ટાટા મુંબઈ મૅરથનઃ પ્રતિષ્ઠિત માધ્યમ, બહુમૂલ્ય મૅસેજ
(અજય મોતીવાલા)
મુંબઈઃ આવતી કાલે ટાટા મુંબઈ મૅરથનની 20મી સીઝન યોજાશે અને એમાં ફરી એકવાર ફિટનેસ સંબંધિત અંગત લાભ મેળવવા ઉપરાંત આ પ્રતિષ્ઠિત મંચ પરથી સામાજિક તથા રાષ્ટ્રીય દૃષ્ટિકોણથી અમૂલ્ય અને પ્રેરક સંદેશ લોકો સુધી પહોંચાડવામાં આવશે. આ મૅરથનની ઓળખ રેસ કરતાં પણ વિશેષ પ્રકારની ઇવેન્ટ તરીકે થાય છે.
પ્રોફેશનલ ઍથ્લીટ્સ, ઉત્સાહિત સિનિયર સિટિઝન્સ તથા દિવ્યાંગ રનર્સ તેમ જ પરિવાર અને મિત્રગણ સાથે ભાગ લેનારા રનર્સ એશિયાની આ સર્વશ્રેષ્ઠ અને વિશ્વની ટૉપ-ટેનમાં આવતી મુંબઈ મૅરથનમાં ભાગ લેશે અને ઘણા દિવસોથી કરેલી પ્રૅક્ટિસને આવતી કાલે પરિણામમાં ફેરવશે.
આપણ વાંચો: બોલો, મુંબઈ મેરેથોનમાં થઈ હતી આની ચોરી, પોલીસે છ જણની કરી ધરપકડ
પ્રૉકેમ ઇન્ટરનૅશનલ દ્વારા આયોજિત મુંબઈ મૅરથનમાં આ વખતે કુલ વિક્રમજનક 60,000થી પણ વધુ રનર્સ ભાગ લેશે. વિદેશીઓમાં સૌથી વધુ ઇથોપિયાના તથા કેન્યા સહિતના આફ્રિકન રનર્સ આ વખતની મૅરથનમાં ભાગ લેશે. હેઇલ લેમી બેર્હાનુ અને ઍબર્શ મિન્સેવો ગયા વર્ષની મુંબઈ મૅરથનમાં ચૅમ્પિયન બન્યા હતા અને તેઓ આ વખતે ટાઇટલ જાળવી રાખવા મક્કમ છે.
જાણીતા સ્પોર્ટ્સ નેટવર્ક પર મુંબઈ મૅરથનનું જીવંત પ્રસારણ જોઈ શકાશે. ભારતીય તથા વિદેશી રનર્સ માટેની મુખ્ય મૅરથનમાં વિજેતા બનનાર પુરુષ ચૅમ્પિયનને 50,000 ડૉલર (અંદાજે 44 લાખ રૂપિયા) અને મહિલા ચૅમ્પિયનને 50,000 ડૉલર (અંદાજે 44 લાખ રૂપિયા)નું પ્રથમ ઇનામ અપાશે.
ત્યાર પછી પણ વિવિધ ઇનામો અપાશે. પ્રથમ સ્થાને આવનાર ભારતીય રનરને (પુરુષ, મહિલા બન્ને વર્ગમાં) પાંચ-પાંચ લાખ રૂપિયાનું પ્રથમ ઇનામ અપાશે. એ ઉપરાંત બીજા ઘણા ઇનામો આપવામાં આવશે.
આપણ વાંચો: Tata Mumbai Marathon: રેલવે દોડાવશે ‘સ્પેશિયલ’ ટ્રેન, જાણો કેટલી હશે સર્વિસ?
મૅરથનના આયોજકોએ 15 મેડિકલ સ્ટેશન, નવ મેડિકલ બેઝ કૅમ્પ સ્થાપિત કર્યા છે. 160 કાર્ડિયાક તથા સ્પોર્ટ્સ રીહૅબ ફિઝિયોથેરપિસ્ટની ટીમ રનર્સની સારવાર માટે તૈયાર રહેશે. રેલવે દ્વારા પરોઢિયે મુખ્ય રેસના આરંભ અગાઉ બે-ત્રણ કલાક પહેલાંની સ્પેશિયલ ટ્રેન દોડાવવાનું નક્કી કર્યું હોવાનું અહેવાલમાં જણાવાયું હતું. મરીન ડ્રાઇવથી માંડીને માહિમ સુધીના માર્ગો પર ટ્રાફિકને લગતા નિયંત્રણો પણ જાહેર કરવામાં આવ્યા છે.
10 કૅન્સરમુક્ત રનર્સ પણ દોડશે: પશ્ચિમ રેલવેના ભૂતપૂર્વ ઑફિસર પૂનમ બાગાઈ
આ વખતની ટાટા મુંબઈ મૅરથનમાં કૅન્સરના મહારોગમાંથી બચી ગયેલા 10 રનર્સ ભાગ લેવાના છે. એમાંથી ચાર રનર મુંબઈના તેમ જ બાકીના લખનઊ, દિલ્હી, કોલકાતાના છે. તેઓ કૅનકિડ્સ કિડ્સકૅનના ઉપક્રમે ભાગ લેશે.
નૅશનલ સોસાયટી ફૉર ચેન્જ ફૉર ચાઇલ્ડહૂડ કૅન્સર ઇન ઇન્ડિયાના બૅનર હેઠળ તેઓ 5.9 કિલોમીટરની ડ્રીમ રનમાં ભાગ લેશે અને પોતાની શક્તિ, સંકલ્પશક્તિ, નીડરતા, હિંમત વગેરે ગુણોથી અન્યો માટે પ્રેરક બનશે.
આપણ વાંચો: મેરેથોનમાં ભાગ લેનારા સિનિયર સિટિઝન સહિત બેનાં મૃત્યુ
આ ફાઉન્ડેશનના સ્થાપક-અધ્યક્ષા અને પશ્ચિમ રેલવેના ભૂતપૂર્વ ઑફિસર 62 વર્ષના પૂનમ બાગાઈ કૅન્સરમાંથી મુક્તિ મેળવી ચૂક્યાં છે અને આ વખતે પહેલી વાર મુંબઈ મૅરથનમાં દોડવાના છે. તેમણે મુંબઈ સમાચાર'ને કહ્યું હતું કે
અમારી સંસ્થા કૅન્સર પીડિતોની મદદ માટે તેમ જ કૅન્સરથી પીડાતા લોકોની અનેક પ્રકારની પાયાભૂત સેવા માટે દેશભરની અનેક હૉસ્પિટલો સાથે મળીને કાર્ય કરે છે, હૉસ્પિટલોને મૅનપાવર, દવાઓ પૂરા પાડે છે.
ખાસ કરીને અમે 19 વર્ષ સુધીની ઉંમરના કૅન્સર પીડિતો માટે કાર્ય કરીએ છીએ. અમારી સંસ્થા 15 વર્ષથી મુંબઈ મૅરથન સાથે જોડાયેલી છે અને સાત વર્ષથી એમાં અમારી સંસ્થાના કૅન્સરમુક્ત બચ્ચાંઓ ભાગ લે છે. આ મૅરથન દ્વારા અમે જે ફંડ ઊભું કરીએ એ કૅન્સર પીડિત બાળકોના લાભાર્થે ખર્ચ કરીએ છીએ.
અમારી જ `સાઇકલ ફૉર ગોલ્ડ’ નામની ઇવેન્ટ દર વર્ષે યોજાય છે જેનું આ વખતે આયોજન ચોથી ફેબ્રુઆરીએ થશે. ઘણા કહેતા હોય છે કે બીજા દેશોમાં કૅન્સર પીડિતોમાંથી 80 ટકા લોકોનો સફળ ઈલાજ થતો હોય છે, પરંતુ ભારતમાં જનમ્યા હોય અને કૅન્સર થયું હોય તો બચવું બહુ મુશ્કેલ હોય છે. જોકે અમે આ વાત સાથે સહમત નથી. કૅન્સરમાંથી મુક્ત થતા લોકોનું પ્રમાણ અહીં પણ ઘણું મોટું છે. 80 ટકાવાળી માન્યતા બાબતમાં ભારતનું પણ નામ લેવાતું થાય એ જોવાનો અમારો ઉદ્દેશ છે.’
પૂનમ બાગાઈની આ સંસ્થાની મદદ બાદ કૅન્સરમુક્ત થયેલાઓમાં અતુલ રાઠોડ, શાનુ શેખ, સુમિત ગુપ્તા સહિત અનેકનો સમાવેશ છે.
કચ્છી પરિવાર 15 વર્ષથી અસરદાર સંદેશ સાથે ભાગ લે છે
ગ્રાન્ટ રોડ (વેસ્ટ)માં રહેતા કચ્છ વાગડ સમાજના મિતેન શાહ તેમના જોડિયા પુત્રો (અક્ષ્ય અને લક્ષ્ય) તેમ જ પત્ની સહિત સપરિવાર મુંબઈ મૅરથનમાં ફરી એકવાર ભાગ લેશે. તેમનું મુંબઈ મૅરથનમાં આ 15મું વર્ષ છે.
તેઓ ફરીવાર સમાજ માટેના એક ખાસ સંદેશ, વિશેષ થીમ સાથે ડ્રીમ રનમાં દોડશે. 2010થી 2024 સુધીમાં શાહ પરિવારે જે મૅસેજ અને થીમ સાથે મુંબઈ મૅરથનમાં ભાગ લીધો હતો એની યાદી આ મુજબ છેઃ 2010માં શાંતિ (ટ્વિન્સ ગાંધીજી જેવા ડ્રેસમાં હતા), 2011માં સેવ ટાઇગર્સ (વાઘ બચાવો), 2012માં સેવ ટ્રીઝ (વૃક્ષ બચાવો), 2013માં સૅલ્યૂટ સૉલ્જર્સ, 2014માં સૅલ્યૂટ ભૂતપૂર્વ નેતાઓ અને સ્વાતંત્ર્ય સેનાનીઓ, 2015માં સ્વચ્છ ભારત, 2016માં સેવ વૉટર, 2017માં સ્મોકિંગ છોડો, 2018માં સેવ ગર્લ ચાઇલ્ડ, 2019માં સોશિયલ મીડિયાના વધુ પડતા ઉપયોગની ખરાબ અસર, 2020માં સ્ટૉપ ઍસિડ ઍટેક, 2023માં રોડ સેફ્ટી અને 2024માં સાયબર ક્રાઇમ.
ગારમેન્ટના હોલસેલ વેપારી મિતેનભાઈએ મુંબઈ સમાચાર'ને કહ્યું,
મુંબઈ મૅરથનમાં અમે છેલ્લા ત્રણ વર્ષથી બેસ્ટ કૉસ્ચ્યૂમમાં રનર-અપનું ઇનામ જીતીએ છીએ. આ મૅરથનમાં ભાગ લઈને અમારામાં અલગ જ પ્રકારની ઊર્જા આવે છે. દર વર્ષે મારા જોડિયા પુત્રોના બૉડી પેઇન્ટિંગ મારા સાળી ચાર્વી ગડા કરે છે.’
ટાટા મુંબઈ મૅરથનના શેડ્યૂલ પર એક નજર…
(1) ફુલ મૅરથન (42.195 કિલોમીટર, સવારે 5.00 વાગ્યાથી): 12,000થી વધુ રનર્સ ભાગ લેશે. આ રેસ સીએસટીથી શરૂ થઈને ઓસીએસ ચૉકી ખાતે પૂરી થશે.
(2) હાફ મૅરથન (21.097 કિલોમીટર, સવારે 5.00 વાગ્યાથી): 15,000થી વધુ રનર્સ ભાગ લેશે. આ રેસ સીએસટીથી શરૂ થઈને ઓસીએસ ચૉકી ખાતે પૂરી થશે.
(3) ઓપન 10-કે રેસ (10 કિલોમીટર, સવારે 6.00 વાગ્યાથી): 8,500થી વધુ રનર્સ ભાગ લેશે. આ રેસ સીએસટીથી શરૂ થઈને ઓસીએસ ચૉકી ખાતે પૂરી થશે.
(4) ડ્રીમ રન (5.9 કિલોમીટર, સવારે 8.15 વાગ્યાથી): 25,000થી વધુ રનર્સ ભાગ લેશે. આ રેસ સીએસટીથી શરૂ થઈને મેટ્રો થિયેટર ખાતે પૂરી થશે.
(5) સિનિયર સિટિઝન્સ રન (4.2 કિલોમીટર, સવારે 7.35 વાગ્યાથી): 1,895 રનર્સ ભાગ લેશે. આ રેસ સીએસટીથી શરૂ થઈને મેટ્રો થિયેટર ખાતે પૂરી થશે.
(6) ચૅમ્પિયન્સ વિથ ડિસઍબિલિટી (સહયોગી સાથે) (1.3 કિલોમીટર, સવારે 7.22 વાગ્યાથી): આશરે 1,100 લોકો ભાગ લેશે. આ રેસ સીએસટીથી શરૂ થઈને ઓસીએસ ચૉકી ખાતે પૂરી થશે.
(7) મૅરથન એલીટ રેસઃ આ રેસ સવારે 7.20 વાગ્યે સીએસટી સ્ટેશનથી શરૂ થશે.