નાતાલનું સેલિબ્રેશન કરવાના છો તો જાણી લો ક્રિસમસ ટ્રીનું મહત્વ શું છે?

ક્રિસમસ આવતાની સાથે વિવિધ જગ્યાએ શંકુ આકારના સજાવેલા ઝાડનો ટ્રેન્ડ આવી જાય છે. રસપ્રદ વાત એ છે કે, આ પરંપરા હવે માત્ર ખ્રિસ્તી ધર્મ પૂરતી મર્યાદિત રહી નથી. ભારતીય પરિપ્રેક્ષ્યમાં જોઈએ તો, છેલ્લા બે દાયકામાં ક્રિસમસ ટ્રી દરેકના ઘર સુધી પહોંચ્યું છે. ફેંગશુઈમાં તેને ‘હેપ્પીનેસ પ્લાન્ટ’ માનવામાં આવે છે, જ્યારે વાસ્તુશાસ્ત્ર મુજબ તેનો લીલો રંગ સમૃદ્ધિ અને સકારાત્મક ઉર્જાનું પ્રતીક છે. હિન્દુ પરંપરામાં પણ દેવદારના વૃક્ષો (Pine Trees)ને અત્યંત પવિત્ર અને દેવતાઓનું નિવાસસ્થાન માનવામાં આવે છે.

ક્રિસમસ ટ્રી વિશેનું સૌથી આશ્ચર્યજનક તથ્ય એ છે કે ખ્રિસ્તી ધર્મના પવિત્ર ગ્રંથ બાઇબલમાં આ વૃક્ષનો ક્યાંય સીધો ઉલ્લેખ નથી. જોકે, બાઇબલના અમુક અંશોમાં જંગલમાંથી લાકડા કાપીને તેને સજાવવાની વાત છે, પરંતુ તે મૂર્તિપૂજાના સંદર્ભમાં છે, ક્રિસમસ ટ્રીના નહીં. તેવી જ રીતે, આદમ અને ઇવની કથામાં આવતું ‘પેરેડાઈઝ ટ્રી’ જે સફરજનનું ઝાડ હતું, તે પણ આજના ક્રિસમસ ટ્રીથી અલગ છે.
આજનું જે ક્રિસમસ ટ્રી આપણે જોઈએ છીએ તે ધર્મ, લોકકથાઓ, રાજકારણ અને આધુનિક ગ્રાહકવાદનું મિશ્રણ છે. પ્રાચીન સમયમાં યુરોપમાં જ્યારે શિયાળાની ઋતુ આવતી ત્યારે ચારે બાજુ અંધકાર અને ઠંડીનું સામ્રાજ્ય છવાઈ જતું. ખેતરો ખાલી થઈ જતા અને પ્રકૃતિ જાણે સુષુપ્ત અવસ્થામાં જતી રહેતી. આવા સમયે ‘સદાબહાર વૃક્ષો’ જે હિમવર્ષામાં પણ લીલાછમ રહેતા, તે લોકો માટે આશાનું કિરણ બન્યા હતા. ખ્રિસ્તી ધર્મના પ્રસાર પહેલા પણ યુરોપની પગાન સંસ્કૃતિમાં આ વૃક્ષોને ઘરમાં રાખવાની પરંપરા હતી. લોકો માનતા હતા કે આ વૃક્ષો ઘરને ખરાબ શક્તિઓથી બચાવે છે અને સકારાત્મકતા લાવે છે.

આધુનિક ક્રિસમસ ટ્રીની શરૂઆત મધ્ય યુરોપ, ખાસ કરીને જર્મનીથી થઈ હોવાનું માનવામાં આવે છે. 15મી અને 16મી સદી દરમિયાન પ્રોટેસ્ટન્ટ ખ્રિસ્તી સમાજમાં આ પરંપરા લોકપ્રિય બની. શરૂઆતમાં આ વૃક્ષો ઘરોમાં નહીં પણ સામુદાયિક ભવનોમાં લગાવાતા હતા, જ્યાં તેને સફરજન, મીઠાઈ અને રંગીન કાગળોથી સજાવવામાં આવતા હતા જેથી બાળકો તેનો આનંદ માણી શકે. આ પરંપરાએ સમુદાય અને ભાગીદારીના મૂલ્યોને પ્રોત્સાહન આપ્યું હતું.
ક્રિસમસ ટ્રીને રોશનીથી સજાવવાની શ્રેય જર્મન ધર્મસુધારક માર્ટિન લૂથરને જાય છે. એક લોકકથા મુજબ, એક રાત્રે જંગલમાંથી પસાર થતી વખતે તેમણે વૃક્ષોની ડાળીઓ વચ્ચેથી ચમકતા તારાઓ જોયા, જે દ્રશ્ય તેમને ખૂબ જ ગમી ગયું. ઘરે આવીને તેમણે એક સદાબહાર ઝાડ પર મીણબત્તીઓ લગાવીને તે દ્રશ્યને જીવંત કરવાનો પ્રયાસ કર્યો. સમય જતાં મીણબત્તીઓનું સ્થાન ઇલેક્ટ્રિક લાઈટોએ લીધું અને આજે તે ઝગમગતા ક્રિસમસ ટ્રી તરીકે વિશ્વભરમાં પ્રખ્યાત છે.
આપણ વાંચો: દિલ્હીમાં નવા વર્ષ અગાઉ હટાવાયા ગ્રેપ-4ના પ્રતિબંધો, હવા ‘સ્વચ્છ’ થતાં લેવાયો નિર્ણય



