દિવાળીમાં ક્રેડિટકાર્ડ પર મળતી ઓફર્સથી અંજાશો નહીં, ડિસ્કાઉન્ટના નામે છેતરાતા પહેલા આ વાંચો

ગુજરાત સહિત ભારતભરમાં દિવાળીની તૈયારીઓ આદરી દેવામાં આવી છે. ઠેર ઠેર બજારોમાં લોકોના જમાવડા જોવા મળી રહ્યા છે. તહેવારોને ધ્યાને રાખી ઘણી કંપની ગ્રાહકોને આકર્ષવા માટે ઓફર, ડિસકાઉન્ટ, કુફન ગિફટ જેવા પેતરાનો પણ ઉપયોગ કરતા હોય છે. જો કે હવે ઘણા લોકો ઑનલાઇન શોપિંગ તરફ પણ વળ્યા છે. એક સેલ પૂરો થાય ને બીજો શરૂ થઈ જાય છે. ઑનલાઇન અને ઑફલાઇન બંને જગ્યાએ લલચાવનારા ઑફર્સની ભરમાર હોય છે, અને ક્રેડિટ કાર્ડ પર ડિસ્કાઉન્ટ તેમજ કૅશબૅકની લાલચ લોકોને ખરીદી તરફ આકર્ષે છે. પરંતુ આ ઉત્સાહમાં બિનજરૂરી ખર્ચ નાણાકીય મુશ્કેલીઓનું કારણ બની શકે છે.
ક્રેડિટ કાર્ડનો સમજદાર ઉપયોગ
એક મોટા બિઝનેસ ગ્રૂપમાં ફાઇનાન્સનું કામ સંભાળતા નિષ્ણાત મુજબ, બિનઆયોજિત ક્રેડિટ કાર્ડ શોપિંગ ઘણીવાર દેવામાં ઉતારી શકે છે. તેઓ સ્માર્ટ અને જરૂરી ખરીદીની સલાહ આપે છે. ક્રેડિટ કાર્ડનો સંતુલિત ઉપયોગ કરીને તમે તહેવારની ખરીદીનો આનંદ માણી શકો છો અને નાણાકીય સ્થિરતા પણ જાળવી શકો છો.
ક્રેડિટ લિમિટનું ધ્યાન રાખો
દરેક ક્રેડિટ કાર્ડની એક ખર્ચની મર્યાદા (ક્રેડિટ લિમિટ) હોય છે. જો તમે આ મર્યાદાની નજીક કે તેનાથી વધુ ખર્ચ કરો છો, તો તે તમારા ક્રેડિટ સ્કોરને અસર કરી શકે છે. નિષ્ણાતોની સલાહ છે કે તમારે કાર્ડની મર્યાદાના ૩૦-૪૦%થી વધુ ખર્ચ ન કરવી જોઈએ. જેનાથી તમારો ક્રેડિટ સ્કોર સુરક્ષિત રહે છે અને ભવિષ્યમાં લોન કે અન્ય નાણાકીય સુવિધાઓ મેળવવામાં સરળતા રહે છે.
તહેવારોના ઑફર્સની ચમકમાં ઘણીવાર બિનજરૂરી વસ્તુઓ ખરીદાઈ જાય છે. જેને ટાળવા માટે, ખરીદીની યાદી તૈયાર કરો અને સૌથી પહેલા જરૂરી વસ્તુઓ જેમ કે કપડાં, ભેટ કે સજાવટની વસ્તુઓ ખરીદો. વિવિધ ઑનલાઇન પ્લેટફોર્મ્સ પર કિંમતોની કમ્પેરિઝન કરો, કારણ કે દરેક ‘ડિસ્કાઉન્ટ’ હંમેશા વાસ્તવિક બચતની ખાતરી નથી આપતું. આ રીતે તમે તમારા બજેટમાં રહીને ખરીદી કરી શકો છો.
ઑફર્સની શરતો સમજો
બેંકો અને બ્રાન્ડ્સ દિવાળી દરમિયાન કૅશબૅક, EMI, બોનસ રિવૉર્ડ અને ડિસ્કાઉન્ટ જેવી યોજનાઓ આપે છે. પરંતુ આ ઑફર્સનો લાભ લેતા પહેલા તેની શરતો જેમ કે પ્રોસેસિંગ ફી, ન્યૂનતમ ખરીદીની રકમ કે કૅશબૅકની મર્યાદા કાળજીપૂર્વક વાંચો. ઘણી વખત લોકોને EMIની સુવિધા વધુ આકર્ષક લાગે છે, પરંતુ તે લાંબા ગાળાની નાણાકીય બોજા બની શકે છે. એકસાથે ઘણી EMI લેવાથી માસિક ખર્ચ વધી શકે છે, જે તમારી નાણાકીય સ્વતંત્રતાને અસર કરે છે.
આપણ વાંચો: દિવાળીમાં રેલવેની મુસાફરી કરવી હોય અને ટિકિટ કન્ફર્મ ન હોય તો આ ટ્રીક અજમાવી જૂઓ…