સ્પેશિયલ ફિચર્સ

શું તમે પણ રોટલી બનાવતી વખતે કરો છો આ ભૂલ? તમારી આ ભૂલ તમને ભારે પડી શકે છે…

વાસ્તુશાસ્ત્રમાં ઘરના દરેક ખૂણા અને દરેક ક્રિયા પાછળ છુપાયેલા ઊંડા વિજ્ઞાન વિશે વિસ્તારથી માહિતી આપવામાં આવી છે. આખા ઘરમાં રસોડું એ સૌથી પવિત્ર સ્થાન માનવામાં આવે છે કારણ કે ત્યાં દેવી અન્નપૂર્ણાનો વાસ હોય છે. આપણે જે રીતે રસોઈ બનાવીએ છીએ તેની સીધી અસર આપણા ભાગ્ય અને આર્થિક સ્થિતિ પર પણ જોવા મળે છે.

મોટાભાગના ભારતીય ઘરોમાં રોટલી એ મુખ્ય આહાર છે, પરંતુ શું તમે જાણો છો કે રોટલી ગણીને બનાવવી એ વાસ્તુની દ્રષ્ટિએ ગંભીર ભૂલ હોઈ શકે છે? ચાલો જાણીએ આ પાછળના કારણો અને સુખ-શાંતિ માટેના સચોટ ઉપાયો.

આપણામાંથી મોટાભાગના લોકો ભોજનનો બગાડ ન થાય એ કારણસર ઘર-પરિવારમાં સભ્યોની સંખ્યા અનુસાર ગણતરી કરીને રોટલી બનાવવાનું પસંદ કરે છે. જોકે, વ્યવહારિક દ્રષ્ટિએ આ સાચું લાગે પણ વાસ્તુશાસ્ત્ર મુજબ આ પદ્ધતિ અત્યંત અશુભ માનવામાં આવે છે. એટલું જ નહીં આના દુષ્પરિણામો પણ જોવા મળે છે.

રાહુનો અશુભ પ્રભાવ

વાસ્તુશાસ્ત્રના જાણકારો મુજબ, જ્યારે તમે ચોક્કસ ગણતરી કરીને રોટલી બનાવો છો, ત્યારે તમારી ઊર્જા પણ ‘સીમિત’ થઈ જાય છે. જ્યોતિષની દ્રષ્ટિએ, આ આદત માયાવી ગ્રહ રાહુના અશુભ પ્રભાવને આમંત્રણ આપે છે. રાહુના દોષને કારણે ઘરમાં અચાનક આર્થિક સંકટ અથવા માનસિક અશાંતિ ઊભી થઈ શકે છે.

લક્ષ્મીજી અને અન્નપૂર્ણાની નારાજગી

આ ઉપરાંત ગણતરી કરીને રોટલી બનાવવી એ ‘કંજૂસાઈ’ અને ‘અભાવ’નું પ્રતીક છે. શાસ્ત્રોમાં આપવામાં આવેલી માહિતી અનુસાર રસોડામાં હંમેશા થોડું વધારે અન્ન હોવું જોઈએ. જો કોઈ અચાનક મહેમાન આવી જાય અને તમારે ફરીથી લોટ બાંધવો પડે, તો તે રસોડાની ઊર્જા માટે નકારાત્મક માનવામાં આવે છે. અંદાજ કરતાં ૨-૩ રોટલી હંમેશા વધારે બનાવવી જોઈએ, જેથી ઘરમાં ક્યારેય અન્ન અને ધન ખૂટે નહીં.

વાસ્તુ દોષ નિવારણ માટેના ખાસ નિયમો

ઘર-પરિવારમાં સુખ-સમૃદ્ધિ રહે એટલે માત્ર રોટલી વધારે બનાવવી પૂરતું નથી, પરંતુ તેને બનાવતી વખતે બીજી કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે.

⦁ પહેલી રોટલી ગાય માટે: હંમેશા પહેલી રોટલી ગાય માતા માટે કાઢવી જોઈએ. ગાયમાં ૩૩ કોટિ દેવતાઓનો વાસ હોય છે, તેથી આ કરવાથી પિતૃદોષ અને ગ્રહદોષ દૂર થાય છે.

⦁ છેલ્લી રોટલી શ્વાન માટે: રસોઈ પૂરી થયા પછી છેલ્લી રોટલી કૂતરા (શ્વાન) માટે રાખવી જોઈએ. આનાથી શનિ અને રાહુ-કેતુના ખરાબ પ્રભાવથી રક્ષણ મળે છે.

⦁ મહેમાનનો આદર: જો કોઈ ભિક્ષુક કે મહેમાન ભોજન સમયે આવે, તો તેમને ક્યારેય ખાલી હાથે ન કાઢવા.

લોટ વધે તો શું કરવું?

ઘણી મહિલાઓ વધેલો લોટ ફ્રીજમાં રાખી દે છે અને બીજા દિવસે તેની રોટલી બનાવે છે. વાસ્તુ મુજબ વાસી લોટમાં નકારાત્મક ઊર્જા અને બેક્ટેરિયા ઝડપથી પેદા થાય છે, જે સ્વાસ્થ્ય અને સૌભાગ્ય બંને માટે હાનિકારક છે. હંમેશા તાજો લોટ બાંધીને જ રોટલી બનાવવાનો આગ્રહ રાખવો.

છે ને એકદમ ઉપયોગી અને તમારા કામની માહિતી? આ માહિતી તમારા પરિવારના સભ્યો અને મિત્રો સાથે પણ ચોક્કસ શેર કરો, જેથી તેઓ પણ આવી ભૂલ કરતાં હોય તો આજથી જ બંધ કરી દે. આવી જ બીજી કામની માહિતી જાણવા માટે અમારી સાથે ચોક્કસ જોડાયેલા રહો.

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિ તેમ જ વિવિધ સ્પેશિયલ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button