આ વાયરલ વીડિયો જોઈને વિચાર થાય છે કે દેશનું ભવિષ્ય કઈ તરફ જઈ રહ્યું છે…

સંગીત અને નૃત્ય એક કલા છે અને તે પવિત્ર છે. આપણે વારસામાં મળેલી વિરાસત છે અને તેથી આપણી આવનારી પેઢી પણ આ વારસો આગળ વધારે તે જરૂરી છે. સ્કૂલમાં માત્ર ચોપડીયું જ્ઞાન ન આપતા તમામ ઈત્તર પ્રવૃત્તિઓ થાય અને બાળકોનો સર્વાગી વિકાસ થાય તે જરૂરી છે, પણ બાળક નૃત્ય કે સંગીતના નામે શું કરે છે તે જોવાની ફરજ સ્કૂલ અને શિક્ષકોની નથી?
આસામની એક સ્કૂલનો વીડિયો વાયરલ થયો છે. આ ટીચર્સ ડેના દિવસે વિદ્યાર્થીઓએ આપેલા ડાન્સ પર્ફોમન્સનો વીડિયો છે. વીડિયોમાં એક સાત-આઠ વર્ષની છોકરી તેની બહેનપણીઓ સાથે સ્ત્રી-ટુ ફિલ્મનો આજ કી રાત…ડાન્સ કરી રહી છે. તેણે સ્લીટ ગાઉન પહેર્યું છે. તે બાળકીના એક્સપ્રેશન્સ અને ડાન્સ મુવ્સ કોઈપણ એડલ્ટ જેવા જ છે અને લોકો તેને જોઈ તાળીઓ વગાડી રહ્યા છે એન્જોય કરી રહ્યા છે.
સ્કૂલમાં જે ફંકશન થાય તે જે તે સ્કૂલની સંસ્કૃતિને બતાવે છે. સ્કૂલમાં દેશ અને રાજ્યની સંસ્કૃતિ અનુરૂપ કાર્યક્રમો થવા જોઈએ, જે મનોરંજક હોવાની સાથે માહિતીસભર અને સુરૂચિકર હોવા જોઈએ. એક તરફ આપણે બાળકોને વખોડીયે છીએ કે તેઓ મોબાઈલને લીધે ઉંમર કરતા વહેલા પુખ્ત બની ગયા છે, ન શિખવાનું શિખે છે અને સંસ્કારો ભૂલી ગયા છે. પણ આપણે શું કરી રહ્યા છીએ?
એક બાજુ ફિલ્મો અને ડિજિટલ પ્લેટફોર્મ પર તમામ પ્રકારનું કન્ટેન્ટ ઉપલબ્ધ છે. દરેક જોવા જેટલી સમજ બાળકોની તો શું 18 વર્ષ ઉપરના કિશોરોની પણ નથી હોતી. આ બાળકીએ આ ડાન્સ મુવ્સ અને એક્સપ્રેશન્સ વારંવાર જોયા હશે, શિખ્યા હશે. તેની સમજમાં શું આવ્યું શું નહીં તે અલગ વાત છે, પણ આપણે આપણા ભાવિ નાગરિકોને શું આપી રહ્યા છે તે સૌએ વિચારવાની જરૂર છે. ખાસ કરીને સ્કૂલટાઈમ દરમિયાન કવિતાઓ, લોકગીતો, સાહિત્ય વગેરે સાથે બાળક જોડાય અને તેને સંબંધિત કાર્યક્રમો થાય તે ફરજિયાત હોવું જોઈએ.
આસામની આ સ્કૂલનો વીડિયો અમને અહીં પૉસ્ટ કરવો યોગ્ય લાગી રહ્યો નથી, પણ તેની ચોમેર ટીકા થઈ રહી છે. આ વિષય માત્ર ટીકા કરી કે એક-બે શિક્ષકોને છપકો આપી ભૂલી જવાનો નથી ચિંતન કરી ઉકેલ શોધવાનો છે.