પુરુષસ્પેશિયલ ફિચર્સ

વેર- વિખેર -પ્રકરણ -૧૦૧

મી લોર્ડ, અરે એમ જો સસરો ન ગમતો હોય અને દરેક જમાઈ એને ઠાર કરવા માંડે તો દુનિયામાં કોઈ સસરા જ ન બચે…!

કિરણ રાયવડેરા

 ‘ગાયત્રીબહેનને તો રૂપા પહેલી જ મુલાકાતમાં નહોતી ગમી.’ રેવતીથી બોલાઈ જવાયું. ગાયત્રીએ ધારદાર નજરે રેવતી સામે જોયું.  ‘ગાયત્રી, તેં મને કહ્યું નહીં.’ કરણના અવાજમાં ફરિયાદ હતી.

Also read: વેર- વિખેર -પ્રકરણ -૯૮

થોડી ક્ષણ મૌન રહીને ગાયત્રી બોલી:

‘હું ત્યારે એમ કહેત કે રૂપા તમારા પરિવારને લાયક નથી તો શું તું માનત? પ્રેમમાં પડેલાંઓને આખી દુનિયા આંધળી લાગતી હોય છે, હકીકતમાં હોય છે એથી ઊલટું જ. તમે કોઈ અબૂધ છોકરીને પરણો તો રસ્તો નીકળે, તમે એને તમારી રીતે ઢાળી શકો, પણ રૂપા…’ થોડી

ક્ષણો બાદ ફરી વાતનું અનુસંધાન મેળવી લેતાં ગાયત્રી બોલી:    

‘પ્રેમપંખીડાંઓને લગ્ન કરવાની ના પાડનાર દુનિયાના સૌથી મોટા દુશ્મન લાગતા હોય છે. સ્વાભાવિક છે કે હું તમારી શત્રુ નહોતી બનવા માગતી…’ કહીને ગાયત્રીએ નિર્દોષ હાસ્ય વેર્યું.

કરણ એની સામે જોતો રહ્યો. એક વાર કહેવાની ઇચ્છા થઈ આવી: 

‘ઠીક છે. હું રૂપાને ના પાડી દઉં તો તું શું હા પાડીશ?’

નાના સાળાના ચહેરાના ભાવ જોઈને જતીનકુમાર બોલ્યા: 

‘સાળાબાબુ, એમ ઉતાવળે આંબા ન પાકે. પહેલાં જે સડેલી કેરી તમે વસાવી છે એને ફેંકી દો એટલે એક અધ્યાય પૂરો થાય. પછી આપણે બીજો અધ્યાય શરૂ કરશું.’ ‘તમે આ શું બોલો છો? અમને તો કંઈ સમજાતું નથી!’ રેવતી બોલી.

‘સમજનેવાલે સમજ ગયે હૈં… બાકી તારા જેવા અનાડીનો કોઈ ઇલાજ નથી.’ ‘ગાયત્રી, આજે પહેલી વાર રાહતની લાગણી અનુભવું છું. લાગે છે જાણે એક મોટો ભાર મારા મન પરથી હટી ગયો…’ કરણે નિખાલસભાવે કબૂલ્યું.

‘જ્યારે આપણને આપણા પ્રિય પાત્રમાં ઊણપ વર્તાતી હોય અને આપણા નિર્ણય બાબત શંકા થતી હોય ત્યારે આપણે ખુદ આંખ આડા કાન કરી દઈએ છીએ. વાસ્તવિકતાનો સામનો કરતાં અચકાઈએ છીએ, કારણ કે આપણે એ પ્રિયજનની જે છબી આપણા મનમાં તૈયાર કરી હોય એને જ વળગી રહેવા માગીએ છીએ. એ જ સમય હોય છે નિર્ણય લેવાનો, પહેલ કરવાનો, કાં આ પાર કાં પેલે પાર…’ ગાયત્રીએ સલાહ આપી.

‘અને વચ્ચે રહ્યા તો ડૂબ્યા સમજો… જાવ સાળાસાહેબ, ફતેહ કરો, રૂપું વેચો અને સોનું ખરીદો… હું તમને બનતી બધી મદદ કરીશ.’ જતીનકુમારે આંખ મીંચકારીને કહ્યું. ‘સોનું મેળવવામાં મારી મદદ કરશો ને…?’ કરણે પૂછ્યું.‘હા, હા, સાળાબાબુ, તથાસ્તુ!’ જતીનકુમારે કોઈ મહાત્માની મુદ્રામાં જવાબ આપ્યો. ‘આજે પહેલી વાર જમાઈબાબુ પર પ્રેમ ઊભરાઈ આવે છે.’ કરણ બોલ્યો. ‘અલ્યા, તારો પ્રેમ છે કે દૂધ, જરા ગરમ કરો કે ઊભરાઈ જાય છે. જોજે, પાછો રૂપાને ના પાડીને મને પ્રોપોઝ નહીં કરતો..! .’ ‘શું જમાઈબાબુ તમે પણ…’ કરણ ભોંઠો પડી ગયો.

‘હા, પણ સાળાબાબુ, એક વાત તો કહેવાની રહી જ ગઈ. જો તમે તમારા પપ્પા પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હશે તો મારી મદદની આશા મૂકી દેજો…’ જતીનકુમારના ચહેરા પર ગંભીરતા હતી. ગાયત્રીને તો જતીનકુમારમાં આવેલાં પરિવર્તનને જોઈને આશ્ર્ચર્ય થતું હતું.

‘શું વાત કરો છો, જીજાજી! હું ગુસ્સામાં જેમ તેમ બોલવાની ભૂલ કરી બેસું પણ મારા પપ્પા પર હું ઍટેક કરાવડાવું? અનથિન્કેબલ…’ કરણના ગળામાં ડૂસકું અટવાઈ ગયું. ‘મારું બેટું કમાલ કહેવાય, બધાં ના પાડે છે તો પછી સસરા પર હુમલો કોણે કર્યો…?’ જતીનકુમાર બોલ્યા.

‘કબીર અંકલની ભાષામાં વાત કરીએ તો આપણે ફરી બેક-ટુ-સ્કેવર વનની સ્થિતિમાં આવી ગયાં…’ ગાયત્રી વિચારમગ્ન લાગતી હતી ‘અરે, એ તમારા અંકલ તો આવીને ફરી સાપ-સીડી જેવી કોઈ રમત રમાડશે. એની મરજી હશે એને સીડી દ્વારા ઉપર ચડાવશે અને એની ઇચ્છા હશે ત્યારે સાપ વાટે નીચે ફંગોળશે.’ જતીનકુમારે મોઢું બગાડ્યું.

Also read: વેર- વિખેર -પ્રકરણ -૯૫

‘ચાલો, આપણે થોડી વાર માટે કબીર અંકલ બની જઈને આ ગેમ શરુ કરીએ…’ ગાયત્રી બોલી :
‘પહેલાં જમાઈબાબુ, તમારી કેફિયત આપો. તમને તમારા સસરા નહોતા ગમતા, એમણે તમારી સામે અન્યાય કર્યો છે એવું તમને લાગતું હતું. તો તમે શા માટે ખૂન કરવાનો પ્રયાસ ન જ્ કર્યો હોય?! ’ બધાં એકાગ્ર થઈને સાંભળતાં હતાં.

જતીનકુમારે ગળું ખંખેરીને એની કેફિયત શરૂ કરી….. ‘મી લોર્ડ, અરે એમ જો સસરો ન ગમતો હોય અને દરેક જમાઈ એને ઠાર કરવા માંડે તો દુનિયામાં કોઈ સસરા જ ન બચે. હા, મારી ઉપેક્ષા થઈ છે, મારી સાથે અન્યાય થયો છે એવું મને હંમેશાં લાગ્યું છે પણ એનો બદલો લેવા તલવાર લઈને નીકળી ન પડું… ભાઈસાબ, મારે બાકીની જિંદગી પ્રેસિડેન્સી જેલમાં નથી ગાળવી, મારી રેવતી સાથે ગાળવી છે.’ જતીનકુમારની વાત સાંભળીને રેવતી શરમાઈ ગઈ. ‘હા, ગાયત્રીબહેન, મારા એ’ ખૂન ન કરે…’ રેવતી બોલી.

‘અરે ખૂનની ક્યાં વાત કરો છો, રાતના એકલા રૂમમાં સૂવું પડે તો ભગવાનનું નામ લેતો રહું છું… અને તમે ખૂનની વાત કરો છો. મારી જીભ ચાલે, હાથ નહીં… આ તો તમે છો એટલે મારી કમજોરીએ કબૂલી લઉં છું.’ જતીનકુમારની વાતમાં બધાંને વિશ્ર્વાસ બેસતો હોય એવું લાગતું હતું. ‘ઓ.કે…’ ગાયત્રીએ કબીરની સ્ટાઇલમાં જવાબ આપ્યો. નેકસ્ટ?’

‘મને તો આ સર્કલમાંથી બહાર જ રાખજો’ કરણ ગાયત્રી સામે જોઈને બોલ્યો: ‘હું બેવકૂફ છું, મી લોર્ડ, પણ લુચ્ચો નથી અને ખૂન કરવું એ બેવકૂફોનું કામ નથી એ વાત તો તમે પણ માનશો.’ ‘તમને શા માટે લાગે છે કે તમે બેવકૂફ છો?’ ગાયત્રીએ પૂછ્યું.

જતીનકુમાર બોલી ઊઠ્યા: ‘અમને તો ખબર હતી, પણ સાળાબાબુને આ બ્રહ્મજ્ઞાન કેવી રીતે આવ્યું?’

‘મી લોર્ડ, મેં જે ભૂલો કરી છે એ મારી બુદ્ધિહીનતા જ દેખાડે છે. હું પપ્પા સાથે રૂપિયા માટે ઝઘડ્યો, એમને ન બોલવાના શબ્દો કહ્યા… અને સૌથી મોટું બેવકૂફીનું પ્રમાણ તો એ છે કે હું રૂપા જેવી છોકરીના પ્રેમમાં પડ્યો… પડ્યો તો એવો પડ્યો કે ઊભા થવાનું નામ ન લીધું.’ કરણનો અવાજ રડમસ હતો.

Also read: વેર- વિખેર -પ્રકરણ -૯૪

‘હવે તો ઊભા થઈ ગયા ને?’ જતીનકુમાર બોલ્યા. ‘તમે ઊભા થવાની વાત કરો છો, હું તો ત્યાંથી ભાગવાનો છું… હા, પણ પપ્પાને કંઈ ન થવું જોઈએ. એમને કંઈ થઈ જશે તો હું એમની માફી કેવી રીતે માગીશ?’ કરણની આંખો છલકાઈ ગઈ. ગાયત્રીની આંખો પણ ભીની થઈ ગઈ, પણ એને જાત પર કાબૂ રાખ્યો. ‘ડોન્ટ વરી કરણ, તારી પ્રાર્થનામાં સચ્ચાઈ હશે તો તને પ્રાયશ્ર્ચિત કરવાનો મોકો મળશે.’ બોલતી વખતે ગાયત્રીનો અવાજ એક ક્ષણ માટે તૂટ્યો.

‘નેકસ્ટ…’ ગાયત્રીએ કહ્યું. બીજું કોઈ બોલે એ પહેલાં ગાયત્રીએ ઉમેર્યું: ‘કોઈ પોતાનો ગુનો કબૂલી લેશે એવું હું ધારતી નથી, પણ અજાણતા જો કોઈથી ભૂલ થઈ ગઈ હોય તો કબીર અંકલ આવે એ પહેલાં આપણે એનો તોડ કાઢી શકીએ…’ કહીને ગાયત્રીએ વિક્રમ સામે જોયું. ‘ગાયત્રી, મેં મોટી ભૂલ કરી છે…’ વિક્રમ બોલ્યો. ‘ચાલો ખૂની પકડાઈ ગયો…’ જતીનકુમાર બોલ્યા.

‘ના, જીજાજી, મેં ખૂન કરવાનો પ્રયાસ નથી કર્યો, હું એવું વિચારી પણ ન શકું… જે બાપે મારા જન્મ સમયે આખી હોસ્પિટલ બુક કરાવી હોય એની હત્યા કરવાનો વિચાર કરું એટલો નરાધમ તો હું નથી જ. હા, આજે સમજાય છે કે મેં પપ્પાને બહુ અન્યાય કર્યો છે.’ વિક્રમનું ગળું ભરાઈ આવતાં એ થોડી ક્ષણ અટકીને બોલ્યો: ‘મેં એમની આમન્યા ન જાળવી, એમનું અપમાન કર્યું. ભૂલ મારી હતી પણ મેં એમને દોષિત ઠેરવ્યા અને સૌથી ખરાબ તો…’ વિક્રમ ફરી અટકી ગયો.

પ્રભાએ સાડીની કોરથી આંખના ખૂણા દબાવી દીધા. પૂજાના ગળામાં પણ ડૂમો અટવાતો હતો. ‘પૂજા, હું તારો પણ ગુનેગાર છું, મેં પરસ્ત્રી સાથે સંબંધ રાખીને મોટો અપરાધ કર્યો છે. એના માટે તો હું પ્રેસિડેન્સી જેલ જવા તૈયાર છું…’ ‘વાહ, વાહ, સાળાબાબુ, અહીં તો પશ્ર્ચાત્તાપનું ઝરણું નહીં, દરિયો વહે છે…’ જતીનકુમાર પણ પ્રભાવિત થઈ ગયા હતા.

વિક્રમે ક્ષોભપૂર્વક હસીને ફરી વાત શરૂ કરી: ‘ગાયત્રી, હું મારા પરિવારજનો સામે કબૂલાત કરું છું અને સર્વેની માફી પણ માગી લઉં છું પણ પપ્પા પર થયેલા હુમલામાં મારો કોઈ હાથ નથી, પ્લીઝ બીલિવ મી…’ કબૂલાત કરી લીધા બાદ વિક્રમ હળવાશ અનુભવતો હતો. ‘વી બીલિવ યુ…’ પૂજા ગણગણી. ગાયત્રીએ પણ હકારમાં માથું હલાવ્યું. કરણે ભાઈના ખભા પર હાથ મૂક્યો. ‘કેટલાં સારાં સારાં માણસો અહીંયા ભેગાં થયાં છે. આ ખાનદાન માણસોમાં કોઈ ખૂની છુપાયો હોય એવું હું માનતો નથી…’ જતીનકુમારે કહ્યું. ‘હું પણ નથી માનતી, પણ હકીકત એ છે કે કોઈએ કાકુ પર હુમલો કર્યો છે.’ ગાયત્રી બોલી. ‘ગાયત્રી, એક વાર પપ્પાને ઘરે લઈ આવ, બીજી વાર એમને અમારી તરફ કોઈ ફરિયાદ નહીં રહે,’ વિક્રમે ગાયત્રીને બોલતાં અટકાવીને કહ્યું.

‘હવે કોઈને કંઈ કહેવું છે?’ ગાયત્રી પ્રભા સામે નેકસ્ટ’ નહોતી કહેવા માગતી. ગાયત્રી હજી વધુ બોલે એ પહેલાં પ્રભા ધ્રુસ્કે ધ્રુસ્કે રડવા માંડી. કોઈ કંઈ બોલ્યું નહીં. ‘હું તો અગાઉ પણ કહી ચૂકી છું કે હસબન્ડ-વાઇફ વચ્ચે રકઝકને કારણે વાત જો ખૂનામરકી પર પહોંચે તો તો રોજ રોજ કોઈ પતિ કે પત્નીનું ખૂન થતું રહે…’ કોઈએ કંઈ પ્રતિભાવ ન આપતાં પ્રભાએ એની વાત ચાલુ રાખી.

‘હું જાણું છું કે જગમોહનને મારી સામે ઘણી ફરિયાદ છે. છેલ્લાં દસ વરસમાં તો સંબંધ ઘણા કથળી ચૂક્યાં હતાં. પણ પતિ-પત્ની વચ્ચેના સંબંધમાં એક હાથે તાળી ન વાગે એ તમે જાણો છો.’ ‘એક હાથે તાળી ન વાગે પણ એક હાથે મર્ડર થાય.’ જતીનકુમાર બોલ્યા.

‘ના, જમાઈબાબુ, એવું નીચી કક્ષાનું કામ હું ન કરું. મારે એમની સામે ગમે તેટલા વાંધાવચકા હોય પણ મર્ડર કરવાનો વિચાર સુધ્ધાં ન કરું. હા, મેં ડિવોર્સનો વિચાર ઘણી વાર કર્યો છે પણ હંમેશાં છોકરાઓને કારણે અટકી જતી.’ ‘કાકુ હમણાં હાજર હોત તો સારું થાત…’ ગાયત્રીને વિચાર આવી ગયો. ‘મમ્મી, હવે શું કરવાનો વિચાર છે?’ કંઈ ન સૂઝતાં ગાયત્રીએ પૂછી નાખ્યું.

Also read: વેર- વિખેર -પ્રકરણ -૯૩

‘કંઈ નહીં, એ પાછા આવે તો હું મારી ભૂલો માટે માફી માગી લઈશ. હું એવી અપેક્ષા નહીં રાખું કે એ પણ માફી માગે. હા, એમને બીજી વાર આત્મહત્યા કરવાની ઇચ્છા નહીં થાય એવું વાતાવરણ હું સર્જી દઈશ એની ખાતરી આપું છું.’ ‘મમ્મી, જો કાકુની ભૂલ હશે તો એ પણ માફી માગશે.’ ગાયત્રી બોલી.

‘એવું લાગે છે જાણે બધા ક્ધફેશન બોક્સમાં ઊભા રહીને પોતાની ભૂલોની કબૂલાત કરે છે, પણ કોઈ ખૂનના પ્રયાસની જવાબદારી માથે નથી લેતું.’ જતીનકુમાર બોલ્યા. ‘એ પણ થશે, જમાઈબાબુ, આપણે ધીરજ રાખીએ…’ ગાયત્રી બોલી. ‘ગાયત્રી…’ જતીનકુમાર કંઈ વિચારતા હોય એમ બોલ્યા: ‘ક્યાંક સાચે તેં જ ખૂન નથી કર્યું ને?’ પછી હસતાં હસતાં કહ્યું: ‘મજાક કરું છું.’

‘ના, જમાઈબાબુ, તમારો પ્રશ્ર્ન બરોબર છે. વાસ્તવમાં મારા હાથમાં તો હથિયાર પણ હતું અને મેં ગોળી પણ ચલાવી હતી. જો કે હવે એ પુરવાર થઈ ચૂક્યું છે કે એ બૂલેટ કાકુને વાગી નથી. ખેર, મને એક પ્રશ્ર્નનો ઉત્તર આપો. કાકુનું મર્ડર કરવાનો મારો મોટિવ શું હોઈ શકે?’

‘બધાં ચૂપ રહ્યાં. પછી જતીનકુમાર બોલ્યા:

નેકસ્ટ?’ દરેકની નજર પૂજા પર મંડાઈ. પૂજા નીચું જોઈ ગઈ. ‘તમે તો ઊંઘમાં મર્ડર કરવાની કોશિશ કરી હોય તો પણ ખબર ન પડે…’ જતીનકુમાર બોલ્યા.

‘ના, ના, પૂજાએ ઊંઘમાં ચાલતાં આવું કંઈક કર્યું હોય તો મને ખબર પડે જ… કેમકે હું એની પાછળ જ હતો…’ વિક્રમે પત્નીનો બચાવ કર્યો. ‘હા, પણ ગાયત્રીની પાછળ જ પૂજા રૂમમાં દાખલ થઈ હતી.’ જતીનકુમારે ઊલટતપાસ શરૂ કરી. ‘હા, એવું પણ બની શકે કે મારા અને પૂજા વચ્ચે કોઈ ત્રીજી વ્યક્તિ રૂમમાં દાખલ થઈ હોય ને પોતાનું કામ પતાવીને ભાગી ગઈ હોય…’ ગાયત્રી બોલી.

‘પૂજા મારા રૂમમાંથી નીકળી ત્યારે તંદ્રાવસ્થામાં હોય એવું લાગતું હતું.’ વિક્રમે કબૂલાત કરી. ‘હા, મને પણ સસરાજીના બેડરૂમમાં પહોંચ્યા બાદ ભાન આવ્યું હોય એવું લાગતું હતું. એ વખતે મેં જોયું કે પપ્પા ફર્શ પર પડ્યા હતા અને ગાયત્રીના હાથમાં ગન હતી…’ પૂજા બોલી.

‘પૂજાભાભી’, ગાયત્રીએ પૂજાને અટકાવીને કહ્યું: ‘તમે પોલીસ સમક્ષ કબૂલતાં નહીં કે તમે ઊંઘમાં ચલતાં ચાલતાં મારી પાછળ આવ્યાં હતાં. નહીંતર એ લોકો તારણ કાઢી લેશે કે ખૂન તમે જ કર્યું છે.’ પૂજાએ હકારમાં માથું હલાવ્યું. ‘એવું બની શકે કે પૂજાએ જ ઊંઘમાં આ ભૂલ કરી હોય?’ જતીનકુમાર બોલતા હતા.

Also read: વેર- વિખેર -પ્રકરણ -૯૨

‘ના, ના, જમાઈબાબુ, ખૂન કરવા માટે હથિયાર જોઈએ. હું ઊંઘમાં ચાલતી હતી એ સાચું, પણ રિવોલ્વર ક્યાંથી લાવું… અને માની લ્યો કે મારી પાસે ગન છે તો પણ હું પપ્પાજીનું ખૂન શા માટે કરું… મને જો ઘરમાં કોઈની સામે વાંધો હતો તો એ વિક્રમ સામે હતો. એ પણ પેલી સ્ત્રીને કારણે. બાકી ઘરની વ્યક્તિ સાથે મારો સારો મનમેળ છે…’ પૂજાની આંખમાંથી આંસુ ટપકી પડ્યાં:  ‘હા, મારી ઊંઘમાં ચાલવાની આદતને કારણે લોકોને મારા પર શંકા જાય એ સ્વાભાવિક છે…’                 

(ક્રમશ:)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આ રાશિના લોકો માટે લકી સાબિત થશે દિવાળી દિવાળી પર રંગોળીમાં બનાવો આવા શુભ પ્રતિકો ધનતેરસના દિવસે લઈ આવો છોડના પાંચ પાંદડા, આર્થિક તંગી થશે દૂર… ઘર ખરીદવા માટે ભારતમાં સૌથી વધુ પોસાય તેવા શહેરોની યાદી

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker