મહાભારત બાદ કેમ સૃષ્ટીના તમામ સાપોનો થઈ રહ્યો હતો વિનાશ, જાણો કેમ ઉજવાય છે નાગપંચમી

હિંદુ ધર્મમાં નાગપંચમીનો તહેવાર ખૂબ જ મહત્વ ધરાવે છે, જે શ્રાવણ માસના વદ પક્ષની પંચમી તિથિએ ઉજવાય છે. આ દિવસે ભગવાન શિવ અને નાગ દેવતાની પૂજા કરવામાં આવે છે, જેનાથી જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. આ તહેવાર પરિવારની સુરક્ષા અને કાલસર્પ દોષથી મુક્તિ માટે પણ ખાસ ઉજવવામાં આવે છે.
નાગપંચમીનું મહત્વ અને પૌરાણિક કથા
નાગપંચમીનો તહેવાર નાગ દેવતાને સમર્પિત છે અને તેનું પૌરાણિક મહત્વ મહાભારતની કથા સાથે જોડાયેલું છે. મહાભારત અનુસાર, એક સમયે દ્વાપર યુગમાં, રાજા પરીક્ષિત પોતાની સેના સાથે શિકાર માટે જંગલમાં ગયા હતા. શિકાર દરમિયાન રાજા પરીક્ષિતને તરસ લાગી. તે સમયે રાજા પરીક્ષિત પાણીની શોધમાં આમતેમ ભટકવા લાગ્યા. ભટકતા ફરતા રાજા પરીક્ષિત એક ઋષિના આશ્રમમાં પહોંચ્યા. રાજા પરીક્ષિતે ઋષિ શમિકને ઘણી વાર પાણી આપવા વિનંતી કરી. જોકે, ધ્યાનમાં મગ્ન રહેલા ઋષિ શમિકે રાજા પરીક્ષિતને પાણી આપ્યું નહીં. તે સમયે રાજા પરીક્ષિતે એક મરેલા સાપને તીર પર બેસાડીને ઋષિ શમિક પર છોડ્યુ હતું. સાપ ઋષિ શમિકના ગળામાં લપેટાઈ ગયો હતો. જે બાદ ત્યાંથી રાજા પરીક્ષિત પાછા ફર્યા. ઋષિ શમિક ધ્યાનમાં મગ્ન રહ્યા જ્યારે સાંજે, ઋષિ શમિકના પુત્રએ જોયું કે તેના પિતાના ગળામાં એક મરેલો સાપ લપેટાયેલો છે. પછી ઋષિ શમિકના પુત્રએ રાજા પરીક્ષિતને સર્પદંશથી મૃત્યુ પામવાનો શ્રાપ આપ્યો. પાછળથી, રાજા પરીક્ષિતનું શ્રાપના સાતમા દિવસે સર્પદંશથી મૃત્યુ થયુ.
આ ઘટના બાદ તેમના પુત્ર જન્મેજયને આ વાતની ખબર પડી, ત્યારે જન્મેજયએ એક વિશાળ નાગદહ યજ્ઞ કર્યો. આ યજ્ઞને કારણે સૃષ્ટિ તમામ સાપનો નાશ થવા લાગ્યો. ત્યારબાદ ઋષિ આસ્તિક મુનિએ શ્રાવણ મહિનાના શુક્લ પક્ષની પાંચમી તિથિએ દૂધ ચઢાવીને સાપને જીવનદાન આપ્યું. તેમણે જન્મેજયનો નાગદહ યજ્ઞ પણ બંધ કરી દીધો. આ દિવસથી જ નાગપંચમીની ઉજવણી શરૂ થઈ હોવાનું માનવામાં આવે છે. આ દિવસે લોકો નાગ દેવતાને દૂધ, ફૂલ, ચોખા અને મીઠાઈ અર્પણ કરીને પૂજા કરે છે, જેથી તેમના આશીર્વાદથી જીવનમાં આવતા અવરોધો દૂર થાય.
આધ્યાત્મિક અને સાંસ્કૃતિક મહત્વ
નાગપંચમીનો તહેવાર માત્ર ધાર્મિક જ નહીં, પરંતુ સાંસ્કૃતિક અને પર્યાવરણીય દૃષ્ટિકોણથી પણ મહત્વ ધરાવે છે. એવું માનવામા આવે છે કે આ દિવસે નાગ દેવતાની પૂજા કરવાથી કુંડળીમાં ગ્રહ દોષો દૂર થાય છે અને કાલસર્પ દોષથી મુક્તિ મળે છે. આ ઉપરાંત, આ તહેવાર પ્રકૃતિ અને જીવો પ્રત્યે સન્માન અને દયા રાખવાનો સંદેશ આપે છે. લોકો આ દિવસે નાગ મંદિરોની મુલાકાત લે છે અને આરોગ્ય, સમૃદ્ધિ અને મોક્ષ માટે પ્રાર્થના કરે છે.
આપણ વાંચો: સપ્ટેમ્બર 2025 પછી ₹500ની નોટ નહીં મળે? સરકારે કરી સ્પષ્ટતા, જાણો શું છે હકીકત…