માઉન્ટ આબુની હોટેલમાં દસ હજારનું બિલ કરી ભાગ્યા પાંચ જણા, પણ હોટેલમાલિકે જે કર્યું તે…
સ્પેશિયલ ફિચર્સ

માઉન્ટ આબુની હોટેલમાં દસ હજારનું બિલ કરી ભાગ્યા પાંચ જણા, પણ હોટેલમાલિકે જે કર્યું તે…

મોંઘીદાટ ગાડીમાં પર્યટકો ફરવા આવે ત્યારે સ્વાભાવિક છે કે હોટલ માલિકોને આનંદ થાય કારણ કે તેમનો બિઝનેસ થતો હોય છે. માઉન્ટ આબુની આવી જ એક હોટલમાં મહેમાનો આવ્યા તો ખરા, પણ બિલ ચૂકવ્યા વિના જતા રહ્યા. જોકે આ હોટેલનો માલિક જરા અલગ નીકળ્યો અને તેમણે આ પાંચ જુવાનીયાઓનો પીછો કરી પોતાના પૈસા વસૂલ કર્યા.

ગુજરાતમાં ભારે ચર્ચાનો વિષય બનેલી આ ઘટનામાં પાંચ જુવાનીયા ગુજરાતી હોવાનું કહેવાય છે અથવા ગુજરાતથી આવ્યા હોવાનું કહેવાય છે. ચાર છોકરા અને એક છોકરી મોંઘાદાટ કારમાં રાજસ્થાનના માઉન્ટ આબુ ફરવા ગયા હતા. અહીં તેમણે એક હોટેલમાં આરામ કર્યો અને લંચ પણ લીધું. આ બધાનું બિલ લગભગ રૂ. 10,900 આસપાસ આવ્યું હતું. આ પાંચેય જણ એક પછી એક એમ ગાયબ થઈ ગયા અને પૈસા ચૂકવ્યા વિના નીકળી પડ્યા.

હોટેલમાલિકને આ વાતની જાણ થોડી મોડી થઈ, પરંતુ તેમણે બાઈક સ્ટાર્ટ કરી અને તેમનો પીછો કર્યો. કારનંબર ગુજરાતનો હોવાથી તેઓ ગુજરાત-રાજસ્થાન બોર્ડર પર આવ્યા. તેમના સદ્નસીબે બોર્ડર પર ભારે ટ્રાફિક જામ હોવાથી તેમને કાર દેખાઈ ગઈ અને ત્યારબાદ તેમણે પાંચેયને પકડી પાડ્યા. આ ઘટનાનો વીડિયો પણ વાયરલ થયો છે. પર્યટકો પછીથી ભોંઠા પડયા હતા અને પૈસા આપ્યા હતા.

ગુજરાતના લોકો આ પાંચેયથી ભારે નારાજ છે. ગુજરાતીઓની પ્રતિષ્ઠાને આવી ઘટનાથી આંચ આવે છે અને આવા લોકો ગુજરાતીઓનું નામ બદનામ કરે છે, તેમ લોકો સોશિયલ મીડિયા પર કહી રહ્યા છે.

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button