ધર્મતેજસ્પેશિયલ ફિચર્સ

ચિંતન : તપ એટલે માત્ર શરીરને કષ્ટ આપવું એમ નહીં, તપ એટલે શરીરને જરાય કષ્ટ ન આપવું એમ પણ નહીં!

-રાજેશ યાજ્ઞિક

ગર્ગ સંહિતાના રચયિતા મહર્ષિ ગર્ગ ધર્મશાસ્ત્રના મહાન નિષ્ણાત હતા. તેઓ મહા તપસ્વી અને વિરકત મહાત્મા હતા. ઋષિ, મહર્ષિ અને ભક્તો તેમના પ્રશ્ર્નોના નિરાકરણ માટે સમયાંતરે તેમની પાસે આવતા હતા. એકવાર શૌનકાદિ ઋષિ તેમના સત્સંગ માટે પહોંચ્યા. તેમણે પૂછ્યું, ધર્મનો સાર શું છે?

મહર્ષિ ગર્ગે કહ્યું કે, સત્ય, અહિંસા અને નૈતિકતાને અનુસરીને પોતાનું કર્તવ્ય બજાવનાર જ ધર્માત્મા છે.

શૌનકાદિ ઋષિએ બીજો પ્રશ્ર્ન પૂછ્યો, મહર્ષિ, તપસ્યાનો અર્થ શું છે?

મહર્ષિએ જવાબ આપ્યો, તપસ્યાનો ખરો અર્થ ત્યાગ છે. જો માણસ પોતાની સાંસારિક ઈચ્છાઓ અને દુર્ગુણોનો ત્યાગ કરે તો તે સાચો તપસ્વી છે. સારા આચરણ અને સદાચારથી મન શુદ્ધ બને છે. જેનું મન અને હૃદય શુદ્ધ થઈ જાય છે, તે આપોઆપ ભક્તિ માર્ગે ચાલે છે.

શ્રીમદ ભગવદગીતામાં સાધુ પુરુષ અર્થાત, સજ્જનોનાં જે ઉત્તમ લક્ષણો બતાવ્યાં છે, તેમાં પણ એક લક્ષણ છે, તપ કરનાર. આપણા માટે તપ એટલે શું? કષ્ટો સહન કરવા, શરીરને દુ:ખમાં નાખવું એટલે તપ. ખાધા-પીધા વગર, તાપ-ટાઢ-વર્ષા સહન કરીને ભક્તિ કરવી એટલે તપ! તપની વ્યાખ્યામાં ચોક્કસ કષ્ટ સહન કરવાનો સમાવેશ છે, પણ તેનો અર્થ એટલો સંકુચિત પણ નથી. શ્રીમદ ભગવદ ગીતાના સત્તરમા અધ્યાયમાં તપ ત્રણ પ્રકારના હોવાનું ભગવાન કહે છે.

દેવદ્વિજગુરુપ્રાજ્ઞપૂજનં શૌચમાર્જવમ્; બ્રહ્મચર્યમહિંસા ચ શારીરં તપ ઉચ્યતે
અર્થાત, દેવતાઓ, બ્રાહ્મણો, ગુરુઓ (અહીં ‘ગુરુ’ શબ્દ દ્વારા દરેક વ્યક્તિએ માતા, પિતા, આચાર્ય અને વડીલોને કોઈપણ રીતે શ્રેષ્ઠ સમજવું જોઈએ.) અને જ્ઞાની લોકોની ઉપાસના, પવિત્રતા, સાદગી, બ્રહ્મચર્ય અને અહિંસા – આને શરીર સંબંધી ‘તપ’ કહેવામાં આવે છે.

આ વ્યાખ્યાને ભગવાન મહાવીરના જીવન સાથે સરખાવીએ તો આપણને સમજાય કે એકનિષ્ઠ બ્રહ્મચારી, ત્રિકાળજ્ઞાની, ઘોર તપસ્વી, અહિંસાના પ્રવર્તક એવા તીર્થંકર મહાવીરનું જીવન એકદમ બંધ બેસે છે. ભારતના ધર્મોની મૂળ વિચારધારામાં કોઈ વિરોધાભાસ નથી, માત્ર ઉપાસના પદ્ધતિમાં ફરક છે, તે પણ આનાથી સિદ્ધ થાય છે. તપનો બીજો પ્રકાર છે,

અનુદ્વેગકરં વાક્યં સત્યં પ્રિયહિતં ચ યત્, સ્વાધ્યાયાભ્યસનં ચૈવ વાઙ્મયં તપ ઉચ્યતે
ઉદ્વેગ ન કરનાર, પ્રિય અને હિતકારક તથા યથાર્થ ભાષણ કરનાર, (મન અને ઇન્દ્રિયો દ્વારા અનુભવાય તે રીતે બરાબર બોલવું તે ‘સાચી વાણી’ કહેવાય છે) અને વેદનું પઠન અને ભગવાનના નામનો જપ કરનાર – એ વાણી સાથે સંબંધિત ‘તપસ્યા’ કહેવાય છે. ત્રીજા પ્રકારનું તપ એટલે,
મન: પ્રસાદ: સૌમ્યત્વં મૌનમાત્મવિનિગ્રહ:, ભાવસંશુદ્ધિરિત્યેતત્તપો માનસમુચ્યતે
મનની પ્રસન્નતા, શાંત ભાવ, ઈશ્ર્વરનું ચિંતન કરવાનો સ્વભાવ, મન પર નિયંત્રણ અને આંતરિક લાગણીઓની સંપૂર્ણ શુદ્ધતા – આને મન સાથે સંબંધિત ‘તપસ્યા’ કહેવામાં આવે છે.

આમ તપનો એક અર્થ મન, વચન અને કર્મથી સંયમિત જીવન જીવવું એવો પણ થાય છે, પરંતુ ભગવાનની આ વાતનો આપણે ત્યાં ખોટો અર્થ કરીને તપની મહત્તા જ ઘટાડી દીધી છે. ભગવાને શરીરને કષ્ટ આપવાનું ક્યાં કહ્યું છે?! એ તો આજકાલ તપ કરવામાં છૂટછાટ લેવા માટેનું બ્રહ્મવાક્ય બની ગયું છે. જો કષ્ટપૂર્ણ તપશ્ર્ચર્યાઓ કરવાનું ભગવાને ન કહ્યું હોય તો સ્વર્ગારોહણ કરવા પાંડવોએ કષ્ટ વેઠવું પડ્યું હોત? ભક્ત ધ્રુવ અને ભક્ત પ્રહલાદે પણ ઘોર તપસ્યાઓ કરી છે, ગંગાને પૃથ્વી પર અવતરણ કરાવવા કેટલી ઉગ્ર તપસ્યા ભગીરથે કરી?આપણા ઋષિમુનિઓ પણ કઠિન તપસ્યાઓ કરતા હતા. એટલે એવું કદી ન કહેવું કે ભગવાને ક્યાં કહ્યું છે. આપણાથી શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે એક ઉપવાસ પણ ન થતો હોય, અથવા ન કરવો હોય એનો દોષ ભગવાન પર ન ઢોળશો. કળિયુગમાં ભક્તિ કરવાથી મનોકામના પૂર્ણ થાય છે તેમ કહેવાય છે, પરંતુ તેનો અર્થ એવો ક્યાંય નથી કે તમારાથી થતું હોય તો તપ ન કરવું!

ભગવાને કેવું તપ ન કરવા કહ્યું છે? રાજસિક તપ, એટલે કે બીજાથી સત્કાર, માન કે પૂજા કરાવવા માટે, કેવળ દેખાવ ખાતર કરેલું તપ ન કરવું જોઈએ. મૂઢતાપૂર્વક માત્ર શરીરને પીડા આપવાના હેતુથી કે અન્યને હાનિ પહોંચાડવાના હેતુથી કરેલ તામસિક તપ પણ ન કરવું જોઈએ. પરંતુ માત્ર ઈશ્ર્વર શ્રદ્ધાથી ભક્તિભાવ પૂર્વક તપ અવશ્ય કરવા યોગ્ય છે.

Also Read –

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button