દૂષિત પાણીનો ખતરો: ઇન્દોર અને ગાંધીનગરની ઘટનાઓથી ચેતવા જેવું, જાણો બચવાના ઉપાયો…

રોટી કપડા ઔર મકાન એ માનવીના જીવન જીવવાનો પાયો છે, તેમાંય પીવાનું શુદ્ધ પાણી એની સૌથી મોટી આવશ્યક્તા રહે છે, પરંતુ જ્યારે આ જ પાણી પ્રદૂષિત થાય છે ત્યારે તે ગંભીર રોગચાળાને આમંત્રણ મળે છે. હાલમાં જ મધ્ય પ્રદેશના ઇન્દોરમાં દૂષિત પાણીને કારણે સેંકડો લોકો બીમાર પડ્યા હતા. આવી જ હાલત ગુજરાતના પાટનગરમાં પણ જોવા મળી રહી છે, પણ મહાનગરોમાં દૂષિત પાણીની સમસ્યા નવી નથી, પરંતુ એના પ્રત્યે દૂર્લક્ષ કરવાનું ભારે પડી શકે છે.
મોટા ભાગના શહેરોમાં જોવા મળે છે, જ્યાં દૂષિત પાણીના કારણે બાળકો સહિતના લોકો ગંભીર બિમારો શિકાર બન્યા છે. આ પ્રકારની ઘટનાઓ પાણીના સ્ત્રોતોની શુદ્ધતા અને પાઈપલાઈનમાં થતા લીકેજનો નિર્દેશ કરે છે, પણ વાત દૂષિત પાણીને રોકવાની, જાણવાની એનાથી બચવાના ઉપાયની વાત કરીએ.

મધ્ય પ્રદેશના ઇન્દોરમાં આવેલા ભાગીરથપુરા વિસ્તારમાં દૂષિત પાણી પીવાથી હાહાકાર મચી ગયો છે. અહીં 1500થી વધુ લોકો ઝાડા-ઉલ્ટીની ઝપેટમાં આવી ગયા છે. આ મામલે જ્યારે તપાસ હાથ ધરવાની આવી ત્યારે જાણવા મળ્યું કે, નર્મદાના પાણી બાદ હવે બોરિંગનું પાણી પણ દૂષિત થઈ ગયું છે. નગર નિગમની લેબોરેટરી તપાસમાં જાણવા મળ્યું છે કે આ પાણીમાં ‘ફીકલ કોલિફોર્મ’ નામના જોખમી બેક્ટેરિયા જોવા મળ્યા છે, જે સીધા વ્યક્તિના આંતરડા પર હુમલો કરે છે અને શરીરને નબળું પાડી દે છે.
તબીબી નિષ્ણાતોના મતે, ફીકલ કોલિફોર્મ એવા સૂક્ષ્મ જીવો છે જે મનુષ્યો અને પ્રાણીઓના આંતરડામાં હોય છે. જો પીવાના પાણી કે ખોરાકમાં આ બેક્ટેરિયા મળી આવે તો તેનો અર્થ એ છે કે પાણીમાં મળમૂત્રનું પ્રદૂષણ (fecal contamination) ભળ્યું છે. જોકે આ બેક્ટેરિયા પોતે હંમેશાં ઘાતક નથી હોતા, પરંતુ તેની હાજરી એ વાતનો સંકેત છે કે પાણીમાં ઈ-કોલાઈ, સાલ્મોનેલા અને શિગેલા જેવા અન્ય જોખમી રોગચાળા ફેલાવતા વાઇરસ હોઈ શકે છે.
જ્યારે કોઈ વ્યક્તિ આવા બેક્ટેરિયાયુક્ત પાણીના સંપર્કમાં આવે છે, ત્યારે તેને ટાઈફોઈડ, કોલેરા, હેપેટાઈટીસ-એ અને આંતરડાના સોજા જેવી ગંભીર બીમારીઓ થઈ શકે છે. ખાસ કરીને બાળકો, વૃદ્ધો અને જેમની રોગપ્રતિકારક શક્તિ ઓછી છે, તેમના માટે આ ચેપ જીવલેણ સાબિત થઈ શકે છે. ગાંધીનગર અને ઈન્દોર જેવી ઘટનાઓ સાબિત કરે છે કે જો પાણીની પાઈપલાઈનમાં ગટરનું પાણી ભળી જાય તો તે આખા વિસ્તારના સ્વાસ્થ્યને જોખમમાં મૂકી શકે છે.
પાણીજન્ય રોગચાળાથી બચવા માટે સતર્કતા એ જ એકમાત્ર રસ્તો છે. હંમેશાં પાણીને ઉકાળીને અથવા યોગ્ય રીતે ફિલ્ટર કરીને જ પીવું જોઈએ. જમતા પહેલા અને શૌચક્રિયા બાદ હાથને સાબુથી વ્યવસ્થિત સાફ કરવા જોઈએ. જો તમારા વિસ્તારમાં પાણીનો સ્વાદ કે ગંધ બદલાયેલી જણાય, તો તુરંત તેનો ઉપયોગ બંધ કરવો અને તંત્રને જાણ કરવી હિતાવહ છે. ખુલ્લામાં શૌચનો ત્યાગ અને સ્વચ્છતાની જાળવણી જ આપણને આવા જીવલેણ બેક્ટેરિયાથી બચાવી શકે છે અને જો કોઈ બીમારીમાં સપડાવ તો તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરવો પણ હિતાવહ રહે છે.
(ડિસ્ક્લેમર: આ આર્ટિકલ માત્ર સામાન્ય જાણકારી માટે છે. જો તમને ઝાડા ઉલ્ટી કે પેટમાં દુખાવા જેવા લક્ષણો જણાય, તો ઘરેલું ઉપચાર કરવાને બદલે તાત્કાલિક નજીકના ડોક્ટર અથવા સરકારી હોસ્પિટલનો સંપર્ક કરવો.)
આ પણ વાંચો…ટાઇફોઇડથી બચવા માટે શું કરવું? જાણો અસરકારક ઘરેલુ ઉપચાર



