કારમાં AC ચાલુ રાખીને ઊંઘવું જોખમી: આ 2 બાબતોનું રાખજો ધ્યાન, નહીંતર જશે જીવ

AC in car Use and precautions: આજના સમયમાં લોકો હવા ખાવા માટે પંખાને બદલે ACથી ટેવાઈ રહ્યા છે. આ ટેવ એટલી હદે વધી રહી છે કે, લોકોને થોડીવાર પણ AC વગર ચાલતું નથી. તેથી લોકો હવે કારમાં પણ AC ઇન્સ્ટોલ કરાવી રહ્યા છે. કારમાં બેસે ત્યાંથી લઈને કારમાંથી ઉતરે ત્યાં સુધી લોકો AC ચલાવતા હોય છે. પરંતુ કારમાં ACનો વધુ પડતો ઉપયોગ મોતને આમંત્રણ આપી શકે છે.
કારમાં ACનો ઉપયોગ જીવલેણ બન્યો
ઘણા ડ્રાઈવર કારમાં જ AC ચાલુ કરીને સૂઈ જતા હોય છે. પરંતુ આવું કરવું જીવલેણ સાબિત થઈ શકે છે. તાજેતરમાં નોઈડા ખાતે સેક્ટર 62માં એક ડ્રાઈવર અને તેનો મિત્ર કેબમાં AC ચાલુ કરીને સૂઈ રહ્યા હતા. બંને સમયસર ઘરે પહોંચ્યા ન હતા. જેથી ડ્રાઈવરના પરિવારે તેની શોધખોળ શરૂ કરી હતી. આખરે કેબમાં બંનેના મૃતદેહ મળી આવ્યા હતા. પોલીસે બંનેના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા હતા. કેબમાં AC ચાલું હતું અને બંનેનું શ્વાસ રૂંધાવાને કારણે મૃત્યુ થયું, એવી પોલીસ તપાસમાં સામે આવ્યું હતું.
કારમાં AC ચલાવતી વખતે રાખો સાવધાની
ઉપરોક્ત ઘટના પરથી એ સવાલ ઊભો થાય છે કે, શું કારમાં AC ચાલુ રાખીને સૂઈ જવાથી કે બેસી રહેવાથી વ્યક્તિનું મૃત્યુ થઈ શકે છે? તો એનો જવાબ ‘હા’ છે. જેના માટે બે કારણો જવાબદાર છે. કાર્બન મોનોક્સાઈડ ગેસનું ઉત્સર્જન બે કારણો પૈકીનું પહેલું કારણ છે. જ્યારે કારનું એન્જિન ચાલે છે, ત્યારે તેમાંથી કાર્બન મોનોક્સાઈડ ગેસનું ઉત્સર્જન થાય છે. દો એક્ઝોસ્ટ સિસ્ટમમાં ખામી કે લીકેજ હોય, તો કાર્બન મોનોક્સાઈડ AC વેટ્સના મારફતે કારની અંદર પ્રવેશે છે અને કારની અંદર સુતેલા વ્યક્તિના શરીરમાં જઈને ઓક્સિજનનો સપ્લાય અટકાવી દે છે. જેથી વ્યક્તિનો શ્વાસ રૂંધાય છે અને અંતે તેનું મૃત્યુ નિપજે છે.
ઓક્સિજનની ઉપણ એ બીજુ કારણ છે. સામાન્ય રીતે કારમાં AC ચાલું હોય ત્યારે લોકો કારને સંપુર્ણરીતે બંધ કરી દે છે. આવા સંજોગોમાં હવા અંદરોઅંદર સર્ક્યુલેટ થયા કરે છે. કારમાં બેસેલ વ્યક્તિ ઓક્સિજન લઈને કાર્બન ડાયોક્સાઈડનું ઉત્સર્જન કરે છે. પરંતુ ધીમે ધીમે કારમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટે છે અને કાર્બન ડાયોક્સાઈડનું પ્રમાણ વધી જાય છે. તેથી વ્યક્તિનો શ્વાસ ઘૂંટાવા લાગે છે. પરંતુ સૂઈ રહેલા વ્યક્તિને તેનો ખ્યાલ આવતો નથી અને અંતે તેનું મૃત્યુ નિપજે છે.
કારમાં ACના કારણે થતી દુર્ઘટનાથી બચવા માટે કારમાં સૂતી વખતે દરવાજાના કાચને સ્હેજ ખુલ્લો રાખવો જોઈએ. જેથી બહારની હવા અંદર પ્રવેશી શકે. કારના એન્જિનની સમયાંતરે સર્વિસ કરાવવી જોઈએ અને તેમાં કોઈ પ્રકારનું લીકેજ થઈ રહ્યું છે કે નહીં, તે સુનિશ્ચિત કરવું જોઈએ.
આપણ વાંચો: વિશ્વનો આ પ્રદેશ સૌથી સલામત છતાં બંદૂક વિના બહાર નથી નિકળી શકાતું, શું છે કારણ ?