પાપંકુશા એકાદશી અને શુક્રવારનો દુર્લભ સંયોગ: આ એક વ્રતથી મળશે પાપમુક્તિ અને ધન-વૈભવ

અશ્વિન માસના શુક્લ પક્ષની એકાદશી પાપંકુશા એકાદશી તરીકે ઓળખાય છે. આજના દિવસે ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની પૂજા કરવાથી જીવનના પાપોમાંથી મુક્તિ મળે છે અને સુખ-સમૃદ્ધિનો માર્ગ ખુલે છે. આ વર્ષે 3 ઓક્ટોબર શુક્રવારે આવતી આ એકાદશી શુક્ર ગ્રહના પ્રભાવને કારણે વિશેષ ફળદાયી માનવામાં આવે છે, જે ભક્તો માટે આધ્યાત્મિક ઉર્જાનો સંગમ બની રહેશે.
હિંદુ ધર્મની માન્યતાઓ અનુસાર, પાપંકુશા એકાદશીનું વ્રત જાણીજોઈને કે અજાણતા થયેલા પાપોનું નિવારણ કરે છે. નિષ્ણાંત જ્યોતિષ અનુસાર આ દિવસે ભગવાન વિષ્ણુ સાથે દેવી લક્ષ્મીની પૂજા કરવાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે અને અટકેલા કાર્યો પૂર્ણ થાય છે. આ વ્રત શુક્રવારે હોવાથી શુક્ર ગ્રહની પૂજા પણ ખાસ મહત્વ ધરાવે છે, જે વૈવાહિક જીવન અને સૌંદર્યને સમૃદ્ધ બનાવે છે.
પૂજા અને શુભ કાર્યો
પાપંકુશા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની પૂજા માટે ખાસ વિધિનું પાલન કરવું જોઈએ. દક્ષિણાવર્તી શંખમાં દૂધ અને કેસર ભેળવીને ભગવાનનો અભિષેક કરવો જોઈએ અને “ઓમ નમો ભગવતે વાસુદેવાય” તેમજ “ઓમ શ્રીં હ્રીં શ્રીં મહાલક્ષ્મ્યાય નમઃ” મંત્રોનો જાપ કરવો જોઈએ. ઘીનો દીવો, ધૂપ, કપૂર પ્રગટાવો અને લાલ ગુલાબ, કમળનાં ફૂલો તેમજ તુલસીનાં પાન સાથે દૂધની મીઠાઈઓ અર્પણ કરવી શુભ માનવામાં આવે છે. શ્રીયંત્રને લક્ષ્મીજીના ચરણોમાં રાખી, પૂજા પછી તેને તિજોરીમાં સ્થાપિત કરવાથી સમૃદ્ધિમાં વધારો થાય છે.
શુક્ર ગ્રહની પૂજા અને દાન
આ વર્ષે એકાદશી શુક્રવારે આવતી હોવાથી શુક્ર ગ્રહની પૂજા વિશેષ ફળદાયી છે. શિવલિંગ પર દૂધ, પાણી અને બિલ્વપત્ર અર્પણ કરો, સફેદ ફૂલો ચઢાવો અને ચંદનનો લેપ લગાવો. સવારે તુલસીને જળ અર્પણ કરો અને સાંજે દીવો પ્રગટાવો. પીપળાના ઝાડ નીચે પાંચ મુખી દીવો પ્રગટાવો અને લક્ષ્મી પૂજા દરમિયાન ચાંદીના સિક્કા રાખો. જરૂરિયાતમંદોને ભોજન, મંદિરમાં પૂજા સામગ્રી અને ગૌશાળામાં લીલું ઘાસ દાન કરવાથી વિશેષ પુણ્ય પ્રાપ્ત થાય છે.