કોમનમેનનો જિનિયસ ગુજરાતી ડાયરેક્ટર
ડ્રેસ-સર્કલ – સંજય છેલ
એણે કારકુન જેવું ટેરેલીનનું શર્ટ, લૂઝ પેંટ, ફાટેલાં જૂતાં અને લાંબી છત્રી પકડીને પહેલી ફિલ્મ બનાવેલી. એ નખશિખ મિડલક્લાસ ગુજરાતીના દેખાવ પર, ફિલ્મ લાઇનમાં સૌ મજાક કરતું, પણ એણે ૧૯૮૨માં માત્ર ચાર જ લાખના બજેટમાં કલ્ટ-કોમેડી હિટ ફિલ્મ ‘જાને ભી દો યારોં’ આપી. ત્યાર બાદ, યે જો હૈ ઝિંદગી-નુકક્ડ- સર્કસ-મનોરંજન- વાગલે કી દુનિયા જેવી ૧૯૮૦-૯૦ના દાયકાની સુપરહિટ અને સેન્સિબલ ટીવી સિરિયલો બનાવીને લાખો રૂપિયા કમાયો.. તેમ છતાંય એક કરકસરિયા ગુજજુની જેમ એ મુંબઇની ભીડ ભરી બસમાં પ્રવાસ કરતો ને જૂની સ્ક્રિપટ્ના કાગળો પાછળ નવી સ્ક્રિપ્ટ લખતો!
એ માણસે નેશનલ એવોર્ડ વનર ‘જાને ભી દો યારો’ જેવી ક્લાસિક ફિલ્મ બનાવી હતી છતાંયે ૧૧ વરસ સુધી બીજી ફિલ્મ: ‘કભી હાં, કભી ના’ બનાવવા જાલિમ સંઘર્ષ કર્યો.પછી એને સંજય દત્ત અને કુમાર ગૌરવની સુપરહિટ ‘નામ’ ફિલ્મ માટે એક જમાનાના સ્ટાર અને નિર્માત રાજેનંદ્રકુમારે એને સાઇન કરેલો, પણ પછી જિદ્દી સ્વભાવને કારણે વાત બની નહીં. એણે છેક દિલ્હીથી મુંબઇ સુધી શાહરૂખ નામના નવા છોકરાને બોલાવીને નેશનલ લેવલ પર ચમકાવેલો. એ માણસ એટલે ગુજરાતનું ગૌરવ: કોમનમેનનો ડિરેક્ટર કુંદન શાહ…!
થોડાં વરસ અગાઉ ૭ ઓકટોબર -૨૦૧૭ના રોજ ઉંઘમાં જ વિદાય લેનાર ફિલ્મકાર કુંદન શાહ, જો ના હોત તો હું કયારેય કોમેડી કે સેટાયરવાળી ફિલ્મો-સિરિયલો લખી ના શકયો હોત. મારા જેવા અજાણ્યા લેખકને કુંદને ‘નુક્કડ’ માં સ્ક્રિપ્ટ લખવા આપી. કુંદન ના હોત તો મને છેવાડાના માણસો, કોમનમેન વિશે વિચારવાની લિબરલકે ઉદારમત વાળી દ્રષ્ટિ જ ના મળી હોત.
૧૯૮૦-૯૦ના દાયકાના ફિલ્મજગતમાં ખૂબ ભેદભાવ હતો. અમારા જેવા કૈં કેટલાય સ્ટ્રગલરોનું એક કાયમી ઠેકાણું કે જાણે માવતર હતું: કુંદન અને સઈદ-અઝિઝ મિર્ઝાની ઓફિસ. જ્યાં ગમે ત્યારે કારણ વિના પણ જઇને હું, નીરજ વોરા, આશુતોષ ગોવારિકર વગેરે કડકા કલાકારો ત્યાં બિંદાસ લંચ લઇ શકતા. કુંદન અને મિર્ઝા બંધુઓ એવા ઉદાર હતા કે ટીવી સિરિયલનો પોતાનો પ્રોફિટ સૌ કલાકારો – ટેક્નિશિયનોમાં સરખે ભાગે વહેંચી દેતા! મારા જેવા નવા લેખકને સામેથી બોલાવીને છેક ૧૯૯૪માં ૧૦,૦૦૦ રૂ.નો ચેક આપતા ને મારું ગુજરાન ચાલે માટે મહિનામાં વધુમાં વધુ એપિસોડ લખવા આપતા. (અત્યારે નામ લઇને નિંદા નથી કરવી, પણ આજના ગુજરાતી નિર્માતાઓ કરોડો કમાઇને લેખકોના લાખો રૂપિયા અટકાવી કે ગપચાવી રાખે છે.) ગુજરાતી માધ્યમમાં ભણેલા મારા જેવાને કુંદન અને અઝિઝ મિર્ઝાએ અંગ્રેજીમાં લખતો-બોલતો કર્યો. મારા જેવા અનેકોના વિચારોમાં સિસ્ટમ સામે સવાલ કરવાના વિચારો વાવ્યા. વિશ્ર્વ સિનેમાનું ગ્રામર શીખવ્યું.
આવા એ કુંદન અને મિર્ઝાબંધુઓની ઓફિસમાં મારા જેવા જ અનેક સ્ટ્રગલરોમાંનો એક હતો: શાહરૂખ ખાન! એ દિલ્હીથી આવીને કુંદન અને મિર્ઝાભાઈઓની ઓફિસમાં મહિનાઓ સુધી મફતમાં રહેતો. કમીની કમર્શિયલ ફિલ્મ ઈંડસ્ટ્રીમાં આવું આજે કે ત્યારે કે ક્યારે પણ આવી દરકાર કોણ કરતું?
કુંદન શાહની જ ફિલ્મમાં મજરૂહ સુલ્તાનપુરીનું અદ્ભૂત ગીત હતું: ‘વો તો હૈ અલબેલા, હઝારોં મેં અકેલા’. કુંદન શાહ, ખરા અર્થમાં અલબેલા કલાકાર હતા. કુંદન શાહની વ્યંગાત્મક ફિલ્મ ‘જાને ભી દો યારો’ જે દેશની ૧૦૦ મહાન ફિલ્મોમાં ગણાય છે એની વિચિત્ર સ્ક્રિપ્ટ કુંદને પોતે લખેલી. આમ તો પોતે કુંદન, એ હદે કંજૂસ કે વડાપાંઉં પણ એ રીતે વિચારીને ઓર્ડર કરે જાણે કોહિનૂર હીરો ખરીદતો હોય ! પણ એ દિલનો એવો દિલાવર કે ‘નુક્કડ’ સિરિયલમાં ૩૦-૩૦ કલાકારોને રોજીરોટી મળે માટે એવી સ્ક્રિપ્ટ લખાવડાવે.. જો કોઈ કલાકારની એમાં રોલ ના હોય તો સામેથી કહે: યાર સંજય, પેલા એક્ટરના એકાદ-બે ડાયલોગ નાખી દે..બિચારાની એક એંટ્રીથી એને એપિસોડનાં પૈસા મળી જાય !
ખબર નહીં કેમ, આપણા એ અદના ફિલ્મમેકરને ગુજરાતી સમાજે કયારેય પોતાનો ગરવો ગુજરાતી ગણ્યો જ નહીં. ૧-૨ ગુજરાતી ફિલ્મ અને દોઢ-બે વેબસિરીઝ બનાવનારાઓને કે ગરબા ગાયકો કે લોકસાહિત્યને નામે હસાયરા’ કરનારાઓને વારેવારે વધાવનાર ગુજરાતી છાપાં-મેગેઝિન-ચેનલ કે મીડિયાએ ભાગ્યે જ કદીક કુંદન શાહને એક પોતિકા ગુજરાતી ફિલ્મ-મેકર તરીકે નવાજયો.
કુંદન શાહ, એ હસ્તી હતી કે જેની સેંસ-ઓફ-હયુમર પર વિખ્યાત કાર્ટૂનિસ્ટ આર.કે. લક્ષમણ પણ ફિદા હતા. ‘વાગલે કી દુનિયા’ (આજની નહીં,૧૯૯૨-૯૩ની) સિરિયલ લક્ષમણનાં કાર્ટૂનોમાં આવતા ‘કોમનમેન’ પર આધારિત હતી. હકીકતમાં કુંદન શાહ, પોતે જ ખરો ‘કોમનમેન’ હતો.
જે સિસ્ટમ, સરકાર કે સમાજ સામે હસતાં- હસાવતાં અંદરનો આક્રોશ પ્રગટ કરતો. ખરેખર તો કુંદન શાહ જેટલો કોમનમેન હતો એટલો જ ફિલ્મ લાઈન માટે અન-કોમન હતો. શાહરૂખ જેવા સ્ટારને પણ ૩૫-૪૦વાર એકનો એક શોટ ફરી ફરી રી-ટેક કરાવીને થકવી દે ને સૌની સામે એની ઓવર-એક્ટિંગ માટે ટીકા પણ કરી શકે એવો નિર્દેશક હતો. કુંદન શાહે ૧૯૮૫માં ભારતની પહેલી સુપર હિટ કોમેડી સિરિયલ ‘યે જો હૈ ઝિંદગી’ બનાવેલી, જેમાં સંવાદો લખવા માટે એ હિંદી વ્યંગકાર શરદ જોષીને પહેલીવાર લઈ આવેલ. કુંદનના અવસાન બાદ નસીરુદ્દીન શાહ જેવા અંહકારી અભિનેતાએ કહેલું: જાને ભી દો..ફિલ્મનાં શૂટિંગ દરમિયાન એ ફિલ્મમાં કે કુંદનમાં મને જરાયે ભરોસો નહોતો…પણ કુંદન જિનિયસ હતો.!
કુંદનને આમેય એકટરો અને સ્ટાર્સ સામે વાંધા હતાં. ‘કભી હાં કભી ના’ ફિલ્મ પછી શાહરૂખે કયારેય કુંદન સાથે કામ ના કર્યું, કારણકે કુંદન એને એકટિંગ વિશે ખરેખરું સંભળાવી દેતો. કુંદન કોમેડી ફિલ્મમાં પણ ચકાસી ચકાસીને પૂછતા: યાર, ઇસ મેં આત્મા કહાં હૈ? પોએટ્રી કહાં હૈ?! મૃત્યુના થોડાં જ મહિના પહેલા મને ફોન કરીને કુંદનભાઇએ કહેલું: સંજય, ફસાઈ ગયો છું. એક કમર્શિયલ પ્રોડયુસરે મને મોટી ફિલ્મ માટે સાઈન કર્યો છે. શું કરું, યાર?
મેં કહેલું: અરે, તમે નહીં, પેલો પ્રોડ્યુસર ફસાયો છે!’
એ પછી અમે બહુ હસેલા. બસ છેલ્લીવાર.!