બાળકને પ્રી-સ્કૂલમાં મૂકતા પહેલા માતા-પિતા આટલું જરૂર કરે, નહીંતર ભણતર…

Pre-school UNICEF advice: એક સમય હતો, જ્યારે બાળકને 5 વર્ષે શાળામાં અભ્યાસ માટે દાખલ કરવામાં આવતું હતું. પરંતુ આજના સમયમાં માતા-પિતા પોતાનું બાળક 2 વર્ષનું થાય એટલે પ્રી-સ્કૂલમાં દાખલ કરાવવાની તૈયારી શરૂ કરી દેતા હોય છે. સામાન્ય રીતે ઘણીવાર એવું બને છે કે, માતા-પિતા બાળકને પ્રી-સ્કૂલમાં મૂકી આવે છે. ત્યારબાદ બાળક રડારડ કરી મૂકે છે. આવું ન થાય અને બાળકનું સ્કૂલમાં થતી પ્રવૃત્તિઓમાં મન પરોવાય એ માટે યુનિસેફ(UNICEF) દ્વારા કેટલીક ટિપ્સ આપવામાં આવી છે.
બાળકને શાળાના વાતાવરણથી વાકેફ કરાવો
પહેલીવાર ઘરની બહાર જનારૂં બાળક ઘણું મૂંઝાતું હોય છે. પ્રી-સ્કૂલમાં પણ આવું જ થાય છે. શાળાએ મૂકવા આવેલા માતા-પિતા ઘરે પાછા જાય ત્યારે પણ આવું જ થાય છે. બાળક નવા માહોલ વચ્ચે પોતાની જાતને ગોઠવી શકતું નથી અને મૂંઝાવા લાગે છે અને રડવાનું શરૂ કરીને ઘરે જવાની જીદ પકડે છે.
આવું ન થાય તે માટે માતા-પિતાએ બાળકને સ્કૂલે દાખલ કરતા પહેલા સ્કૂલમાં ફરવા લઈ જવું જોઈએ. બાળકને ક્લાસરૂમ બતાવવા જોઈએ. સ્કૂલના પ્લે ગ્રાઉન્ડમાં લઈ જવું જોઈએ. તેનાથી બાળક સ્કૂલથી પરિચિત થશે. જેથી તે શાળાના માહોલ સાથે પોતાની જાતને ગોઠવી શકશે. આ સિવાય બાળકને તેના થનારા ક્લાસમેટ સાથે રમવા લઈ જવા જોઈએ. જેથી તે સ્કૂલમાં જતા પહેલા જ એકબીજાના મિત્ર બની જશે.
બાળકને સ્કૂલમાં મૂકવાની સાથોસાથ માતા-પિતાએ પણ કેટલાક કામ કરવા જરૂરી છે. જે પૈકીનું એક કામ બાળક માટે ઘરે પણ સ્કૂલ જેવો માહોલ બનાવવો. બાળકને ઘરે વાર્તા સંભળાવો, ગીતો ગવડાવો, રમત રમાડવા જેવી પ્રવૃત્તિઓ કરાવો. ઘણીવાર બાળકને શિક્ષક બનાવો અને તમે વિદ્યાર્થી બની જાવ.
આવું કરવાથી બાળકનો આત્મવિશ્વાસ વધશે. આ સાથે બાળકને સ્કૂલે જતા પહેલા કરવાની તૈયારીઓ વિશે પણ માહિતગાર કરો. તેને યુનિફોર્મ પહેરતા, સ્કૂલબેગ તૈયાર કરતા, સ્કૂલેથી ઘરે આવીને કરવાના પ્રાથમિક કામોની પ્રેક્ટિસ પણ કરાવો. જેથી બાળકમાં આત્મનિર્ભર બનવાના બીજ રોપાશે. એ વાતનું ધ્યાન રાખો કે, આ કામ તમારે બાળકને ઓર્ડર આપીને કરાવવાનું નથી. પરંતુ તેને રમતાં રમતાં શિખવવાનું છે.
બાળકની શાળા અંગેની મૂંઝવણ દૂર કરો
બાળક સ્કૂલમાં જવાનું શરૂ કરશે એટલે તેનું રૂટિન બદલાઈ જશે. તેથી બાળકને સ્કૂલમાં દાખલ કરતા પહેલા તેને શાળાના રૂટિન પ્રમાણે સેટ કરો. તેના સૂવા અને જાગવાનો સમય એવો નક્કી કરો. જેનાથી તેને પૂરતી ઊંઘ મળે જેથી તે સમયસર સ્કૂલે પહોંચીને આખો દિવસ પોતાની જાતને એનર્જેટિક ફીલ કરી શકે.
બાળક સાથે વાતચીત કરો. સ્કૂલ વિશે તે શું વિચારે છે, એ પૂછો. તેને કોઈ વાતનો ડર લાગતો હોય તો તેને દૂર કરો. બાળકને પ્રેમપૂર્વક સમજાવો કે, જ્યારે આપણે કોઈ નવી શરૂઆત કરીએ છીએ ત્યારે ચિંતા થવી એ સામાન્ય બાબત છે. બાળક સાથે પોતાના સ્કૂલ ટાઈમના ફોટ બતાવો અને પોતાની સ્કૂલ અનુભવો શેર કરો. તેને વિશ્વાસ અપાવો કે, સ્કૂલમાં તેના ઘણા નવા મિત્રો બનશે અને તેને ઘણું બધું શિખવા મળશે.
ઘણા સંજોગોમાં એવું થાય છે કે, બાળકને એકલું સ્કૂલે મૂકીને આવવાનો માતા-પિતાનો જીવ ચાલતો નથી. પરંતુ બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે તમારે બાળકને સ્કૂલે મૂકીને જલ્દી રવાના થવાનું શિખવું પડશે. બાળકને સ્કૂલે મૂકવા જતી વખતે ચહેરા પર ઉદાસી જણાવા દેશો નહીં. બાળકને વિશ્વાસ અપાવો કે, શાળામાં તેનો દિવસ સારી રીતે પસાર થશે.
ઉલ્લેખનીય છે કે, પ્રી-સ્કૂલ એક રીતે બાળકના જીવન ઘડતરનો પાયો છે. તેથી તેનો પાયો કાચો ન રહીં જાય તેનું ધ્યાન રાખવું એ માતા-પિતાની જવાબદારી છે. અહીં જણાવેલી ટિપ્સને અમલમાં અવશ્ય મૂકવી જોઈએ.