સ્પેશિયલ ફિચર્સ

મેંદુવડામાં કાણું કેમ હોય છે? તેની પાછળનું ખાસ વૈજ્ઞાનિક કારણ જાણીને તમે પણ ચોંકી જશો

દક્ષિણ ભારતીય વાનગીઓ આજે માત્ર ભારતના દક્ષિણ ભાગ પૂરતી મર્યાદિત નથી રહી, પરંતુ તે સમગ્ર ભારતના લોકોના રસોડા અને પ્લેટ સુધી પહોંચી ગઈ છે. ઉત્તર ભારત હોય કે પશ્ચિમ ભારત, આજે દરેક ખૂણે ઈડલી-સંભાર, ઢોસા અને મેંદુવડાની લારીઓ કે ફૂડ આઉટલેટ ખૂબ જ સરળતાથી જોવા મળી જાય છે.

જોકે, આ બધી સાઉથ ઈન્ડિયન ડિશમાં મેંદુવડા એક એવી લોકપ્રિય આઈટમ છે જે લોકો નાસ્તામાં સૌથી વધુ પસંદ કરવામાં આવે છે. બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી રૂ જેવું નરમ આ મેદુ વડું જોવામાં પણ આકર્ષક લાગે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે મેંદુવડાની વચ્ચે કાણું કે છિદ્ર કેમ હોય છે? આની પાછળ માત્ર ડેકોરેશન જ નહીં, પણ વિજ્ઞાન અને કારણ પણ જવાબદાર છે. ચાલો જાણીએ શું છે આ પાછળનું કારણ-

સરખું રાંધવા માટે

મેંદુવડા બનાવતી વખતે અડદની દાળનું ખીરું ઉપયોગમાં લેવામાં આવે છે, જે ખૂબ જ ઘટ્ટ હોય છે. જો વડાની વચ્ચે કાણું ન કરવામાં આવે અને તેને આખું તળવામાં આવે, તો તેનો બહારનો ભાગ તો ચઢી જશે પણ અંદરનો ભાગ કાચો રહી જવાની શક્યતા વધી જાય છે. વચ્ચે કાણું હોવાથી તેલ અંદર સુધી પહોંચે છે અને વડું બધી બાજુથી એક સરખું કૂક થઈ જાય છે.

ક્રિસ્પી અને નરમ ટેક્સચર માટે

વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણની વાત કરીએ તો જોઈએ તો, વચ્ચે કાણું હોવાથી વડાનો સરફેસ એરિયા વધી જાય છે એટલે કે વડાનો વધુ હિસ્સો ગરમ તેલના સંપર્કમાં આવે છે. આનાથી વડું બહારથી ક્રિસ્પી બને છે અને અંદરથી તે સોફ્ટ રહે છે, જેને કારણે મેંદુવડા એકદમ સ્વાદિષ્ટ લાગે છે.

તેલ ઓછું ઓબ્ઝર્વ કરે છે

જો વડું વચ્ચેથી આખું હોય (કાણા વગરનું), તો તેને અંદર સુધી પકવવા માટે લાંબો સમય તેલમાં રાખવું પડે. આના કારણે વડું વધારે તેલ સોષી લે છે, જે સ્વાસ્થ્ય માટે નુકસાનકારક હોઈ શકે છે. વચ્ચે છેદ હોવાથી તે ઝડપથી ચઢી જાય છે અને ઓછું તેલ સોષે છે.

ફાટતા અટકાવવા માટે

ખીરું ઘટ્ટ હોવાથી અને તેમાં ભેજ હોવાથી, તળતી વખતે અંદર વરાળ પેદા થાય છે. જો વડું વચ્ચેથી બંધ હોય, તો અંદરની વરાળ તેને ફાડી શકે છે. વચ્ચેનું કાણું એ વરાળને બહાર નીકળવા માટે રસ્તો આપે છે, જેથી વડું તળતી વખતે ફાટતું નથી અને તેનો આકાર જળવાઈ રહે છે.

પરંપરાગત અને વ્યવહારુ કારણ

જૂના જમાનામાં મેંદુવડાના આવા આકાર પાછળ એક વ્યવહારુ કારણ બીજું પણ હતું. એ સમયે લોકો મુસાફરી દરમિયાન ઘણા બધા વડાને એક દોરી કે રસીમાં પરોવીને સાથે લઈ જતા હતા. આ રીતે વડાને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા ખૂબ જ સરળ પડતા હતા. આ વ્યવહારુ જરૂરિયાત ધીમે ધીમે એક પરંપરા બની ગઈ.

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિ તેમ જ વિવિધ સ્પેશિયલ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button