સ્વિમિંગના શોખિન છો તો આ મગજ ખાતા અમીબાથી બચીને રહેજો, તરવાની મજા જીવ ન લઈ લે

પાણીમાં તરવું કે સ્નાન કરવું કોને પસંદ ન પડે. લોકોને જ્યારે પણ બીઝી શેડ્યૂલમાંથી થોડો સમય પણ મળ તો દરિયા કિનારે કે ઝરણાની મોજ માણવા જતા હોય છે. પરંતુ શું તમે જાણો છો કે પાણીમાં રહેલું એક સૂક્ષ્મ જીવ તમારો જીવ લઈ શકે છે? કેરળમાં તાજેતરમાં એક બાળકીનું મોત ‘મગજ ખાતા અમીબા’ (નિગ્લેરિયા ફાઉલેરી) નામના ખતરનાક જીવને કારણે થયું. આ અમીબા ગંદા કે ગરમ પાણીમાં વિકસે છે અને નાક દ્વારા શરીરમાં પ્રવેશીને મગજને નુકસાન પહોંચાડે છે. આ ઘટનાએ સ્વચ્છતા અને સાવચેતીના મહત્વ પર ચર્ચા જરૂરી હોવાની વાત ઉજાગર કરી છે.
મીડિયા અહેવાલો પ્રમાણે કેરળમાં એક બાળકીનું મોત નિગ્લેરિયા ફાઉલેરી નામના ‘મગજ ખાતા અમીબા’ને કારણે થયું છે, જે ગંદા પાણીમા વસતો સૂક્ષ્મ જીવ છે. છેલ્લાં કેટલાંક વર્ષોમા આ અમીબાને કારણે કેરળમાં અનેક લોકોના મોત થયા છે. આ જીવ માત્ર માઈક્રોસ્કોપથી જ દેખાય છે અને તે ખાસ કરીને ગરમ, રૂંધાયેલા કે ઓછા સ્વચ્છ પાણીમાં, જેમ કે તળાવો, નદીઓ કે અસ્વચ્છ સ્વિમિંગ પૂલમા ઝડપથી વધે છે. આ ઘટનાએ લોકોને પાણીમાં સ્નાન કે તરવા દરમિયાન સાવધાની રાખવા પ્રેર્યા છે.
મગજ ખાતુ અમીબા શું છે?
ડોક્ટર નિષ્ણાંતો પ્રમાણે, નિગ્લેરિયા ફાઉલેરી, જેને ‘મગજ ખાતુ અમીબા’ કહેવાય છે, એક દુર્લભ પરંતુ અત્યંત ખતરનાક જીવ છે. આ અમીબા નાક દ્વારા શરીરમાં પ્રવેશે છે અને નસો દ્વારા મગજ સુધી પહોંચી જાય છે. ત્યાં તે મગજની કોશિકાઓને નષ્ટ કરવાનુ શરૂ કરે છે, જેનાથી પ્રાઇમરી અમીબિક મેનિન્જોએન્સેફેલાઇટિસ (PAM) નામની ગંભીર બીમારી થાય છે. આ ચેપ ખાસ કરીને ગંદા પાણી નાકમાં જવાથી થાય છે, જે સ્વિમિંગ પૂલ, તળાવો કે નદીઓમાં સામાન્ય છે.
રોગના લક્ષણો અને જોખમ
અમીબાના ચેપના શરૂઆતી સમયમાં સામાન્ય વાયરલ તાવ જેવા હોય છે, જેમાં તીવ્ર માથાનો દુખાવો, તાવ, ઊલટી અને ગળું અક્કડાય જવા લક્ષણો દેખાય છે. આ લક્ષણોને કારણે ઘણા લોકો તેને હળવાશથી લે છે, પરંતુ જેમ જેમ બીમારી આગળ વધે છે, તેમ મરગીના હુમલા, બેહોશી અને ગંભીર સ્થિતિનો સામનો કરવો પડે છે. આ ચેપનું જોખમ ખાસ કરીને ગંદા કે બિનક્લોરિનેટેડ પાણીમાં તરવાથી વધે છે. દુર્ભાગ્યે, આ બીમારીનું નિદાન મોડું થાય તો મોતનું જોખમ ખૂબ વધી જાય છે, કારણ કે દવાઓ મગજ સુધી અસરકારક રીતે પહોંચી શકતી નથી.
આ ખતરનાક અમીબાથી બચવા માટે સાવચેતી ખૂબ જરૂરી છે. નદી, તળાવ કે ગંદા સ્વિમિંગ પૂલમાં તરતી વખતે નાકમાં પાણી ન જાય તેનું ધ્યાન રાખો. હંમેશાં ક્લોરિનયુક્ત અને સ્વચ્છ સ્વિમિંગ પૂલનો ઉપયોગ કરો. જો નાકમાં પાણી ચઢી જાય તો તેને તરત સાફ કરો. આ સાવચેતીઓ અપનાવીને તમે આ ખતરનાક જીવથી બચી શકો છો અને તમારું જીવન સુરક્ષિત રાખી શકો છો.
આ પણ વાંચો…વરિયાળીને ચાવવી જોઈએ કે તેનું પાણી પીવું જોઈએ? જાણો શરીર પર કઈ પદ્ધતિ કરશે વધારે અસર