સ્પેશિયલ ફિચર્સ

સિંગાપોર જનારા પ્રવાસીઓ માટે મહત્ત્વના સમાચાર, હવે એરપોર્ટ પર જ…

જો તમે ફરવા કે નોકરી માટે સિંગાપોર જવા વિચારી રહ્યા હોવ તો પહેલાં આ સમાચાર વાંચી લો, કારણ કે આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વના છે. 2026માં સિંગાપોર સરકારે તેના ઇમિગ્રેશન નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. હવે ભારતીય મુસાફરોએ ફ્લાઇટ પકડતા પહેલા જ વધુ સાવધ રહેવું પડશે, કારણ કે સિંગાપોરની ઇમિગ્રેશન એન્ડ ચેકપોઇન્ટ્સ ઓથોરિટી (ICA) એ નવો ‘નો બોર્ડિંગ રૂલ’ (No-Boarding Rule) લાગુ કરી દીધો છે.

સિંગાપોર સરકારે પોતાની બોર્ડર્સની સિક્યોરિટી વધારવા અને ઈમિગ્રેશન પ્રક્રિયાને વધુ ઝડપી બનાવવા માટે 30મી જાન્યુઆરી 2026થી ‘નો-બોર્ડિંગ ડાયરેક્ટિવ’ અમલમાં મૂક્યો છે. આ નવા નિયમની સિંગાપોર જનારા પર્યટકો પર, ભારતીયો પર શું અસર જોવા મળશે, એની આપણે અહીં વાત કરીશું.

અત્યાર સુધી સિંગાપોર પહોંચ્યા પછી એરપોર્ટ પર ઇમિગ્રેશન તપાસ થતી હતી. પરંતુ હવે ચાંગી (Changi) અને સેલેટાર (Seletar) એરપોર્ટ પર આવતી તમામ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ માટે ‘પ્રી-ડિપાર્ચર તપાસ’ ફરજિયાત કરવામાં આવી છે. આનો અર્થ એવો થયો કે તમે ભારતથી ફ્લાઇટમાં બેસો તે પહેલા જ તમારી પાત્રતાની તપાસ કરી લેવામાં આવશે.

Changi Airport Group

એરલાઈન્સ દ્વારા પૂરી પાડવામાં આવેલી મુસાફરોની વિગતો અને તમારા એસજી અરાઈવલ કાર્ડ (SG Arrival Card)ની માહિતી સિંગાપોર ઇમિગ્રેશન સિસ્ટમમાં ચેક કરવામાં આવશે. જો સિસ્ટમને લાગશે કે કોઈ મુસાફર વૈદ્ય નથી કે પછી તેના પર પ્રતિબંધ છે, તો તે તરત જ એરલાઈનને ‘નો બોર્ડિંગ’ મેસેજ મોકલશે. આવા કિસ્સામાં એરલાઈન જે તે પ્રવાસીને ફ્લાઈટમાં બેસવા દેશે નહીં.

વાત કરીએ કેવા પર્યટકોને બોર્ડિંગથી વંચિત રાખવામાં આવે છે એની તો જેમની પાસે માન્ય (Valid) સિંગાપોર વિઝા નથી એવા લોકો કે પછી જેમના પાસપોર્ટની વેલિડિટી છ મહિનાથી ઓછી હોય એવા લોકોને બોર્ડિંગથી વંચિત રાખવામાં આવે છે. આ સિવાય જેમણે એસજી અરાઈવલ કાર્ડ સબમિટ નથી કર્યું અથવા ખોટી માહિતી આપી છે. જેમના પર ઇમિગ્રેશન અથવા સુરક્ષા સંબંધિત અગાઉના નેગેટિવ રેકોર્ડ્સ છે.

જો કોઈ એરલાઈન આવા અયોગ્ય મુસાફરોને સિંગાપોર લાવે છે, તો સિંગાપોર સરકાર તે એરલાઈન પર 10,000 સિંગાપોર ડોલર સુધીનો દંડ લગાવી શકે છે. આ જ કારણ છે કે હવે એરલાઈન્સ ચેક-ઇન કાઉન્ટર પર જ પ્રવાસીઓના ડોક્યુમેન્ટસની ખૂબ જ કડકાઈથી તપાસ કરવામાં આવે છે. બોર્ડિંગનો ઇનકાર કરવાનો અર્થ એ નથી કે તમે ક્યારેય સિંગાપોર જઈ શકશો નહીં. તમે આઈસીએના ફીડબેક ચેનલ દ્વારા સંપર્ક કરી શકો છો અને તમારી એન્ટ્રી માટે ક્લિયરન્સ માંગી શકો છો.

આ પણ વાંચો…સિંગાપોર – પરંપરા ને આધુનિકતાનો સમન્વય

ધ્યાનમાં લેવા જેવી બાબતો-

  1. મુસાફરીના ઓછામાં ઓછા ૩ દિવસ પહેલા SG અરાઈવલ કાર્ડ ચોકસાઈથી ભરો.
  2. ખાતરી કરો કે તમારો પાસપોર્ટ ૬ મહિનાથી વધુ સમય માટે માન્ય છે.
  3. તમારા વિઝાની નકલ અને હોટલ બુકિંગની વિગતો સાથે રાખો.

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિ તેમ જ વિવિધ સ્પેશિયલ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button