સ્પેશિયલ ફિચર્સ

નવરાત્રિના પાંચમા દિવસે કરો સ્કંદ માતાની પૂજા અને મેળવો મનવાંચ્છિત ફળ

શાસ્ત્ર અને પુરાણોમાં જણાવ્યા અનુસાર જ્યારે રાવણ સીતાજીનું હરણ કરીને લંકા લઇ આવ્યાં ત્યારે સીતાજીને બચાવવા માટે રામે રાવણપર ચઢાઈ કરતાં પહેલા મા અંબાના નવ રૂપોની પૂજા કરી હતી. ત્યારથી જ નવરાત્રિમાં નવ દેવીઓની પૂજા કરવામા આવે છે. એ મુજબ નવરાત્રિના પાંચમા દિવસે, મા દુર્ગાના પાંચમા સ્વરૂપ સ્કંદમાતાની પૂજા કરવામાં આવે છે જે ભક્તોને ઈચ્છિત ફળ આપે છે. આ માતા દેવી પાર્વતીનું સ્વરૂપ છે. તેમના ખોળામાં સ્કંદ બાળરૂપમાં વિરાજમાન છે. સ્કંદમાતા સૂર્યમંડળની અધિષ્ઠાત્રી દેવી છે. તેમની ઉપાસના કરવાથી સાધક અલૌકિક તેજ પ્રાપ્ત કરે છે. માતાની સ્તુતિ કરવાથી દુઃખોથી મુક્તિ મેળવીને મોક્ષનો માર્ગ સુલભ થાય છે.

દેવીનું પાંચમું સ્વરૂપ સ્કંદમાતા તરીકે ઓળખાય છે. કાર્તિકેય કે કાર્તિક સ્વામી એ મહાદેવ અને પાર્વતીના પુત્ર છે. પૌરાણિક શાસ્ત્રો મુજબ ભગવાન કાર્તિકેયનું એક નામ સ્કંદ પણ છે. સ્કંદની માતા હોવાને લીધે માતાનું આ નામ પડ્યું છે. તેમની ચાર ભૂજા છે. તેમણે ઉપલા બે હાથમાં કમળ ધારણ કરેલાં છે. ત્રીજા હાથે તેમણે ખોળામાં બેઠેલ બાળ કાર્તિકેયને પકડેલા છે. તથા તેમનો ચોથો હાથ વરદમુદ્રામાં છે. દેવીનું વાહન સિંહ છે. સ્કંદ માતા જ્ઞાન અને બુદ્ધિના દેવી કહેવાય છે. એમ કહેવાય છે કે સ્કંદમાતાને સફેદ રંગ ખૂબ જ પસંદ છે. જે ભક્ત સફેદ વસ્ત્રો પહેરીને પૂજા કરે છે, તેની દેવી માતા દરેક મનોકામના પૂર્ણ કરે છે.


એવી પૌરાણિક માન્યતા છે કે સ્કંદમાતાની પૂજા કરવાથી ખાલી ખોળો ભરાઈ જાય છે. સાધકોને તેમના ધ્યાનથી આરોગ્ય, બુદ્ધિ અને જ્ઞાન મળે છે. તેમની પૂજા કરવાથી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે અને ભક્તો પરમ શાંતિ અને સુખનો અનુભવ કરે છે. સ્કંદમાતા અને ભગવાન કાર્તિકેયની ભક્તિ અને નમ્રતાથી પૂજા કરવી જોઈએ. પૂજામાં કુમકુમ, અક્ષત, ફૂલ, ફળ વગેરેથી પૂજન કરવું જોઇએ. માતાની સામે ચંદન રાખો, ઘીનો દીવો કરો. આ દિવસે ભગવતી દુર્ગાને કેળાનો પ્રસાદ ચઢાવવો જોઇએ અને ત્યાર બાદ આ પ્રસાદ કોઈ બ્રાહ્મણને આપવો જોઈએ, આમ કરવાથી માણસની બુદ્ધિનો વિકાસ થાય છે.


આ ઉપરાંત આ વર્ષે નવરાત્રિના પાંચમા દિવસે ખૂબ જ શુભ યોગ બનવા જઈ રહ્યો છે. આ દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગની સાથે જ્યેષ્ઠ નક્ષત્ર અને પૂર્ણ તિથિનો સંયોગ છે. જે વર્ષનો સૌથી શુભ દિવસ બનાવી રહ્યો છે. વાહન, મિલકત, સોનું વગેરે ખરીદવા માટે નવરાત્રિનો પાંચમો દિવસ એટલે કે 19મી ઓક્ટોબરનો સ્કંદ માતાનો દિવસ અત્યંત શુભ હોવાનું માનવામાં આવી રહ્યો છે, તેથી જો તમે આ દિવસે કોઈ વસ્તુ ખરીદો છો, તો તે દેવી દુર્ગાના આશીર્વાદથી શુભ રહેશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button