાની સામગ્રીને ભેજથી બચાવવામાં ખૂબ ઉપયોગી છે. ખાંડ અને મીઠા જેવી રોજિંદી વસ્તુઓની ગુણવત્તા જાળવવી માત્ર રસોઈની ગુણવત્તા માટે જ નહીં, પરંતુ આરોગ્ય માટે પણ જરૂરી છે. ભેજના કારણે મીઠામાં આયોડિન ઘટવાથી થાઈરોઈડ જેવી સમસ્યાઓ થઈ શકે છે. આ સરળ ઉપાયો અપનાવીને તમે ચોમાસામાં તમારા રસોડાને સુરક્ષિત અને સ્વસ્થ રાખી શકો છો.