Tourism: યુપી ફરવા જાઓ તો માત્ર વારાણસી અને પ્રયાગરાજ કે અયોધ્યા જ નહીં, આ સ્થળો પણ એક્સપ્લોર કરજો

Tourist Places in Uttar Pradesh: ઉત્તર પ્રદેશ ધીમે ધીમે ટૂરિઝમ માટે બેસ્ટ ડેસ્ટિનેશન બની રહ્યું છે. એક તો વારાણસી અને પ્રયાગરાજ જેવા આપણી આસ્થા સાથે જોડાયેલા સ્થળો અને હવે તેમાં અયોધ્યામાં રામ મંદિર ઉમેરાયું ત્યારથી રિલિજિયસ ટૂરિઝમ માટે લાખો લોકો વર્ષેદહાડે યુપી જાય છે. પણ યુપીમાં બીજા પણ ફરવા લાયક ઘણા સ્થળો છે, જેના વિશે આપણે વાત કરીશું.
પંકજ ત્રિપાઠીની મિર્જાપુર વેબસિરિઝે ઉત્તર પ્રદેશના આ શહેરને ફેમસ કરતા ઈનફેમસ વધારે કર્યું, પણ આ શહેર માત્ર ગુંડાગિરી કે બંદૂકોના ધૂમધડાકા માટે જાણીતું નથી, પણ હાથથી બનાવેલી કાર્પેટ અને ગાલીચા માટે પણ જાણીતું છે. જોકે વાત આપણે મિર્જાપુરની નથી કરવાની પણ તેની આસપાસ આવેલા એવા ટૂરિસ્ટ ડેસ્ટિનેશનની કરવાની છે, જે તમે જ્યારે યુપી ફરવા જાઓ તો તમારે ચોક્કસ એક્સપ્લોર કરવા જોઈએ. આ સ્થળો ભલે થોડા ઓછા જાણીતા હોય, પણ ખૂબસુરતીમાં કમ નથી. તો ચાલો અત્યારે એક વર્ચ્યુઅલ લટાર મારી લઈએ.

ઐતિહાસિક સ્થળ સારનાથ
ચાર સિંહની આકૃતિએ આપણા દેશનું રાષ્ટ્રીય ચિહ્ન છે. આ ચિહ્ન સારનાથના સ્તંભમાંથી લેવાયેલું છે. આ સારનાથનો સ્તંભ મિર્જાપુરથી 75 કિમીના અંતરે આવેલો છે. સારનાથમાં ભગવાન ગૌતમ બુદ્ધે પોતાનો પ્રથમ ઉપદેશ આપ્યો હતો. તેથી આ જગ્યા એક પવિત્ર સ્થળ તરીકે જાણીતી છે. અહીં ધમેખ સ્તૂપ, અશોક સ્તંભ, ચોખંડી સ્તૂપ, અને થાઈ મંદિર પણ આવેલું છે. આ ઉપરાંત, તમે અહીંના ડીયર પાર્ક અને મૂળગંધા કુટી વિહારની મુલાકાત પણ લઈ શકો છો.

કુદરતી સૌંદર્યથી ભરપૂર નૌગઢ ડેમ
મિર્જાપુરથી 113 કિમી દૂર ચંદૌલી જિલ્લામાં ચંદ્રપ્રભા વન્યજીવન અભયારણ્ય આવેલું છે. આ અભ્યારણ્યમાં આવેલો નૌગઢ ડેમ કુદરતી સૌંદર્ય અને વન્યજીવન માટે જાણીતો છે. અહીંના શાંત વાતાવરણ અને લીલોતરીથી ભરેલા વિસ્તારમાં રોકાઈ જવાનું દરેકને મન થઈ જાય છે. ચોમાસા દરમિયાન આ ડેમનો નજારો આહ્લાદક હોય છે. તેથી અહીં લોકો પિકનિક માટે આવતા હોય છે.

પવિત્ર ધાર્મિક સ્થળ વારાણસી
મિર્ઝાપુરથી લગભગ 60 કિમીના અંતરે આવેલું વારાણસી એક પ્રખ્યાત અને પવિત્ર ધાર્મિક સ્થળ છે. ગંગા નદીના કિનારે વસેલું આ શહેર તેના ઘાટ અને મંદિરો માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. અહીં તમે કાશી વિશ્વનાથ મંદિર, દશાશ્વમેઘ ઘાટ, અસ્સી ઘાટ અને મણિકર્ણિકા ઘાટ જેવા સ્થળોની મુલાકાત લઈ શકો છો. અહીં ગંગા નદીમાં બોટિંગનો આનંદ લેવો એક અનોખો અનુભવ છે.

મહા કુંભ મેળાનું સ્થાન પ્રયાગરાજ
પ્રયાગરાજ, જે અગાઉ અલ્હાબાદ તરીકે જાણીતું હતું, તે એક મુખ્ય ધાર્મિક શહેર છે. અહીં ગંગા, યમુના અને અદૃશ્ય સરસ્વતી નદીનો ત્રિવેણી સંગમ થાય છે, જે હિન્દુઓ માટે અત્યંત પવિત્ર માનવામાં આવે છે. પ્રયાગરાજ મહા કુંભ મેળા માટે પણ પ્રખ્યાત છે. અહીંના મુખ્ય સ્થળોમાં ત્રિવેણી સંગમ, ખુસરો બાગ, પ્રયાગરાજ કિલ્લો અને ચંદ્રશેખર આઝાદ પાર્કનો સમાવેશ થાય છે. મિર્ઝાપુરથી પ્રયાગરાજનું અંતર લગભગ 88 કિમી છે.
આપણ વાંચો: પર્સમાં આ 5 વસ્તુઓ રાખવાની ન કરશો ભૂલ, નહીંતર ખાલી થઈ જશે પૈસાની તિજોરી