શરદ જોશી સ્પીકિંગ : સાહેબ અમેરિકા ગયા ને આવ્યા…

સંજય છેલ
હમણાં આપણા વડા પ્રધાન અમેરિકા ગયા ને પાછા પણ આવી ગયા….પછી ભગવાન જાણે એ રશિયા, ફ્રાન્સ, જાપાન, બીજે ક્યાં ક્યાં જશે ને ફરીને પાછા આવશે. ચલો, સારું થયું, સાહેબ અમેરિકા જઇ આવ્યા. ભારતીય લોકશાહીની એક જરૂરી ધાર્મિક વિધિ જાણે પરિપૂર્ણ થઈ. આપણા દેશમાં એવી પરંપરા છે કે જે કોઈ વડા પ્રધાન તરીકે ચૂંટાય એટલે એકવાર તો એમણે મોઢું દેખાડવા અમેરિકા કે રશિયા જઈ જવું જ જોઇએ.ટૂંકમાં દરેક વડા પ્રધાને ફરજિયાત રીતે જવું જ પડે છે એટલે એ પણ જઈ આવ્યા અને એમણે કહ્યું : ‘સાહેબ, હું ભારતનો વડા પ્રધાન છું. હું શાંતિ ઈચ્છું છું અને અમારો દેશ પણ શાંતિ ઈચ્છે છે. જો તમે સહકાર આપશો તો આપણે જ્યાં છીએ ત્યાંથી આગળ વધીશું. આમ તો અમે આગળ વધી જ રહ્યા છીએ પણ તમારી મદદ અને સાથ સહકાર મળશે તો શું છે કે વધારે મજા આવશે.’ વગેરે વગેરે અમેરિકના રાષ્ટ્રપતિ વડા પ્રધાનની પીઠ થપ થપાવીને કહે છે:
‘જેન્ટલમેન, તમને મળીને આનંદ થયો. તમારી પહેલા જે વડા પ્રધાન આવ્યા હતા એ પણ શાંતિ ઇચ્છતા હતા. એ પણ અમારો સહકાર માગી રહ્યા હતા. એ પણ સારા વડા પ્રધાન હતા, પણ તમે જરા વધારે સારા છો. અમે અત્યાર સુધી પાકિસ્તાનને મોટા બોમ્બ આપતા હતા અને શું છે કે એ દેશ અમારો જૂનો મિત્ર છે, પણ ચલો તમે શાંતિ ઈચ્છો છો તો હવે આ વરસે અમે મોટા બોમ્બને બદલે ૨૦૦ નાના બોમ્બ આપીશું. અને હા, ચિંતા કરશો નહીં. એમને અમે કહી દઈશું કે તમારા દેશ પર બોમ્બમારો ન કરે, કારણ કે તમે શાંતિ તો ઇચ્છો છો!’
આવા અમુક ગંભીર મુદ્દા પર ચર્ચા કર્યા પછી કેમેરા સામે હસવાની પ્રક્રિયા ચાલુ થાય છે. બંને દેશના વડા પ્રધાન એકબીજાને જોઈને હસે છે, પછી બંને એકસાથે કોઈ ત્રીજાની સામે જોઈને હસે છે. આ પણ જાણે કોઇ ધાર્મિક વિધિનો એક જરૂરી હિસ્સો છે. એમ કહી શકાય કે બેઉ વચ્ચે વાતચીત ખૂબ જ સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં થઈ હતી અને ખૂબ ઉપયોગી રહી.
ભારતના વડા પ્રધાનને મળ્યા બાદ અમેરિકાનો ભારતમાં રાતોરાત રસ વધવા માંડે છે એટલે કે અમેરિકા, પાકિસ્તાનના સૈન્યને સહાયતામાં વધારો કરે છે અને ભારતમાં સી.આઈ.એ.ના જાસૂસોનો વધારો કરે છે. ભારત પ્રત્યે ઊંડો રસ દેખાડવાની આ એમની પહેલેથી જ આગવી સ્ટાઇલ છે.
અહીં દિલ્હી એરપોર્ટ પર કેટલાક લાચાર મુખ્ય મંત્રી, પોતાની ઈજ્જતનો કચરો કરવાવાળા કેટલાક ગવર્નરો, આજ્ઞાંકિત કેન્દ્રીય મંત્રીઓ અને પક્ષના નિષ્ક્રિય નેતાઓ રાહ જોઈને જ ઊભા હોય છે કે જેવા વડા પ્રધાનજી વિદેશથી પાછા ફરે ત્યારે અમે સાહેબને ‘સલામ-નમસ્તે’ કરીએ. જ્યારે વડા પ્રધાન વિદેશ જઈ રહ્યા હતા ત્યારે બરોબર આ જ લોકો સાહેબને વિદાય આપવા આવ્યા હતા. ત્યારથી એ લોકો દિલ્હી એરપોર્ટ પર અડ્ડો જમાવીને જ બેઠા છે. ભારતીય લોકશાહીની એક જરૂરિયાત એ પણ છે કે આ લોકોનું સન્માન મેળવ્યા વિના આપણા વડા પ્રધાન ના તો વિદેશ જઈ શકે અને ના તો પાછા ફરી શકે.
જૂના જમાનામાં જ્યારે વડા પ્રધાન વિદેશ જતા ત્યારે આપણાં દેશના મંત્રીઓને એમની ગેરહાજરીમાં પત્તા રમવા અને ગોસિપ કરવા માટે થોડો સમય મળતો હતો, પણ હવે તો સેટેલાઇટ ટી.વી. વગેરે આવી ગયા છે એટલે મંત્રીઓએ બેસીને વડા પ્રધાનના વિદેશ પ્રવાસના સમાચારો ધ્યાનથી જુએ છે. ખબર નહીં કેમ, પણ મંત્રીઓને ડર લાગતો હોય છે કે, જો રખે ને ભૂલથી હું કોઈ સમાચાર જોવાના ચૂકી જઈશ તો આવનારી ચૂંટણીમાં મને ટિકિટ નહીં મળે તો? વડા પ્રધાનજી અમેરિકા જોઈને હસી રહ્યા છે અને આ લોકો ટી.વી.માં જોઈને હસતા હોય છે.
હવે આખા દેશના નેતાઓ અને મંત્રીઓ વડા પ્રધાનના બંગલે પહોંચશે અને ચિકણા-ચુપડા શબ્દોમાં કહેશે : ‘સાહેબ, તમારી વિદેશ યાત્રા ખૂબ જ સફળ અને પ્રભાવશાળી રહી, હોં. ભારે કરી તમે. હવે બસ તમે એકવાર ચીન પણ જઈ જ આવો. હા…હા…હા…’
મૂર્ખ નેતાઓ અને ચમચાઓની આવી વાતો સાંભળીને વડા પ્રધાન મનમાં મલકાશે. ભારતીય લોકશાહીની એક ધતિંગવાળી ધાર્મિક વિધિ આ પણ છે!