પવિત્ર તો યમુનાજીનું પાણી પણ છે, છતાં તેને ઘરમાં કેમ નથી રાખવામા આવતું? જાણો કારણો

દરેકના ઘરમાં ગંગાજળની એક લોટીજી અથવા બોટલ હોય છે. સામાન્ય રીતે ઘરમાં ગંગાજળ રાખવું શુભ મનાય છે અને સાથે કોઈનું મૃત્યુ થાય તો તેને છેલ્લી ઘડીએ મોઢામાં ગંગાજળ આપવામાં આવે છે, આથી ઘરમાં ગંગાજીનું જળ તો હોય છે, પરંતુ ગંગા જેટલી જ પવિત્ર યમુના હોવા છતાં ઘણા ઘરમાં લાંબો સમય યમુનાજીનું પાણી રાખવાનું પસંદ કરતા નથી.
ઘણા પંડિતો પણ યમુનાજીનું પાણી ઘરમાં ન રાખવાની સલાહ આપે છે. તો આવો જાણીએ યમુનાના પાણી મામલે શું છે માન્યતા.
આપણ વાંચો: ચારધામ યાત્રાનો થયો પ્રારંભ, ગંગોત્રી-યમુનોત્રીના કપાટ ખુલતા ભક્તોમાં ભારે ઉત્સાહ…
યમુનાજીનો સંબંધ છે ભગવાન શ્રીકૃષ્ણ સાથે

જેમણે પણ શ્રીકૃષ્ણના જીવન વિશે જાણ્યું હશે, વાંચ્યું હશે કે ટીવી સિરિયલ જોઈ હશે તેમને યમુના નદીં તો યાદ જ હશે. ભાઈ કંસે જ્યારે બહેન દેવકીને જેલમાં બંધ કરી હતી ત્યારે દેવકી અને વાસુદેવના આઠમા સંતાન તરીકે શ્રીકૃષ્ણનો જન્મ થયો, પણ મામા કંસથી તેને બચાવવા માટે વાસુદેવ નવા જન્મેલા બાળકને સુંડલામાં નાખી યમુના નદી પાર વૃંદાવનમાં મૂકવા નીકળ્યા, ત્યારે યમુના નદીમાં તોફાન આવ્યું અને નદીએ તેમનો મારગ રોક્યો.
જોકે આ પાછળનું કારણ એવું હતું કે યમુના નદી જાણી ગઈ હતી કે આ બાળક દૈવીય અવતાર છે અને તેથી શ્રીકૃષ્ણના ચરણ સ્પર્શ કરવા તેનું પાણી ઉપર આવ્યું હતું. જેવા ભગવાનના ચરણ સ્પર્શ થયા કે પાણીની સપાટી સાવ નીચી થઈ ગઈ અને યમુનાજીએ પણ રસ્તો કરી આપ્યો.
ભગવાન કૃષ્ણની લીલાઓમાં યમુના નદી ઘણી મહત્વની છે. બાળ સ્વરૂપે કૃષ્ણએ યમુના નદીમાં જ દડો શોધવાના બહાને કાળીનાગ નાથ્યો હતો. ગોપીઓ સાથેની મજાક મસ્તી અને રાધા સાથેની મુલાકાતો અહીં થઈ છે. રાસલીલાની સાક્ષી રહી છે યમુના નદી.
પૌરાણિક કથાઓ અનુસાર યમુનાજી શ્રીકૃષ્ણના પત્ની છે અને તેઓ હંમેશાં શ્રીકૃણનો ચરણ સ્પર્શ કરતા રહેશે તેવું તેમને વરદાન મળ્યું હોવાની માન્યતા પણ છે.
આપણ વાંચો: પ્રયાગરાજ મહાકુંભ પહેલા આ ક્રિકેટરે યમુનામાં લગાવી ડૂબકી, વીડિયો થયો વાયરલ
…તો પછી કેમ યમુનાજળ ઘરે નથી રખાતું?

યમુનાજી સાથે બીજી પણ કથાઓ જોડાયેલી છે. જેમાંથી એક એવી માન્યતા છે કે યમુનાજી મૃત્યુના દેવતા યમરાજાના બહેન છે. તેથી ઘરમાં યમુનાનું પાણી રાખવાની મનાઈ છે. આનાથી ઘરમાં યમની નકારાત્મક ઉર્જા અને પ્રભાવ વધી શકે છે, તેથી જ ગંગાજળને જીવનદાતા માનવામાં આવે છે, પરંતુ યમુનાના પાણીનો ઉપયોગ ફક્ત ઉપવાસ, સ્નાન અથવા યાત્રા દરમિયાન જ કરવો જોઈએ, તેવું સામાન્ય રીતે માનવામાં આવે છે.
ગરુડ પુરાણ અને પદ્મ પુરાણમાં પણ કહેવામાં આવ્યું છે કે યમુનાના પાણીનો ઉપયોગ ફક્ત તીર્થયાત્રા અથવા તપસ્યાની વિધિઓ માટે જ કરવો જોઈએ, પરંતુ તેને ઘરમાં કાયમ માટે રાખવું જોઈએ નહીં, કારણ કે તે ઘરમાં અકાળે મૃત્યુ, રોગ અથવા ઝઘડાનું કારણ બની શકે છે.
બીજી બાજુ વાસ્તુ શાસ્ત્ર અનુસાર, યમુનાનું પાણી અંધકાર અને અસ્થિરતાનું પ્રતીક છે. તેને ઘરમાં રાખવાથી ગરીબી અથવા માનસિક તણાવ થઈ શકે છે. યમુનાનું પાણી કાળુ હોવાથી તેને શ્યામા પણ કહેવામાં આવે છે. જ્યારે ગંગાજળને બધા દોષો દૂર કરવા માટે કહેવામાં આવે છે. ગંગાસ્નાન પાપનો નાશ કરે છે તેની માન્યતા ખૂબ જ પ્રચલિત છે.
આપણ વાંચો: આજથી શીત કાલ માટે બંધ થઇ જશે ગંગોત્રી ધામના કપાટ
ચાલો આ જન્માષ્ટમીએ પ્રણ લઈએ કે…

ઘરમાં ભલે યમુનાજળ મામલે અલગ માન્યતા હોય, પરંતુ હિન્દુ શાસ્ત્રો અનુસાર બન્ને નદીઓ પવિત્ર છે અને બન્નેને મૈયા એટલે કે માતા કહેવામાં આવે છે. શાસ્ત્રોમાં નદીને માતાનું સ્થાન આપવામાં આવ્યું છે. જળથી જ જીવન છે અને આ નદીઓ જ માનવજાતને જળ આપી જન્મદાત્રીની ભૂમિકા ભજવે છે.
જોકે કમનસીબે આપમે માત્ર ગંગા-યમુનાના ગૂણગાન ગાઈએ છીએ, પરંતુ તેની પવિત્રતાને જાળવવામાં સદંતર નિષ્ફળ ગયા છીએ. આજે પણ નદીમાં કચરો ફેંકતા પહેલા એકવાર વિચાર કરતા નથી. નદીઓને દુષિત કરવામાં ઔદ્યોગિક કચરા સાથે આપણે જે કચરો કરીએ છીએ તે પણ તેટલો જ જવાબદાર છે.
ચાલો આ જન્માષ્ટમીએ પ્રણ લઈએ કે શ્રીકૃષ્ણને પ્યારી યમુના નદી હોય કે તમારા ગામ-શહેરમાં વહેતી ગમે તે નદી અથવા જળસ્ત્રોત હોય, તેમાં કોઈપણ પ્રકાચરનો કચરો કરશું નહીં, તેને સ્વચ્છ રાખવાના તમામ પ્રયત્નો આપણે કરીશું.
વિશેષ નોંધઃ આ માહિતી પ્રાથમિક વિગતો પર આધારિત છે. મુંબઈ સમાચાર આની પુષ્ટિ કરતું નથી.