આ શાપના કારણે રાવણે લીધો હતો રાક્ષસ કુળમાં જન્મ, ત્રણ વખત ભગવાન વિષ્ણુએ આપી છે મુક્તી

નવરત્રીનો પવિત્ર તહેવાર પૂર્ણ થઈ ચૂક્યો છે, ત્યારે દેશ ભરમાં આજે 2 ઓક્ટોબરના દશેરાની ઉજવણી થઈ રહી છે. માનવમાં આવે છે કે આજે ભગવાન શ્રી રામે દશાનંદ રાવણનો વધ કર્યો હતો. સીતાને રાવણની નજર કેદથી મુક્ત કરાવ્યા હતા. રાવણનો વધ કરવા માટે ભગાવન વિષ્ણુના અવતાર રામના વિજય ઉત્સવને ઉજવવા માટે આજે દશેરાની ઉજવણી કરવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે રાવણના વધ માટે ભગવાનને કેમ ધરતી પર અવતરીત થવું પડ્યું હતું?
રાવણ ભગવાન શિવનો અત્યંત ભક્ત હતો, વેદોનો જ્ઞાતા, કુશળ રાજનેતા, બળવાન યોદ્ધા અને વાસ્તુકલાનો માહિર દશે દિશા, નવનીધિના સ્વામી હતો. તે માયાજાળ, તંત્ર અને વિવિધ જાદુઓમાં પારંગત હોવાથી તેને માયાવી કહેવામાં આવતા હતા. તેનું પરાક્રમ એટલું અદ્ભુત હતું કે દેવતાઓ પણ તેનાથી ડરતા, અને શનિદેવ તેના ચરણોમાં બેસતા. પરંતુ આવા મહાન રાવણે માતા સીતાનું હરણ કરીને રામ સાથે યુદ્ધ કર્યું તેનું કારણ એક શાપ છે, જેને કારણે તેને ત્રણ યુગોમાં અલગ-અલગ અવતાર લેવા પડ્યા અને ભગવાનના હાથે જ મૃત્યુ પ્રાપ્ત થયું હતું.
હિંદુ ધર્મની માન્યતા અનુસાર, રાવણ અને કુંભકર્ણ વાસ્તવમાં ભગવાન વિષ્ણુના દ્વારપાલ જય અને વિજય હતા. એક વખત સનક, સનંદન જેવા ઋષિઓ વિષ્ણુલોકમાં ભગવાનના દર્શન માટે આવ્યા, પરંતુ જય-વિજયે તેમને રોકીને અંદર જવા દીધા નહીં, કારણ કે ભગવાન વિશ્રામ કરી રહ્યા હતા. ક્રોધિત ઋષિઓએ તેમને શાપ આપ્યો કે તમે રાક્ષસ બની જાઓ. જય-વિજયે અને વિષ્ણુએ ઋષિઓની ક્ષમા માંગી, ત્યારે ઋષિમુનીએ શાપની દુરદશા હળવી કરવા માટે જય અને વિજયને માત્ર ત્રણ વખત રાક્ષસ યોનિમાં જન્મ લેવા કહ્યું. આ ઉપરાંત ત્રણેય વખતે ભગવાનના હાથે મૃત્યુ પ્રાપ્તી થવાનું કહ્યું.
શાપ પછી, સત્યયુગમાં જય-વિજયે હિરણ્યકશિપુ અને હિરણ્યાક્ષ તરીકે જન્મ લીધો. હિરણ્યાક્ષે પૃથ્વીને જળમાં ડુબાડી હતી ત્યારે વિષ્ણુ ભગવાને વરાહ અવતાર લઈને તેનો વધ કર્યો, જ્યારે હિરણ્યકશિપુનો વધ કરવા નરસિંહ અવતાર લીધો હતો. ત્રેતાયુગમાં તેઓ રાવણ અને કુંભકર્ણ તરીકે જન્મ્યા, અને વિષ્ણુએ રામ અવતારમાં તેમનો વધ કર્યો. દ્વાપરયુગમાં તેઓ શિશુપાલ અને દંતવક્ર તરીકે આવ્યા, અને કૃષ્ણ અવતારે તેમનો અંત કર્યો હતો.
(ડિસ્ક્લેમર – આ આર્ટિકલ માટે સામાન્ય જ્ઞાન અને પૌરાણિક કથા સ્ત્રોતોની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. જેની પુષ્ટી મુંબઈ સમાચાર નથી કરતું)
આ પણ વાંચો…નોમ કે દશેરા, ક્યારે કરશો મા અંબાના ઘટનું વિસર્જન? જાણો શુભ મુહૂર્ત અને જરૂરી નિયમ…