શુભ-અશુભનો સંકેત નહીં, આંખનું ફડકવું છે ચેતવણી: આ વિટામિનની હશે ઉણપ

Eye twitching Remedy: મારી જમણી આંખ ફડકી રહી છે, લાગે છે આજે મને ધનલાભ થશે. આવું કહેતા તમે ઘણા લોકોને સાંભળ્યા હશે. વર્ષોથી ચાલી આવતી માન્યતા પ્રમાણે જમણી આંખ ફડકે તો લાભ અને ડાબી આંખ ફડકે તો હાનિ થાય છે.
પરંતુ તમારી ગમે તે આંખ ફડકે એને લાભ કે હાનિ સાથે કોઈ લેવા દેવા નથી. પરંતુ તેનો તમારા આરોગ્ય સાથે સીધો સંબંધ છે. આંખનું ફડકવું તમને એક ચેતવણી આપે છે.
આપણ વાંચો: આહારથી આરોગ્ય સુધી : ડાયાબિટીસથી કેમ બચવું?
આંખનું ફડકવું એ વિટામિનની ઉણપનો સંકેત
સ્વાસ્થ્ય નિષ્ણાતોના જણાવ્યાનુસાર, આંખોનું ફડકવું એ વિટામિની ઉણપનો સંકેત છે. મેગ્નેશિયમ અને વિટામિન B12ની ઉણપ તેના માટે જવાબદાર છે. આ બંને પોષક તત્વોની ઉણપના કારણે સ્નાયુઓ અને નસોની કામગીરી પર અસર પડે છે. વિટામિન B12 આપણી નસો તથા સ્નાયુઓમાં લોહીના યોગ્ય પ્રવાહ માટે જરૂરી છે.
તેની કમીના કારણે આંખના સ્નાયુઓ વારંવાર સંકોચાવા લાગે છે, જેના કારણે આંખ ફડકવા લાગે છે. આ સિવાય વિટામિન B12ની ઉણપના કારણે ડિપ્રેશન, માથાનો દુખાવો અને થાક જેવી સમસ્યા પણ જોવા મળે છે.
આપણ વાંચો: આરોગ્ય એક્સપ્રેસ: આ ‘સેલિયાક’ શું છે? શરીરની પોષણ ક્ષમતા ખતમ કરતા આ રોગને ઓળખી લો…
મેગ્નેશિયમની ઉણપના કારણે પણ આંખ ફડકવા લાગે છે. મેગ્નેશિયમ સ્નાયુઓના સંકોચન અને આરામને નિયંત્રિત કરવાનું કામ કરે છે. તેની ઉણપના કારણે આંખ સહિત શરીરના અન્ય ભાગોમાં પણ મસલ્સમાં બિનજરૂરી ફડકવું અને ઝટકાનો અનુભવ થઈ શકે છે.
મેગ્નેશિયમ અને વિટામિન B12ની ઉણપથી થતી આ સમસ્યાને મેડિકલ ભાષામાં ‘માયોકેમિયા’ તરીકે ઓળખવામાં આવે છે. જોકે, આંખ ફડકવાની સમસ્યાથી કોઈ નુકસાન થતું નથી. પરંતુ આ સમસ્યાને સરળતાથી દૂર કરી શકાય છે.
આપણ વાંચો: આરોગ્ય પ્લસ : નિરોગી જીવનના ત્રણ સ્થંભ…
મેગ્નેશિયમ અને વિટામિન B12 માટે શું ખાવું જોઈએ?
મેગ્નેશિયમ અને વિટામિન B12થી ભરપૂર ખોરાકનું સેવન કરીને આંખ ફડકવાની સમસ્યા દૂર કરી શકાય છે. દૂધ, દહી, ઈંડા, માછલી, ચિકન, સોયા મિલ્ક અને ફોર્ટિફાઈડ અનાજમાંથી વિટામિન B12 ભરપૂર માત્રામાં મળી રહે છે.
આ સિવાય પાલક, બદામ, કોળાના બીજ, એવોકાડો, બ્રાઉન રાઇસ અને વિવિધ પ્રકારની દાળનું સેવન કરવાથી મેગ્નેશિયમની ઉણપ દૂર થાય છે. ઉલ્લેખનીય છે કે, જરૂરી પોષક તત્વો શરીરને સ્વસ્થ રાખે છે. તેથી પોષક તત્ત્વોથી ભરપૂર ખોરાકનું સેવન કરવું જોઈએ.