કંપનીએ દિવાળી ગિફ્ટમાં સોનપાપડી આપી તો રોષે ભરાયેલા કમર્ચારીઓએ શું કર્યુ, જુઓ વીડિયો

આખું વર્ષ જે કંપની કે ફેક્ટરી કે સંસ્થા માટે કામ કરતા હોય ત્યારે સ્વાભાવિક રીતે દિવાળી જેવા તહેવારે તમને બૉનસની અપેક્ષા હોય. ઘરમાં કામ કરનારી કમાવાળી કે સોસાયટી વાળતી સફાઈ કર્મચારી પણ દિવાળીના દિવસે બક્ષીસની અપેક્ષા રાખે છે. દરેક કંપની પોતાના કર્મચારીઓની મહેનત અને કૌશલ્યોથી આગળ આવતી હોય છે, ત્યારે આવા વાર-તહેવારે કંપની જો બક્ષીસ આપે તો એવી આપે કે કર્મચારીઓને આનંદ અને સન્માનની લાગણી અનુભવાઈ, પરંતુ એક કંપનીએ કર્મચારીઓને દિવાળી ગિફ્ટ તરીકે માત્ર રૂ. 100નું સોનપાપડીનું બોક્સ આપતા કર્મચારીઓ ગુસ્સે ભરાયા હતા અને તેમણે આ બોક્સ કંપનીના ગેટ બહાર જ મૂકી દીધા હતા.
સોશિયલ મીડિયા પર monulamba9999 ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર આ વીડિયો પોસ્ટ થયો છે અને અત્યાર સુધીમાં લગભગ 22 લાખ કરતા વધારે વ્યુ મળ્યા છે. લોકો તેમના વખાણ કરી રહ્યા છે અને આત્મસન્માન નામની પણ કોઈ ચીજ હોય છે, તેવી કોમેન્ટ્સ પણ કરી રહ્યા છે.

આ પણ વાંચો: કેબીસીમાં અમિતાભ સાથે વર્તન માટે 10 વર્ષના ઈશિતે માંગી માફી, જુઓ વીડિયો
દિવાળી વર્ષનો સૌથી મોટો અને સૌથી મહત્વનો તહેવાર માનવામાં આવે છે. દિવાળીના બીજા દિવસે હિન્દુ કેલેન્ડર પ્રમાણે નવા વર્ષની શરૂઆત થાય છે. આથી આખા એક વર્ષમાં કર્મચારીઓ માટે કંપનીએ કંઈ કર્યું હોય કે નહીં, પરંતુ આ એક દિવસ તેઓ કર્મચારીઓને કંઈક આપી કૃતજ્ઞતા વ્યક્ત કરતા હોય છે. કંપની ખમતીધર હોય અને દિવાળીની બોનસ કે ગિફ્ટના ભાગરૂપે માત્ર 100 રૂપિયાની મીઠાઈનું પેકેટ આપે તો કર્મચારીઓને દુઃખ થાય તે સમજી શકાય છે. કંપનીનું કોઈ રિએક્શન હજુ સુધી જાણવા મળ્યું નથી.
દેશમાં એવી કંપનીઓ પણ છે જે કમર્ચારીઓને દિવાળી પર કાર, ડાયમન્ડ, ગોલ્ડ કે ફોરેન ટ્રીપ જેવી ગિફ્ટ્સ આપે છે. જોકે દિવાળી પર ભલે નાની ગિફ્ટ આપે કે ન આપે, પરંતુ આખું વર્ષ કર્મચારીઓને તેમની મહેનત અને હક પ્રમાણે પગાર અને સન્માન આપે તે વધારે મહત્વનું છે.