ક્ષમા, સંયમ અને તપસ્યાનો સમય: આવતીકાલથી પર્યુષણ પર્વનો પ્રારંભ | મુંબઈ સમાચાર
નેશનલસ્પેશિયલ ફિચર્સ

ક્ષમા, સંયમ અને તપસ્યાનો સમય: આવતીકાલથી પર્યુષણ પર્વનો પ્રારંભ

આત્મશુદ્ધિ અને સંયમના પ્રતીક સમાન જૈન ધર્મના મહત્વના તહેવાર પર્યુષણની શરૂઆત કાલથી એટલે 21 ઓગસ્ટથી થઈ રહી છે. આ પર્વ જૈન ધર્મના શ્વેતાંબર અને દિગંબર સંપ્રદાયોમાં ખૂબ શ્રદ્ધા સાથે ઉજવવામાં આવે છે. શ્વેતાંબર સંપ્રદાયમાં આ પર્વ આઠ દિવસ, જ્યારે દિગંબર સંપ્રદાયમાં દસ દિવસ સુધી ચાલે છે. આ તહેવાર આધ્યાત્મિક ચિંતન, ઉપવાસ અને ક્ષમાયાચનાનો સમય છે, જે જૈન સમુદાયને જીવનમાં નૈતિક મૂલ્યો અપનાવવા પ્રેરે છે.

આ વર્ષે, ગુરુવાર, 21 ઓગસ્ટથી પર્યુષણ પર્વની શરૂઆત થશે, જે દસ દિવસ સુધી ચાલશે. આ દરમિયાન જૈન સમુદાય ઉપવાસ, પ્રાર્થના, સ્વાધ્યાય અને ધ્યાન જેવી સાધનાઓમાં રચ્યો-પચ્યો રહે છે. આ પર્વનો મુખ્ય ઉદ્દેશ્ય આત્માને શુદ્ધ કરવો અને ક્રોધ, લોભ, અહંકાર જેવી નકારાત્મક લાગણીઓથી મુક્ત થવાનો છે. જ્યારે છેલ્લા દિવસે ‘મિચ્છામિ દુક્કડમ્’ કહીને એકબીજા પાસે ક્ષમા માગવાની પરંપરા છે, જે સામાજિક સંવાદિતા વધારે છે.

પર્યુષણના દરેક દિવસનું પોતાનુ વિશેષ મહત્વ છે. પ્રથમ દિવસે ક્રોધને નિયંત્રિત કરવા પર ધ્યાન આપવામાં આવે છે, જ્યારે બીજા દિવસે વ્યવહારમાં મધુરતા અને પવિત્રતા લાવવાનો પ્રયાસ થાય છે. ત્રીજા દિવસે વચનો પૂરા કરવા અને ધ્યેયો હાંસલ કરવા પર ભાર મૂકાય છે. ચોથા દિવસે ઓછું બોલીને વાણી પર સંયમ રાખવાની સલાહ આપવામાં આવે છે. પાંચમો અને નવમો દિવસ નિ:સ્વાર્થ જીવન જીવવા પર કેન્દ્રિત છે, જ્યારે છઠ્ઠા દિવસે મન પર નિયંત્રણ અને ધીરજની શીખ આપવામાં આવે છે. સાતમા દિવસે નકારાત્મક વિચારો દૂર કરવા તપસ્યા, અને આઠમા દિવસે જરૂરિયાતમંદોને દાન કરવાની ભાવના શીખવાય છે. દસમા દિવસે સારા ગુણો અપનાવીને આત્માને શુદ્ધ રાખવામાં આવે છે.

પર્યુષણનું આધ્યાત્મિક મહત્વ

પર્યુષણ શબ્દનો અર્થ છે ‘આત્મામાં રહેવું’, એટલે કે ઇન્દ્રિયો અને ઇચ્છાઓ પર સંયમ રાખીને આત્મચિંતન કરવું. આ પર્વ દરમિયાન જૈન સમુદાયના લોકો ઉપવાસ, પ્રાર્થના અને સામાયિક (સમાન ધ્યાન) જેવી પ્રવૃત્તિઓમાં ભાગ લે છે. આ પર્વનો હેતુ ક્રોધ, અહંકાર, લોભ અને મોહ જેવી નકારાત્મક વૃત્તિઓને છોડીને કરુણા, ક્ષમા અને સંયમ જેવા ગુણો અપનાવવાનો છે. આ દિવસોમાં આધ્યાત્મિક સાધના દ્વારા વ્યક્તિ પોતાના જીવનને નૈતિક રીતે ઉન્નત બનાવે છે.

પર્યુષણ પર્વનો સૌથી ખાસ ભાગ છે ક્ષમાપના, જે આખરી દિવસે ઉજવાય છે. આ દિવસે જૈન સમુદાયના લોકો ‘મિચ્છામિ દુક્કડમ્’ કહીને એકબીજા પાસે જાણી-અજાણ્યે થયેલી ભૂલો માટે ક્ષમા માંગે છે. આ પરંપરા સામાજિક સંબંધોને મજબૂત કરે છે અને માનવીય મૂલ્યોને પ્રોત્સાહન આપે છે. પર્યુષણ પર્વ જૈન સમુદાયને માત્ર ધાર્મિક સાધના જ નહીં, પરંતુ અહિંસા, કરુણા અને સંયમના માર્ગે ચાલવાની પ્રેરણા આપે છે, જે આજના સમયમાં પણ અત્યંત પ્રસ્તુત છે.

આપણ વાંચો:  બજેટની લક્ષ્મણરેખા પાર કરી સપનાને સાકાર કરતી આ છે સફૂરાની કહાની

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button