High Blood Pressure: આ ચાર વસ્તુઓ તમને મેડિસિનથી બચાવી શકે છે

હાઈ બ્લડ પ્રેશર એ સાયલન્ટ કિલર માનવામાં આવે છે. માત્ર ઉંમરલાયક નહીં પણ યુવાનો પણ આ દર્દથી પીડાવા લાગ્યા છે. જ્યારે બ્લડ પ્રેશર વધે છે, ત્યારે હાર્ટ એટેક, હાર્ટ ફેલ્યોર અને સ્ટ્રોક સહિત અનેક હૃદય સંબંધિત રોગોનું જોખમ પણ વધી જાય છે. આવી સ્થિતિમાં આ સમસ્યામાંથી સમયસર છુટકારો મેળવવો ખૂબ જ જરૂરી બની જાય છે.
બીપીની સમસ્યા હોય તો ડોક્ટરની સલાહ લેવી જોઈએ, પરંતુ સાથે ઘરગથ્થું ઈલાજ કરીને પણ બ્લડ પ્રેશરને નિયંત્રણમાં લાવી શકાય છે. જેમને આ સમસ્યા નથી તેમણે પણ આ ચાર વસ્તુઓ પોતાના રોજના ખાવાપીવામાં લેવી જોઈએ તેથી સમસ્યા પહેલા જ સમાધાન થઈ જાય. તો આવો જાણીએ એ ચાર વસ્તુ શું છે અને તેના ક્યા તત્વો ફાયદાકારક સાબિત થઈ શકે છે.
હાઈ બ્લડ પ્રેશર માટે બીટરૂટ (Beetroot)

પહેલી વસ્તુ છે બીટરૂટ. ન્યુટ્રિશનિસ્ટ્સ અનુસાર, બીટરૂટમાં હાજર નાઈટ્રિક ઑક્સાઈડ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદરૂપ છે. નાઈટ્રિક ઑકસાઈડ એક એવું મૉલેક્યુલ છે જે આખા શરીરમાં લોહીને ફરતું રાખે છે. આ સિવાય ઘણા હેલ્થ રિપોર્ટ્સ એ પણ સૂચવે છે કે બીટરૂટમાં નાઈટ્રિક ઑક્સાઈડની સાથે પોટેશિયમની માત્રા બીપીને નિયંત્રિત કરવામાં અસરકારક છે.
કેળું (Banana)

હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓ માટે કેળા ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. કેળામાં સારી માત્રામાં પોટેશિયમ પણ જોવા મળે છે, જ્યારે હાઈ બ્લડ પ્રેશરથી પીડિત લોકો માટે પોટેશિયમ ખૂબ જ ફાયદાકારક છે. તમે તમારા દિવસની શરૂઆત એક કેળું ખાઈને કરી શકો છો, અને નાસ્તા તરીકે 2 કેળા લો તો પણ તમને ઘણો ફાયદો જોવા મળશે.
અજમા (Celery)

અજમા ખાવા હાઈ બીપીના દર્દીઓ માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. અહીં તમારે લીલો અજમો અથવા અજમાના પાન ખાવાના છે. અજમાના રસમાં રહેલો Phthalides રક્તવાહિનીઓને આરામ આપે છે, જેનાથી બ્લડ પ્રેશર નિયંત્રિત થાય છે.
તરબૂચ (Watermelon)

આ સૌથી વધારે સરળ અને કરવો ગમે તેવો ઉપાય છે. ન્યુટ્રિશનિસ્ટ્સનું કહેવું છે કે તરબૂચ ખાવાથી બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં પણ મદદ મળે છે. તરબૂચમાં પ્રાકૃતિક રીતે સિટ્રુલિન જોવા મળે છે, જે રક્તવાહિનીઓને આરામ આપીને બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં પણ મદદરૂપ છે.