હવે આ દેશ આપી રહ્યો છે ભારતીયોને વિઝા-ફ્રી એન્ટ્રી
ઘણા દેશો માટે પર્યટન વિભાગ તેની આર્થિક પ્રવૃત્તિઓની કરોડરજ્જુ હોય છે. અનેક નાના મોટા દેશોપર્યટકો પર જ નભે છે. સાઉથ ઇસ્ટ એશિયન કન્ટ્રી મલેશિયા પણ આર્થિક પ્રવૃત્તિઓ વધારવા માગે છે. તેના એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ભારતીયો અને ચીનના પ્રવાસીઓ દેશવિદેશોમાં ઘુમવાનું ઘણું પસંદ કરે છે. ભારતના આવા પ્રવાસીઓને આકર્ષવા માટે અને કિમતી વિદેશી હુંડિયામણ રળવા માટે શ્રીલંકા, થાઇલેન્ડ અને કુદરતી નઝારાથી ભરપૂર વિયેટનામે થોડા સમય માટે વિઝા ફ્રી એન્ટ્રીની જાહેરાત કરી છે. હવે મલેશિયાએ પણ ભારતીય નાગરિકો માટે વિઝાની આવશ્યકતા હટાવી દીધી છે. આ નવી સિસ્ટમ 1 ડિસેમ્બર, 2023થી અમલમાં આવશે. હવે ભારતીયો તેમના પાસપોર્ટની મદદથી 30 દિવસ સુધી મલેશિયામાં રહી શકશે.
મલેશિયાએ ભારત સિવાય ચીનના નાગરિકો માટે સમાન વિઝા ફ્રી સિસ્ટમ લાગુ કરી છે. મલેશિયાએ પ્રવાસન દ્વારા તેની આર્થિક પ્રવૃત્તિઓ વધારવા માટે આ પગલું ભર્યું છે કારણ કે ભારત અને ચીન બંને મોટી સંખ્યામાં પ્રવાસીઓ ધરાવતા દેશો છે.
આ જાહેરાત મલેશિયાના વડાપ્રધાન અનવર ઈબ્રાહિમે પુત્રજયામાં તેમની પાર્ટીના વાર્ષિક સંમેલન દરમિયાન કરી હતી. ઈબ્રાહિમને આશા છે કે આ પગલાથી તેમના દેશની અર્થવ્યવસ્થાને વેગ મળશે. નોંધનીય છે કે મલેશિયા આવતા મોટાભાગના પ્રવાસીઓ ચીન અને ભારતના છે. વર્ષ 2023માં જાન્યુઆરીથી જૂન વચ્ચે 2.8 લાખ ભારતીયો પર્યટન માટે મલેશિયાની પસંદગી કરી હતી.
દક્ષિણપૂર્વ એશિયામાં સ્થિત મોટા ભાગના દેશો હવે તેમના પર્યટન ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે સમાન રાહતો આપી રહ્યા છે. તાજેતરમાં થાઈલેન્ડે પણ ભારતીય નાગરિકો માટે વિઝા મુક્ત મુસાફરીની જાહેરાત કરી હતી . થાઈલેન્ડે નવેમ્બર 2023 અને મે 2024 વચ્ચે ભારતમાંથી પ્રવાસ કરનારા પ્રવાસીઓ માટે વિઝાની આવશ્યકતા દૂર કરી દીધી છે.
થાઈલેન્ડ ઉપરાંત શ્રીલંકાએ તાજેતરમાં ભારતીય પ્રવાસીઓ પાસેથી વિઝા ફી ન લેવાનો નિર્ણય લીધો હતો. શ્રીલંકા પણ તેના દેશમાં પ્રવાસન વધારવાનું લક્ષ્ય રાખે છે. આ દ્વારા તે પોતાની મુશ્કેલીમાં મુકાયેલી અર્થવ્યવસ્થાને મજબૂત કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. વિયેતનામે પણ તાજેતરમાં ભારતીયો માટે વિઝા ફ્રી એન્ટ્રીની જાહેરાત કરી છે.