બોલો, શ્વાન ચાઉં કરી ગયો ત્રણ લાખ રૂપિયા, સોશિયલ મીડિયા પર વીડિયો થયો વાઈરલ…
આપણે ઘણી વખત નજર હટી દુર્ઘટના ઘટી વાક્ય સાંભળ્યું પણ હશે અને બોલ્યા પણ હોઈશું. પરંતુ જ્યારે નજર હટી અને એ દુર્ઘટના આપણને લાખો રૂપિયામાં પડવાની હોય તો? ચાલો વધારે સસ્પેન્સ ક્રિયેટ કર્યા વિના તમને જણાવીએ એક એવી ઘટના વિશે કે જેમાં એક પાળેલા શ્વાન ત્રણ લાખ રૂપિયા ખાઈ ગયો હતો.
આ વાંચવામાં વિચિત્ર લાગતી ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર હાલમાં ધૂમ વાઈરલ થઈ રહ્યો છે. માલિકને તો આ વાતની જાણ સુધ્ધા નહોતી, પણ જ્યારે પાળેલા શ્વાનની તબિયત અચાનક બગડી ત્યારે તેમને આ વાતની જાણ થઈ હતી અને આખી ઘટના પ્રકાશમાં આવી હતી. આવો જોઈએ શું છે આખી ઘટના…
ઘટના અમેરિકાના પેનસિલ્વ્હેનિયાની છે. સ્થાનિક અખબારોમાં પ્રકાશિત અહેવાલ અનુસાર એક પાળેલો શ્વાન માલિકના 4000 ડોલર એટલે કે આશરે 3.32 લાખ રૂપિયા ચાઉં કરી ગયો હતો. કેરી લો નામની 33 વર્ષીય મહિસાએ જણાવ્યું હતું કે તેમનો પાળેલો શ્વાન સેસિલે કિચનના કાઉન્ટર પર મૂકેલું પૈસાનું કવર જોયું અને તેણે એને નીચે પાડીને એમાંથી પડેલા પૈસા ખાવાનું શરૂ કરી દીધું હતું. શ્વાનના આ પરાક્રમ વખતે કપલ પોતાના કામમાં વ્યસ્ત હતું.
અચાનક જ કેરીના પતિ ક્લેટનની નજર તેમના પાળેલા શ્વાન પણ ગઈ હતી અને તેમણે તેને પૈસા ખાતો જોયો હતો. હવે તમને થશે તે આ પથી કપલે શું કર્યું હશે, બરાબર ને? તો તમારી જાણ માટે કપલે શ્વાને ખાધેલી ફાટેલી નોટ એકઠી કરવાનું શરૂ કર્યું હતું, જેથી આ નોટ બેંકમાં જમા કરાવીને તેમને બદલીમાં બીજી નોટો મળી શકે છે. આ નોટો કપલે કઈ રીતે એકઠી કરી છે એનો વીડિયો પણ કપલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે.
શ્વાનના મળમાંથી કપલે પૈસાની નોટોના અવશેષો એકઠા કરવાનું શરૂ કર્યું હતું અને આ રીતે કરીને કપલે આશરે અઢી લાખ રૂપિયા તો રિકવર કરી લીધા છે અને તેમને આશરે 450 ડોલર એટલે કે 37,400 રૂપિયાનું નુકસાન ઉઠાવવાનો વારો આવ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો તૂફાન વાઈરલ થઈ રહ્યો છે અને લોકો આ વીડિયો પર મજેદાર પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે.