માનસ મંથન : આજના સમયમાં મન લાગે કે ન લાગે, હરિનામ જપતા રહો, એક દિવસ એ તેની પાસે પહોંચાડશે
-મોરારિબાપુ
બંદઉં નામ રામ રઘુબર કો, હેતુ કૃસાનુ ભાનુ હિમકર કો,
બિધિ હરિ હરમય બેદ પ્રાન સો, અગુન અનૂપમ ગુન નિધાન સો.
રઘુવરના અનેક નામ છે: એને કોઈ રાઘવ કહે, કોઈ રાઘવેન્દ્ર કહે, તુલસીજી કહે એ નામોને મારા પ્રણામ છે. પણ જે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશમય છે, વેદનો જે પ્રાણ છે, ઓમકાર સ્વરૂપ છે… એ રામતત્ત્વ- એ રામનામની વંદના કરતાં ગોસ્વામીજીએ નામ મહિમાનું મોટું પ્રકરણ લખ્યું છે. તુલસીજીએ એમ કહ્યું કે સતયુગમાં માણસ ધ્યાનથી પરમાત્માને જલ્દી પામતો હતો, ત્રેતાયુગમાં એ જ ઈશ્ર્વરને પામવા માટે યજ્ઞને પ્રધાન સાધન બતાવવામાં આવ્યું કે યજ્ઞ દ્વારા પામી શકાય. દ્વાપરમાં પૂજન-અર્ચનને પ્રધાનતા આપી કે પરમાત્માની પ્રાપ્તિ પૂજન-અર્ચનથી સુલભ. પણ કળિયુગમાં તો ગોસ્વામીજી કહે કે કેવળ નામ આધાર છે. કળિયુગમાં કેટલા માણસો ધ્યાન કરી શકે ? હં…! મને લોકો મળતા હોય છે. એક ભાઈ મને કહે હું રાતના એક વાગે ધ્યાનમાં બેસું છું ને ત્રણ વાગે ઊભો થાઉં છું. મને બહુ નવાઈ લાગી ! એક વાગે શરૂ થાય અને ત્રણ વાગે પૂરું થાય એ સમયની ખબર ધ્યાનમાં કેવી રીતે રહેતી હશે? ધ્યાન તો ક્રાંતિ હૈ. ધ્યાનમાં કંઈ સમય હોઈ શકે કે તે આટલા વાગે શરૂ થાય અને આટલા વાગે પૂરું થાય? ધ્યાન જે કરી શકે, એમાં આગળ વધી શકે એ બધાને વંદન છે. રામનામ જપતાં જપતાં ક્યારેક ધ્યાન લાગી જશે ત્યારે આંખમાંથી આંસુડાં વહેશે. ઈસ લિએ નામ જપો. સામાન્ય માણસ માટે કળિયુગનું પ્રધાન સાધન હરિનામ આશ્રય, પરમાત્માનું નામ જ છે. કળિયુગમાં કેવળ રામનામ જ પ્રધાનતા ભોગવી રહ્યું છે. જે ગતિ ધ્યાનથી, યજ્ઞથી, પૂજન- અર્ચનથી મળે એ ગતિ કલિયુગમાં હરિનામથી સુલભ બને છે. બાકી નામનો પ્રતાપ તો ચારે યુગમાં છે.
નામનો પ્રતાપ ગાતાં તુલસીજીએ લખ્યું છે કે માણસ કોઇ પણ રીતે નામનો આશ્રય કરે, નામથી જ નામી મળે એ નિર્વિવાદ સત્ય છે. અહીં આટલાં માણસો બેઠાં છે એમાંથી કોઈનું નામ મને આવડતું હોય અને હું એનું નામ બોલું તો એ માણસ મારી પાસે આવશે. ઢગલો એક વસ્તુઓ પડી હોય અને કોઈને કહીએ કે આ લાવો-તે લાવો. પરંતુ નામ વગર નામી મળતા નથી. વસ્તુ હોવા છતાં તમે પ્રાપ્ત કરી શકતા નથી. નામ આવડતું હોય તો તુરંત વસ્તુ આવે. નામની સરાહના કરતાં ગોસ્વામીજીએ કહ્યું કે નામ વગર નામી શક્ય નથી. ઈશ્ર્વર પોતાનું અવતારકાર્ય પૂરું કરીને, પોતાનું અવતારકાર્ય સમેટીને જ્યારે વિદાય લેતા હોય ત્યારે એમ કહે છે કે તે પોતાની તમામ શક્તિ નામમાં મૂકતા જાય છે. તો કોઈપણ નામનો આશ્રય કરો. કોઈ આગ્રહ નથી રામનામનો! રામનામ કા અર્થ બડા વ્યાપક હૈ, બડા વિસ્તૃત. એમણે એમ કહ્યું કે આજે ઘણા લોકો નામ જપ કરવા બેસે છે અને મન ન લાગે તો ચિંતા કરે છે. આવી ચિંતા ન કરો. મનની સાથે કોઈ તકરાર નહિ. એની સાથે બહુ-
એટલી બધી ખેંચતાણ ન કરો ! ધ્યાન માટે મનમાં એકાગ્રતા જરૂરી છે. પણ નામસ્મરણ કરતી વખતે મન માટે એટલી બધી ચિંતા ન સેવો. મનની જે સ્થિતિ હોય, એને જે કરવું હોય તે કરવા દો… મનને ! નામ જપો, નામમાં ખુદમાં એટલી શક્તિ છે, કે એક વખત મને અને તમને ધીરે ધીરે ત્યાં પહોંચાડશે. રામાયણમાં આ બધું લખ્યું છે એટલે કહું છું.
ગોસ્વામીજીએ દલીલ કરી ધ્રુવને શું એટલી બધી ભક્તિ ઉભરાણી હતી આટલી નાની ઉંમરમાં, શું એટલું બધું મન લાગી ગયું હતું હરિમાં કે બસ પ્રભુભક્તિ કરી લઉં ? નહિ. એક ગ્લાનિ થઈ, ગોદમાં બેસવાનું ન મળ્યું. માતાએ મેણું માર્યું. પિતાની ગોદમાં બેસવાનું ન મળ્યું તેની ગ્લાનિમાં જીવન ભરાયું અને એ ગ્લાનિને લીધે ધ્રુવ નામ તરફ વળ્યા. પરિણામે અમરતત્ત્વને પામ્યા. તો ગ્લાનિથી પણ હું અને તમે ‘નામ’ જપીએ. ભલે ભાવ ન જાગે, તો પણ ક્રાંતિ છે. ગોસ્વામીજી લિખતે હૈ :
ધ્રુવઁ સગલાનિ જપેઉ હરિ નાઊઁ,
પાયઉ અચલ અનૂપમ ઠાઊઁ
ગ્લાનિથી જપાય તો પણ અમર અને અનુપમ સ્થાન પ્રાપ્ત થાય. અને ભાવથી જપાય તો ઔર ક્રાંતિ. આપણો બાબો બીમાર પડ્યો હોય, એને તાવ આવતો હોય અને ડોક્ટર પાસે લઈ જઈએ. ડોક્ટર ગોળી આપે ત્યારે કોઈ દિવસ એવી શર્ત કરે છે કે આ તમારો બાબો ચડ્ડી પહેરીને ગોળી ખાશે તો જ તાવ ઊતરશે, અને પેન્ટ પહેર્યું હશે તો કદાચ તાવ વધી જશે ! અથવા કોઈ ડોક્ટર એમ કહે કે આ બાબાએ તિલક કર્યું હશે તો જ તાવ ઊતરશે, તિલક વગર જો ગોળી ખાશે તો તકલીફ ! કોઈ ડોકટરે એમ કહ્યું આ બાબો રડતાં રડતાં પીશે તો તાવ ઊતરશે, હસતાં હસતાં પીશે તો નહિ ઊતરે ! કોઈ ડોકટરે એમ કહ્યું આ બાબાનો રંગ ગૌર છે એટલે તાવ ઊતરશે, રંગ કાળો હોત તો ના ઊતરત. આવી કોઈ શર્ત ડોક્ટર મૂકતો નથી. ડોક્ટર કહે કોઈ પણ હિસાબે મધની સાથે, પાણીની સાથે કે એમ ને એમ કોઈ પણ રીતે બાબાએ ગોળી ગળી જવી જોઈએ.
ગોસ્વામીજી ‘રામચરિતમાનસ’માં કહે છે-
મંત્ર મહામનિ વિષય બ્યાલ કે
મે તટ કઠિન કુઅંક ભાલ કે ॥
મારાં ભાઈ-બહેનો, લોકોએ એક એક ચોપાઈના અનુષ્ઠાનો કરીને પરિણામો પ્રાપ્ત કર્યાં છે. ‘રામચરિતમાનસ’ મહાકાવ્ય નથી, આ મહામંત્ર છે. મારો પ્રવેશ નથી અને રુચિ પણ નથી પરંતુ આ જ્યોતિષ શાસ્ત્રમાં અમુક અમુક નંગ પહેરવો, મણી પહેરવો, અમુક પ્રકારનાં જપ કરવા એવું નથી કહેવાતું ? તુલસી કહે છે કે રામનામ એ મંત્ર પણ છે અને મણી પણ છે. રામનામ લેતા લેતા કપાળમાં ચંદન કરો ને તો રેખા ફરી જાય ! બાકી હોય તે તાળીઓ પાડવાથી નીકળી જાય! રામનામમાં, રામનામના મંત્રમાં બાપ, એટલી તાકાત છે કે લલાટના કુઅંકને ભૂંસી નાખે છે. કથા પણ જપ છે. કોઈ વ્યક્તિ વ્યાસપીઠ પર બેસી કથા કરે છે તો એ પ્રવચન નથી કરતો, જપ કરે છે. મન લાગે કે ન લાગે, હરિનામનો આશ્રય રાખો. કોઈ પણ વ્યક્તિ જે રીતે હરિનામ લેતો હોય તેને લેવા દેવું. જે ભજતો હોય તેને ભજવા દેવું. ખૂબ નામ જપો. હાથમાં માળા રાખે, રામનામીમાં રાખે, હોઠથી જપે, જે રીતે જપે તેને જપવા દો. જે ટીકા કરે તેને કરવા દો. ‘નામ જપત મંગલ દિશી દસહુ…’હરિનામનો આશરો દશે દિશાઓમાં મંગળ કરે છે.
આ જગતને નિર્મળ અને તંદુરસ્ત રાખવા માટે મૂળમાં હરિનામ ખૂબ જરૂરી છે. આ કાળ હરિનામનો છે. આ જીભ છે ને એ ઉંબરો છે. ત્યાં જો રામનામ મુકાઇ જાય તો બહાર પણ અજવાળું ને ભીતર પણ અજવાળું. દશ અપરાધની ચર્ચા ચૈતન્ય પરંપરામાં આવી છે, તેનાથી સાવધ રહીએ. પણ કદાચ ચુકાઈ જાય તો રામનામનો આશ્રય કરીએ. જે માણસ રામનામ લે છે એ સૂર્યને હાથમાં લઈ ફરે છે, ચંદ્રને હાથમાં લઈ ફરે છે અને અગ્નિને હાથમાં લઈ ફરે છે. અગ્નિ પાપને બાળશે. ચંદ્ર એને વિશ્ર્વાસ આપશે અને સૂર્ય એના અંધારાને દૂર કરી અજવાસ આપશે. હરિનામ ખૂબ ગાવું. માળા પર જપાય તો પણ સારું ને એમ ને એમ જપાય તો પણ સારું. હોઠ હલે તો પણ સારું અને અજપા જપાય તો પણ સારું. કોઈ પણ રીતે પ્રભુનું નામ જપાય તે સારું.
(સંકલન : જયદેવ માંકડ)