નેશનલસ્પેશિયલ ફિચર્સ

…તો આજે જ તમારી લાડલી દીકરીના ભવિષ્ય માટે આ આયોજન કરી શકો

નવી દિલ્હીઃ 14 નવેમ્બર એ ચાચા નહેરુની સાથે સમગ્ર દેશમાં બાળ દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. 14 નવેમ્બરે જો તમે પણ તમારી દીકરીને ગિફ્ટ આપવા માંગતા હોવ તો તેના ભવિષ્ય માટે તમે આર્થિક આયોજન કરી શકો છો. તમે લાખનું ફંડ બનાવી શકો છો અને તમારી દીકરીને આપી શકો છો. કેન્દ્ર સરકાર દ્વારા દીકરીઓ માટે ઘણી સરકારી યોજનાઓ શરૂ કરી છે. તમે પણ તમારી લાડલી દીકરીના નામે સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY) માં ખાતું ખોલાવી શકો છો.
આ સરકારી યોજના દ્વારા તમારી દીકરીને લગભગ 67 લાખ રૂપિયાનું ભંડોળ મળી શકે છે. આ સ્કીમમાં તમે વાર્ષિક ઓછામાં ઓછા રૂ. 250 અને વધુમાં વધુ રૂ. 1.5 લાખનું રોકાણ કરી શકો છો. હાલમાં સરકાર આ સ્કીમ પર લગભગ 8 ટકાના દરે વ્યાજ પણ આપે છે.
‘સુકન્યા સમૃદ્ધિ યોજના’એ સરકાર દ્વારા બનાવવામાં આવેલ એક યોજના છે. આ યોજના ખાસ તમારી લાડલી દીકરી માટે બનાવવામાં આવી છે, જેમાં તમે તમારી દીકરીનું ભવિષ્ય સુરક્ષિત કરી શકો છો. આ યોજનામાં તમે નાની રકમથી ખાતું ખોલાવી શકો છો. આ યોજનામાં તમે ખાતું ખોલાવીને, તમે તમારી પુત્રીના નામે ધીમે ધીમે પૈસા જમા કરાવી શકો છો.
સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ 10 વર્ષથી ઓછી ઉંમરની દીકરીનું ખાતું તેના માતા-પિતા ખોલાવી શકે છે. તમે કોઈપણ બેંક અથવા પોસ્ટ ઓફિસમાં ખાતું ખોલાવી શકો છો. છોકરીના નામે માત્ર એક જ ખાતું ખોલાવી શકાય છે. એક પરિવારમાં ફક્ત બે દિકરી (બાળક) માટે જ ખાતા ખોલી શકાય છે, જ્યારે જોડિયા/ત્રણ કન્યાઓના કિસ્સામાં બેથી વધુ ખાતા ખોલી શકાય છે.
ફરી એક વાર જો યોજનાની વાત કરીએ તો તમે જો આ સરકારી યોજનામાં દર વર્ષે 1.5 લાખ રૂપિયા જમા કરો છો તો તમારે દર મહિને ઓછામાં ઓછા 12,500 રૂપિયાની બચત કરવી પડશે. આમાં તમારે 15 વર્ષ સુધી સતત રોકાણ કરવું પડશે. 15 વર્ષના સતત રોકાણ પછી તમારા દ્વારા જમા કરવામાં આવેલી રકમ 22.50 લાખ રૂપિયા થઈ જશે. આ રકમ પર સરકાર તરફથી લગભગ 44.84 લાખ રૂપિયા વ્યાજ તરીકે મળશે.
આ રીતે પાકતી મુદત પર તમારી અને સરકાર તરફથી વ્યાજની રકમ સહિત, તમને કુલ 67.34 લાખ રૂપિયા મળશે. મેચ્યોરિટી પછી તમે આ પૈસાનો ઉપયોગ ગમે ત્યાં કરી શકો છો. જો હજુ પણ તમને ક્યાંય કોઈ મુઝવણ જણાતી હોય તો તમે નજીકની પોસ્ટ ઓફિસમાં તપાસ કરી શકો છો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button