આટલા લાખમાં વેચાયું ટાઇટેનિક જહાજની હોટલનું મેનુકાર્ડ, મુસાફરો માટે પીરસાઇ હતી આવી વાનગીઓ!

એટલાન્ટિક મહાસાગરમાં વર્ષ 1912માં ડૂબેલા ટાઇટેનિક જહાજની ઘટના સૌકોઇને યાદ હશે. આ જહાજનો કાટમાળ આટલા બધા વર્ષો બાદ હજુ પણ દરિયાના પેટાળમાં પડી રહ્યો છે. આ કાટમાળને પેટાળમાંથી બહાર કાઢવાના અનેક પ્રયત્નો બાદ પણ સતત નિષ્ફળતા જ હાથ લાગી છે. આ જહાજ સાથે જોડાયેલી એક એક વસ્તુ એટલી ભવ્ય અને યાદગાર છે કે 111 વર્ષ બાદ પણ લોકોના માનસપટ પરથી તે ભૂંસાઇ નથી.
ટાઇટેનિક જહાજના ફર્સ્ટ ક્લાસમાં મુસાફરી કરનારા લોકો માટે જહાજ પર ભોજનની ખાસ વ્યવસ્થા હતી, પ્રવાસીઓ માટે એક ખાસ મેનુ બનાવવામાં આવ્યું હતું જેમાં વિવિધ પ્રકારના સ્વાદિષ્ટ વ્યંજનોનો રસથાળ હતો. આ ફર્સ્ટ ક્લાસના મેનુકાર્ડની તાજેતરમાં જ હરાજી હાથ ધરાઇ હતી જે 84.5 લાખ રૂપિયામાં નીલામ કરવામાં આવ્યું હતું. મેન્યુમાં 14 એપ્રિલ 1912ની રાતે કઇ કઇ વાનગીઓ પીરસવામાં આવી હતી તેનો પણ ઉલ્લેખ છે.
જેમાં મુખ્યત્વે નોનવેજીટેરીયન વાનગીઓનો સમાવેશ થાય છે જેમ કે સાલ્મન માછલી, બીફ, ચિકનની વાનગીઓ. તેમજ આ મેનુમાં વિક્ટોરિયા પુડિંગ નામનું ખાસ ડેઝર્ટ પણ હતું કે જે મેંદો, ઇંડા, બ્રાંડી, સફરજન, ચેરી, ખાંડ જેવી સામગ્રીઓમાંથી બનાવવામાં આવતું હતું.
યુકેના વિલ્ટશાયરના હેનરી એલ્ડ્રિઝ એન્ડ સન્સ દ્વારા ટાઇટેનિક જહાજના કેટલાક અવશેષોની નીલામી હાથ ધરાઇ હતી, આ અવશેષોની સાથે મેનુકાર્ડ પર હરાજીમાં મુકવામાં આવ્યું હતું. હરાજી યોજનાર એન્ડ્રયુ એલ્ડ્રીઝે જણાવ્યું હતું કે ટાઇટેનિકનું આ મેનુકાર્ડ ખૂબ જ ખાસ છે. ટાઇટેનિકની યાદગાર વસ્તુઓની હરાજીમાં અત્યાર સુધીમાં જહાજના કાટમાળ અને મુસાફરોની ખાનગી વસ્તુઓની હરાજી થઇ છે, પરંતુ આ મેનુકાર્ડ જહાજનું એક સ્મૃતિ ચિહ્ન છે. જે તેને અત્યંત મહત્વપૂર્ણ બનાવે છે.