સ્પોર્ટ્સ ફીલ્ડ : 42 વર્ષની મિતાલી રાજે હજી લગ્ન કેમ નથી કર્યા?
યશ ચોટાઈ
થોડા મહિના પહેલાં એક પાર્ટનરે આ બૅટિંગ-લેજન્ડ સામે શરત મૂકેલી, `આપ કો ક્રિકેટ છોડની પડેગી’
મિતાલીએ એક ઇન્ટરવ્યૂમાં મન મૂકીને વાતો કરી છે
બૅડમિન્ટન ખેલાડી સાઇના નેહવાલ થોડાં વર્ષો પહેલાં પરણી ગઈ અને હવે પી. વી. સિંધુ માંડવે બેસવાની તૈયારી કરી રહી છે એ સમાચાર જાણ્યા પછી ઘણાને વિચાર આવ્યો હશે કે દેશની જાણીતી મહિલા ક્રિકેટરોમાં કેમ કોઈ પરણતી નથી? વર્તમાન વિમેન્સ ક્રિકેટ ટીમની વાત કરીએ તો એની ખેલાડીઓ હજી ઘણી યંગ છે અને થોડાં વર્ષોમાં એક પછી પ્લેયર (સ્મૃતિ મંધાના, હરમનપ્રીત કૌર, જેમાઇમા રૉડ્રિગ્સ, દીપ્તિ શર્મા વગેરે)ના લગ્નની ખબર આવતી રહેશે. હા, નિવૃત્ત થઈ ચૂકેલી ખેલાડીઓની વાત કરીએ તો એમાં મિતાલી રાજનું નામ સૌથી પહેલાં યાદ આવે. આજે આપણે તેની જ ચર્ચા કરવાની છે.
મિતાલી 42 વર્ષની થઈ ગઈ છે. લગ્નની ઉંમર તો તેણે ક્યારનીયે વટાવી દીધી છે અને શાનદાર ક્રિકેટ કારકિર્દીને તેણે ગુડબાય કરી એને પણ બે વર્ષ થઈ ગયા છે એમ છતાં તેના મૅરેજ વિશે કે મૅરેજની સંભાવના વિશે ક્યારેય કંઈ સાંભળવા નથી મળ્યું. મિતાલીએ તાજેતરમાં એક પૉડકાસ્ટ પરના ઇન્ટરવ્યૂમાં પોતે અંગત જીવનમાં તેમ જ ક્રિકેટની કારકિર્દી દરમિયાન જે પડકારોનો સામનો કર્યો હતો એ વિશે દિલ ખોલીને વાત કરી હતી.
ત્રીજી ડિસેમ્બરે જન્મદિન ઉજવનાર મિતાલીએ પોતે કેમ હજી પરણી નથી એ વિશે એક ચોંકાવનારી વાત જણાવતાં કહ્યું, `થોડા સમય પહેલાં જે પુરુષ સાથે મારી લગ્નની વાત ચાલી હતી તેણે મારી સામે એવી શરત રાખી હતી કે મારે ક્રિકેટ રમવાનું છોડી દેવું પડશે અને પરિવાર તથા બાળકોની સંભાળ લેવા પર જ બધુ ધ્યાન આપવું પડશે.’
મિતાલી એ સમયે ભારતીય ટીમની કૅપ્ટન હતી. મિતાલીએ એ કિસ્સો જણાવતાં કહ્યું, `મને ત્યારે મારા પાર્ટનરે કહેલું કે આપ કો ક્રિકેટ છોડની પડેગી, ક્યૂં કી શાદી કે બાદ આપ કો હમારે બચ્ચોં કા ધ્યાન રખના પડેગા.’
મિતાલી એ પાર્ટનરની વાત સાંભળીને સ્તબ્ધ થઈ ગઈ હતી અને લગ્નની ઉંમર તો થઈ જ ગઈ છે એટલે એ કરી જ લેવા જોઈએ એવું માનસિક દબાણ થવા છતાં મિતાલીએ ક્રિકેટ રમવાનું પૅશન નહોતું છોડ્યું અને (તે પાર્ટનર સાથે) લગ્ન ન કરવાનું ત્યારે નક્કી કરી લીધું હતું.
પુરુષ અને મહિલા ક્રિકેટર્સ વચ્ચે સીક્રેટ રિલેશનશિપ હોય છે? એવું પૉડકાસ્ટમાંના ઇન્ટરવ્યૂમાં પુછાતાં મિતાલીએ સહમતી બતાવતાં કહ્યું, `હા, સીક્રેટ રિલેશનશિપ હોય છે. હું આ વાતનો ઇનકાર નહીં કરું.’
મિતાલી મહિલાઓની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 10,000 રન બનાવનાર વિશ્વની એકમાત્ર ક્રિકેટર છે. તેણે કુલ 10,868 રન બનાવ્યા છે જેમાં આઠ સેન્ચુરી અને 68 હાફ સેન્ચુરી સામેલ છે. મહિલા ક્રિકેટની આ બૅટિંગ-લેજન્ડની બૅટિંગ ટેક્નિક, બૅટિંગ-સ્ટાઇલ અને કૅપ્ટન્સી સંભાળવાની કળા જગવિખ્યાત છે.
મિતાલીએ 2009ના વર્લ્ડ કપ પછી નિવૃત્તિ લેવાનો વિચાર કર્યો હતો, પરંતુ એ ટૂર્નામેન્ટ પછી ચાહકો તરફથી તેની જે ભરપૂર પ્રશંસા થઈ એને કારણે તેણે વહેલું રિટાયરમેન્ટ લેવાનું માંડી વાળ્યું હતું. મિતાલી કહે છે, `દરેક ઍથ્લીટના જીવનમાં પ્રશંસા ખૂબ અગત્યની હોય છે. અમે હંમેશાં જોયું છે કે પુરુષ ઍથ્લીટોની ખૂબ પ્રશંસા થતી હોય છે. મારા પર્ફોર્મન્સને જ્યારે બિરદાવવામાં આવ્યો ત્યારે મને વિચાર આવ્યો કે નિવૃત્તિ લેવાની ઉતાવળ શું કામ કરવી?’
મિતાલી બીજા એક જાણીતા અંગ્રેજી દૈનિકને કહે છે, `જેમ સામાન્ય રીતે પુરુષ ક્રિકેટર્સને તેમની મહિલા ચાહકો તરફથી જે અટૅન્શન મળતું હોય છે એવું મને નથી મળ્યું. હું સિંગલ છું અને એમાં જ ખુશ છું. થોડાં વર્ષો પહેલાં મને મૅરેજ કરવાની ઘેલછા હતી, પણ હવે હું પરિણીત લોકોને જોઉં છું ત્યારે મને લગ્ન કરવાની ઇચ્છા ઘણી ઓછી થઈ ગઈ છે. હું સિંગલ રહેવામાં જ ખુશ છું.’
મિતાલીએ ભૂતપૂર્વ પાર્ટનરની શરતવાળી વાત પર વધુમાં કહ્યું, હું ત્યારે વિદેશમાં હતી. મેં મમ્મીને ફોન કરીને કહી દીધું કે મારે હમણાં લગ્ન નથી કરવા. મારે હજી બે વર્ષ રમવું છે.' થોડા મહિના પહેલાં મિતાલી અને શિખર ધવનના લગ્નની અફવા ઊડી હતી. જોકે મિતાલીએ
ધવન કરેંગે’ નામના ટીવી-શોમાં એ વાતને માત્ર અફવા ગણાવીને એના પરની ચર્ચા પર પૂર્ણવિરામ મુકાવી દીધું હતું.
મિતાલીએ પૉડકાસ્ટમાં નાનપણના કિસ્સાની વાત કરતા કહ્યું કે `નાનપણથી સ્ત્રીઓને માસિક સ્ત્રાવને લગતી કેટલીક સમસ્યાઓ નડતી હોય છે. હું 13 વર્ષની હતી ત્યારે મને એ સમસ્યાનો અનુભવ થયો હતો અને મેં ત્યારે જ ક્રિકેટની કરીઅરમાં આગળ ન વધવાનો વિચાર કર્યો હતો. જોકે પછીથી ક્રિકેટ પ્રત્યેના પૅશને મારો વિચાર બદલી નાખ્યો હતો. 2009ના વર્લ્ડ કપ વખતે મારે એક સાથી ખેલાડીને માસિકની સમસ્યાને લીધે ટીમમાંથી પડતી મૂકવી પડી હતી.
ખેલકૂદમાં સામાન્ય રીતે આવી સમસ્યાઓની જાહેરમાં ચર્ચા નથી થતી હોતી. ત્યારે મારે સપોર્ટ સ્ટાફ (કોચિંગ સ્ટાફ) સાથે એ ખેલાડી વિશેનું કારણ શૅર કરવામાં પણ ખૂબ તકલીફ થઈ હતી.’
મિતાલીએ પૉડકાસ્ટ પરની મુલાકાતમાં કહ્યું છે કે `એક વાર બાંગ્લાદેશમાં પાકિસ્તાન સામેની મૅચ વખતે મારે સ્લજિંગનો સામનો કરવો પડ્યો હતો. હું બૅટિંગમાં હતી અને પાકિસ્તાનની એક બોલર મારી આડે આવી અને મારા હાથ પર માર્યું હતું.’
મિતાલી ખેલાડી તરીકે નિવૃત્ત થયા બાદ હવે કોચિંગ આપવામાં વ્યસ્ત છે. વિમેન્સ પ્રીમિયર લીગ (ડબ્લ્યૂપીએલ)માં તે ગુજરાત જાયન્ટ્સ ટીમની મેન્ટર (માર્ગદર્શક) બની ચૂકી છે.
આ પણ વાંચો…સ્થાપત્યનું વાઈ-ફાઈ: M.O.R.E. ઓફ ગ્રીડ આવાસ-ક્યુબેક કેનેડા-સંકડાશની સમૃદ્ધિ
ભારતીય ક્રિકેટની નવી પેઢી માટે મિતાલીની કરીઅર તો પ્રેરણારૂપ છે જ, હવે તે યુવા વર્ગને પોતાના કૌશલ્ય અને અનુભવોથી પણ પ્રોત્સાહન આપી રહી છે. વર્ષોથી મિતાલીને `લૅડી તેન્ડુલકર’ તરીકેની ઓળખ મળી છે. જેમ સચિન તેન્ડુલકર રિટાયરમેન્ટ પછી પણ વર્ષોથી યુવા વર્ગ માટે પ્રેરક બની રહ્યો છે એમ તેની જેમ ભવ્ય કારકિર્દી માણ્યા બાદ મિતાલી પણ માર્ગદર્શકની ભૂમિકા બખૂબી નિભાવી રહી છે.