લો સાંભળો બુલેટ ટ્રેનના ટ્રેક પર દોડશે વંદે ભારતઃ બુલેટ ટ્રેનમાં બેસવા કરવી પડશે આટલી લાંબી પ્રતીક્ષા

અમદાવાદ: મુંબઈ અને અમદાવાદ વચ્ચે હાઇ સ્પીડ બુલેટ ટ્રેન દોડાવવીએ કેન્દ્રની મોદી સરકારનો મહત્વકાંક્ષી પ્રોજેક્ટ (Ahmedabad-Mumbai bullet train corridor) છે. 14 સપ્ટેમ્બર 2017 ના રોજ અમદાવાદમાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાનના તત્કાલીન વડા પ્રધાન શિન્ઝો આબેએ આ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો. બુલેટ ટ્રેન માટેનાં હાઇ સ્પીડ કોરિડોરનું બાંધકામ વર્ષ 2028 સુધીમાં પૂર્ણ થવાનો અંદાજ છે, આ તારીખ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ પ્રોજેક્ટ ‘સફેદ હાથી’ સાબિત થઇ રહ્યો છે. અહેવાલ મુજબ કોરિડોર પર જાપાનમાં બનેલી હાઈ સ્પીડ બુલેટ ટ્રેન વર્ષ 2033 પહેલા દોડી શકે એવી કોઈ શક્યતા નથી, ત્યાં સુધી આ કોરિડોર પર સ્વદેશી સેમી-હાઈ સ્પીડ વંદે ભારત ટ્રેન દોડાવવામાં (Vande Bharat Train on bullet train track) આવશે.

નોંધનીય છે કે ભારત સરકાર આ પ્રોજેક્ટનો જોરશોરથી પ્રચાર કરી રહી હતી અને તેના પાછળ કરોડો રૂપિયા ખર્ચવામાં આવ્યા છે, પરંતુ આ પ્રોજેક્ટ તેની શરૂઆતથી વિવાદમાં રહ્યો છે. પ્રોજેક્ટ માટે જમીન સંપાદન પ્રક્રિયા, ત્યાર બાદ કન્સ્ટ્રકશન કાર્ય દરમિયાન ગર્ડર તૂટી પાડવાથી શ્રમિકોના મોત બાબતે વિવાદ થઇ ચુક્યો છે. હવે આ પ્રોજેક્ટ લાંબા વિલંબમાં ચાલી રહ્યો છે. આ પ્રોજેક્ટ જાપાન સાથે ભાગીદારીમાં બનાવવામાં આવી રહ્યો છે, પરંતુ ભારત સરકાર જાપાનની હાઈ સ્પીડ શિંકનસેન ટ્રેન(ShinkansenHigh speed train)ની ખરીદી માટેના સોદાને અંતિમ સ્વરૂપ આપી શકી નથી.
આ કારણે સોદો ન થઇ શક્યો:
અહેવાલમાં આપવામાં આવેલી જાણકારી મુજબ મદાવાદ-મુંબઈ હાઈ સ્પીડ કોરિડોર પ્રોજેક્ટ માટે જ્યારે જાપાન સાથે કરાર કરવામાં આવ્યો હતો, ત્યારે બુલેટ ટ્રેનના એક કોચની કિંમત 16 કરોડ રૂપિયા નક્કી કરવામાં આવી હતી, પરંતુ ગત વર્ષે જાપાને એક કોચની કિંમત 3 ગણી વધારી દીધી હતી, એક કોચની નવી કિંમત 50 કરોડ રૂપિયા હશે. આમ, 16 કોચવાળી એક બુલેટ ટ્રેનની કિંમત 800 કરોડ રૂપિયા થશે. આટલી ઉંચી કિંમત ચુકવવા ભારત સરકાર તૈયાર નથી, જેને કારણે આ પ્રોજેક્ટમાં વિલંબ થઇ રહ્યો છે. આ સાથે ભારતની સરકારની શાખ પર દાવ પર લાગી છે.
વંદે ભારત ટ્રેન દોડાવવામાં આવશે:
ભારતીય રેલ્વે મંત્રાલયે અગાઉ જાહેરાત કરી હતી કે ઓગસ્ટ 2026 સુધીમાં સુરત-બિલીમોરા સેક્શન (50 કિલોમીટર) પર શિંકનસેન ટ્રેન દોડાવવામાં આવશે, પરંતુ હવે એ એવું લાગી રહ્યું છે કે આ હાઇ-સ્પીડ સ્પેશિયલાઇઝ્ડ શિંકનસેન ટ્રેન 2030 પહેલાં આ રૂટ પર નહીં દોડી શકે, એ પહેલા આ સેક્શન પર સ્વદેશી બનાવટની વંદે ભારત ટ્રેન દોડાવવામાં આવશે, જોકે બુલેટ ટ્રેનના ટ્રેકને ધ્યાનમાં રાખીને તેમાં કેટલાક ફેરફાર કરવામાં આવશે.
આ વર્ષથી શરુ થશે વંદે ભારત ટ્રેન:
અહેવાલ મુજબ સુરત-બાલીમોરા સેક્શન પર વંદે ભારત ટ્રેનનો ટ્રાયલ રન વર્ષના અંત સુધીમાં શરૂ કરવામાં આવશે. ત્યાર બાદ વર્ષ 2027માં સામાન્ય લોકો વંદે ભારત સીટિંગ ટ્રેન શરુ કરવામાં આવશે. અહેવાલમાં જણાવવામાં આવ્યું કે આ સેક્શન પર આઠ કોચવાળી બે વંદે ભારત ટ્રેન દોડશે. આ ટ્રેનની મહત્તમ ઝડપ 280 કિલોમીટર પ્રતિ કલાક હશે, પરંતુ તેને 250 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડાવવામાં આવશે.
વંદે ભારત ટ્રેન બુલેટ ટ્રેનનું સ્થાન લઇ શકશે?
અહેવાલમાં આપવામાં આવેલી જાણકરી મુજબ ભારતીય રેલ્વેની ચેન્નઈ સ્થિત ઇન્ટિગ્રલ કોચ ફેક્ટરીએ 2026 ના અંત સુધીમાં બે સ્વદેશી હાઇ-સ્પીડ ટ્રેનોનું ઉત્પાદન કરવા માટે ભારત અર્થ મૂવર્સ લિમિટેડ(BEML)ને ટેન્ડર આપ્યું છે. આ ટ્રેનોમાં વંદે ભારત ટ્રેનો બેઝ હશે અને તેને સ્ટાન્ડર્ડ ગેજ ટ્રેક પર દોડવા માટે ડિઝાઇન કરવામાં આવશે.
મોડીફાઈડ વંદે ભારત ટ્રેનને ભારતની સ્વદેશી બુલેટ ટ્રેન તરીકે ઓળખાવવામાં આવી રહી છે, પરંતુ એક વાત નક્કી છે કે તે 320 kmphની મહત્તમ ઝડપે દોડનાર હાઇ-સ્પીડ સ્પેશિયલાઇઝ્ડ શિંકનસેનનું સ્થાન નહીં લઇ શકે.
વંદે ભારત વચગાળાની વ્યવસ્થા!
જાન્યુઆરી મહિનામાં નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન (NHRSCL) એ બુલેટ ટ્રેન કોરિડોર પર વંદે ભારત ટ્રેનો ચલાવવા માટે સિગ્નલિંગ સિસ્ટમ માટે ટેન્ડર બહાર પડ્યા હતાં, જે બાદ આ વાત સ્પષ્ટ થઇ ગઈ હતી. આ સિગ્નલિંગ સિસ્ટમ યુરોપિયન ટ્રેન કંટ્રોલ સિસ્ટમ (ETCS) લેવલ-2 હશે, જે શિંકનસેન ટ્રેનો માટે જાપાનીઝ DS-ATC સિગ્નલિંગથી અલગ હશે. જ્યારે વંદે ભારત ટ્રેન કાર્યરત હશે ત્યારે પણ, શિંકનસેન ટ્રેનો માટે જાપાની સિગ્નલિંગ સિસ્ટમનું ઈંસ્ટોલેશન કામ હાથ ધરવામાં આવી શકે છે.
બુલેટ ટ્રેન કોરિડોર પર વંદે ભારત ટ્રેનો દોડાવવાની યોજના વચગાળાની વ્યવસ્થા હશે. યોજના મુજબ, એકવાર જાપાનથી આવેલી શિંકનસેન ટ્રેનો કાર્યરત થઈ જશે, ત્યાર બાદ વંદે ભારત ટ્રેનો અને ETCS ને અન્ય પ્રોજેક્ટ્સમાં ખસેડવામાં આવશે.
બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સફેદ હાથી સાબિત થશે?
બર્મા, થાઈલેન્ડ, લાઓસ અને કંબોડિયાના ઈતિહાસમાં રાજા કોઈ પ્રજાજનને પવિત્ર અને કિંમતી મનાતો સફેદ હાથી ભેટમાં આપતા ત્યારે એ પ્રજાજન પર ભારે મુશ્કેલી આવી પડતી, કેમ કે એ રાજાની કૃપાનું પ્રતિક હોવાથી તે હાથીને ન તો હાંકી કાઢી શકે કે ન તેને વેચી શકે, આ દરમિયાન તેની જાળવણી તેને ખુબ જ મોધી પડે છે. આ કારણે ‘સફેદ હાથી’ની ભેટ મળવીએ રાજાની કૃપા કરતા અભિશાપ માનવામાં આવતું.
આપણ વાંચો: રાજ્યમાંથી તોતાપુરી કેરીની ખરીદીનો ખર્ચ કેન્દ્ર ભોગવે: આંધ્ર પ્રદેશ
આધુનિક જમાનામાં તેના ઉદ્દેશ્યને પુરા કરવામાં નિષ્ફળ જતાં અને ઊંચા જાળવણી ખર્ચ વાળા અત્યંત ખર્ચાળ ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે ‘સફેદ હાથી’ને રૂપક વાપરવામાં આવે છે. હાલની પરિસ્થિતિ જોતા આ રૂપક બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પર લાગુ પાડી શકાય એવું લાગી રહ્યું છે.
અલગ અલગ દેશોમાં બુલેટ ટ્રેનની ઝડપ:
જાપાનની બુલેટ ટ્રેન ટેકનોલોજી દુનિયાભરમાં જાણીતી છે. જાપાનમાં બુલેટ ટ્રેનની મહત્તમ ઝડપ 603 કિમી પ્રતિ કલાક છે, જ્યારે ચીનમાં 600 કિમી પ્રતિ કલાક છે. ફ્રાન્સ બુલેટ ટ્રેનની મહત્તમ ગતિ 320 કિમી પ્રતિ કલાક છે. દક્ષિણ કોરિયામાં ટ્રેનો 305 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડે છે. અમદાવાદ-મુંબઈ કોરિડોર પર આ ટ્રેન 320 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડે એવી અપેક્ષા છે.