દૂધ ગરમ કરતી વખતે રાખજો આટલું ધ્યાન, વાસણમાંથી ઉભરાઈને નહીં આવે બહાર

દૂધને એક પૌષ્ટિક ખોરાક ગણવામાં આવે છે. કારણ કે તેમાં લગભગ તમામ પ્રકારના પોષક તત્વો મળી આવે છે. સામાન્ય રીતે દૂધને ગરમ કરીને પીવાની સલાહ આપવામાં આવે છે. પરંતુ દૂધ ગરમ કરતી વખતે એક સમસ્યાનો સામનો દરેક જણને કરવો પડે છે. એ છે દૂધનું ઉભરાઈને બહાર આવવું. પરંતુ એવી કેટલીક ઘરેલુ ટિપ્સ છે, જેને અપનાવીને આ સમસ્યાથી બચી શકાય છે.
ઘણીવાર આપણો નાના વાસણમાં દૂધ ગરમ કરવા મૂકીએ છીએ. તેથી દૂધ ઉભરાઈને જલ્દી બહાર આવી જાય છે. તેથી દૂધ ગરમ કરતી વખતે મોટા વાસણનો ઉપયોગ કરવો જોઈએ. આ સિવાય એ વાતનું ધ્યાન પણ રાખો કે, વાસણને દૂધથી પૂરેપૂરૂ ભરી દેશો નહીં.
જો તમે નાના વાસણમાં દૂધને ગરમ કરવા મૂકો છો. તો કેટલાક ઉપાયો કરી શકો છો. તમે જ્યારે પણ દૂધ ઉકાળવા મૂકો છો, ત્યારે વાસણના કિનારે થોડું ઘી અથવા માખણ લગાવી દો. તેનાથી દૂધ ઉભરાઈને બહાર આવવાની ચિંતા મહદંશે ઓછી થઈ જશે.
દૂધ ગરમ કરતી વખતે વાસણ પર સ્ટીલ અથવા લાકડાનો ચમચો રાખી શકો છો. આના કારણે જ્યારે દૂધ ઉભરાઈને ઉપર આવતું હશે ત્યારે ચમચાના કારણે તેનું ફીણ તૂટી જશે. તેથી દૂધ વાસણની બહાર આવશે નહીં.આ સિવાય દૂધને વાસણની બહાર આવતું રોકવા માટે તમે ઉકળતા દૂધમાં પાણીના છાટા પણ મારી શકો છો. કારણ કે પાણીથી ફીણ તૂટી જાય છે.
ઘણા લોકો વાસણમાં નાની વાટકી રાખી દે છે. ત્યારબાદ તેમાં દૂધ ઉકાળે છે. એવું કહેવાય છે કે, આ ઉપાયથી દૂધ ઉભરાઈને બહાર આવતું નથી. આમ દૂધ ગરમ કરતી વખતે આ ઉપાયો અજમાવવાથી દૂધ ઉકળીને બહાર આવશે નહીં. તેથી તમારું રસોડું ખરાબ થશે નહીં અને ઘણી બધી મહેનત બચી જશે.
આ પણ વાંચો…એક લિટર દૂધની કિંમત 18.5 લાખ રૂપિયા!