દુનિયાની સૌથી મોંઘી કૃત્રિમ આંખ: 2-કેરેટનો ડાયમંડ જડાવનાર જ્વેલરી સ્ટોરના માલિકની જાણો અનોખી સ્ટોરી…

અલાબામા: સામાન્ય રીતે મોટી ઉંમરે પડી ગયેલો અથવા કોઈ કારણોસર પડાવી દીધેલો દાંત ફરી આવે નહીં, જેથી તેની જગ્યાએ ઘણા લોકો નકલી દાંત બેસાડવામાં આવે છે. ફિલ્મો અને ટીવી શોમાં ઘણીવાર સોનાના દાંતવાળા પાત્રો જોવા મળે છે. વાસ્તવિક જીવનમાં ઘણા શ્રીમંત લોકો આવું કરાવતા હોય છે. જોકે, અલાબામાના જ્વેલરી સ્ટોરના માલિકે આવો જ એક યુનિક ટ્રેન્ડ શરૂ કર્યો છે. તેણે પોતાની આંખમાં ડાયમંડ લગાવ્યો છે.
આંખોનું તેજ ગુમાવતા આવ્યો આઈડિયા
આંતરરાષ્ટ્રીય મીડિયા પાસેથી મળતી માહિતી મુજબ અલાબામાના જ્વેલરી સ્ટોરના માલિક સ્લેટર જોન્સે ગંભીર સ્ટ્રોકને કારણે પોતાની જમણી આંખની દૃષ્ટિ સંપૂર્ણપણે ગુમાવી દીધી હતી. તેથી તેણે કુત્રિમ આંખ બનાવડાવવાનું નક્કી કર્યું હતું. પરંતુ, વર્ષોથી જ્વેલરીના ક્ષેત્રમાં કાર્યરત હોવાથી માલિક સ્લેટર જોન્સને પોતાની કુત્રિમ આંખ ડાયમંડથી તૈયાર કરાવવાનો વિચાર આવ્યો હતો. તેણે કૃત્રિમ આંખ પ્રત્યારોપણ નિષ્ણાત જોન લિમનો સંપર્ક કરીને બધી વિગતે વાત કરી હતી. અંતે આંખના મધ્યભાગમાં 2-કેરેટનો ડાયમંડ મૂકાવવા એક ખાસ ઓર્ડર આપ્યો હતો. આમ, સ્લેટર જોન્સે દુનિયાની સૌથી મોંઘી કૃત્રિમ આંખ પણ તૈયાર કરાવી હતી.

પ્રકાશના સંપર્કમાં આવતા ચમકે છે આંખ
જોન લિમના માર્ગદર્શન હેઠળ સ્લેટર જોન્સે ડાઈમંડની કૃત્રિમ આંખનું પ્રત્યારોપણ કરાવ્યું હતું. આ લાલચટક આંખ પ્રકાશના સંપર્કમાં આવતા જ ચમકી ઊઠે છે, તેથી જોન્સ જ્યાં પણ જાય છે ત્યાં ચર્ચાનું કેન્દ્ર બની જાય છે. પોતાની આ અનોખી કૃત્રિમ આંખ અંગે સ્લેટર જોન્સે મીડિયાને જણાવ્યું હતું કે મેં મારી વાસ્તવિક આંખ ગુમાવી દીધી, પરંતુ આ કૃત્રિમ આંખ મારા જીવનમાં નવો પ્રકાશ લાવી છે. આ માત્ર એક તબીબી ઉપકરણ નથી, પરંતુ એક કલાકૃતિ બની ગઈ છે.
ડાયમંડની આંખના જોખમ અંગે ચિંતા
જોન લિમે આ અનન્ય કૃત્રિમ આંખ અંગે જણાવ્યું હતું કે, “મેં છ અઠવાડિયાના બાળકોથી લઈને 101 વર્ષના લોકો માટે લગભગ 10,000 કૃત્રિમ આંખો બનાવી છે, પરંતુ આ સૌથી મોંઘી કૃત્રિમ આંખ છે. સોશિયલ મીડિયા પર સ્લેટર જોન્સની આ અનોખી આંખોને ખૂબ પ્રશંસા થઈ રહી છે. ઘણા લોકોએ તેમની સર્જનાત્મકતાની પ્રશંસા કરી રહ્યા છે. જોકે, કેટલાક લોકોએ આંખમાં કરાયેલી આ કરામતના જોખમો અંગે ચિંતા પણ વ્યક્ત કરી રહ્યા છે.



