પૂર્વજોના શ્રાદ્ધ અથવા પિંડદાન માટે ગુજરાતના પવિત્ર સ્થળોએ જઈ શકો, જાણી લો?

હિન્દુ ધર્મમાં પૂર્વજોની આત્માને શાંતિ અને મોક્ષ અપાવવા માટે પિંડ દાન એક પવિત્ર અને શુભ કાર્ય ગણાય છે. આ વર્ષે પિતૃ પક્ષ 7 સપ્ટેમ્બરથી શરૂ થઈ ચૂક્યા છે જ્યારે આગામી 21 સપ્ટેમ્બરના પૂર્ણ થવાના છે. આ સમય દરમિયાન લાખો શ્રદ્ધાળુઓ પોતાના પૂર્વજોના શ્રાદ્ધ માટે ધાર્મિક સ્થળોની મુલાકાત લે છે. ગુજરાતમાં પણ એવા અનેક પવિત્ર તીર્થસ્થળો છે, જ્યાં પિંડ દાન કરવાથી પૂર્વજોને તૃપ્તિ મળે છે અને પરિવાર પર આશીર્વાદ વરસે છે. આ સ્થળોની યાત્રા ભક્તોને આધ્યાત્મિક શાંતિ અને પુણ્યનો અનુભવ કરાવે છે.
ગુજરાતના પવિત્ર શ્રાદ્ધ સ્થળો
ગુજરાતમાં અનેક એવા ધાર્મિક સ્થળો છે, જે પિતૃ પક્ષ દરમિયાન પિંડ દાન અને શ્રાદ્ધ માટે પ્રસિદ્ધ છે. જેમાં સિદ્ધપુર, નારાયણ સરોવર, પ્રભાસ પાટણ, શૂલપાણેશ્વર અને ચાણોદ જેવા સ્થળો ખાસ મહત્વ ધરાવે છે. આ સ્થળો પર શ્રદ્ધાળુઓ તર્પણ, પિંડ દાન અને શ્રાદ્ધની વિધિઓ કરે છે, જેનાથી પૂર્વજોની આત્માને શાંતિ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. ગુજરાતનાં આ તીર્થસ્થળો ધાર્મિક દૃષ્ટિએ જેટલાં મહત્વનાં છે, તેટલાં જ પૌરાણિક અને ઐતિહાસિક રીતે પણ વિશેષ છે.
સિદ્ધપુર અને દ્વારકાનું મહત્વ
સિદ્ધપુર, જેને ‘માતૃગયા’ તરીકે ઓળખવામાં આવે છે, તે માતાના શ્રાદ્ધ માટે ખાસ પ્રસિદ્ધ છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર, અહીં શ્રાદ્ધ કરવાથી પૂર્વજોની આત્માને પૂર્ણ તૃપ્તિ મળે છે. બીજી તરફ, ભગવાન કૃષ્ણની નગરી દ્વારકામાં પિંડ દાન કરવું એ પૂર્વજોના મોક્ષ અને પરિવારની સમૃદ્ધિ માટે શુભ ગણાય છે. દ્વારકાના દરિયાકિનારે આવેલા પવિત્ર વાતાવરણમાં શ્રાદ્ધની વિધિઓ કરવાથી ભક્તોને આધ્યાત્મિક શાંતિનો અનુભવ થાય છે. આ બંને સ્થળો પિતૃ પક્ષ દરમિયાન હજારો યાત્રાળુઓને આકર્ષે છે.
નારાયણ સરોવર અને પ્રભાસ પાટણ
કચ્છનું નારાયણ સરોવર ભારતના પાંચ પવિત્ર સરોવરોમાનું એક છે, જ્યાં આદિ નારાયણ અને લક્ષ્મી નારાયણના મંદિરો આવેલા છે. અહીં પિંડ દાન કરવાથી પૂર્વજોની આત્માને તૃપ્તિ અને શાંતિ મળે છે. એ જ રીતે, સોમનાથ જ્યોતિર્લિંગ નજીકનું પ્રભાસ પાટણ પણ એક મહત્વનું તીર્થસ્થળ છે. અહીંના ત્રિવેણી સંગમ પર શ્રાદ્ધ કરવું ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે, કારણ કે એવુ માનવામા આવે છે કે આ સ્થળે ભગવાન શ્રીકૃષ્ણને તીર વાગ્યું હતું. આ બંને સ્થળો પૌરાણિક અને આધ્યાત્મિક રીતે અનન્ય મહત્વ ધરાવે છે.
શૂલપાણેશ્વર અને ચાણોદની પવિત્રતા
નર્મદા નદીના કિનારે આવેલું શૂલપાણેશ્વર તીર્થ શૂલપાણેશ્વર મહાદેવના મંદિર માટે જાણીતું છે, જ્યાં પિતૃ તર્પણ અને શ્રાદ્ધની વિધિઓ ખૂબ જ શુભ ગણાય છે. તેવી જ રીતે, ચાણોદ નર્મદા, ઓરસંગ અને સરસ્વતી નદીઓના સંગમ પર આવેલું છે, જેને ‘દક્ષિણી પ્રયાગ’ અને ‘ગુજરાતનું કાશી’ તરીકે ઓળખવામાં આવે છે. અહીં કપિલેશ્વર મહાદેવ અને શેષાસીનારાયણ મંદિરો આવેલા છે, જે શ્રાદ્ધ અને અંતિમ સંસ્કાર માટે પ્રખ્યાત છે. આ સ્થળો પર પિતૃ પક્ષ દરમિયાન હજારો શ્રદ્ધાળુઓ ભેગા થાય છે, જે આધ્યાત્મિક શાંતિ અને પૂર્વજોના આશીર્વાદની અનુભૂતિ કરાવે છે.