આવતીકાલે અજા એકાદશીઃ જાણો નિયમો, શું કરવુ અને શું નહીં | મુંબઈ સમાચાર
સ્પેશિયલ ફિચર્સ

આવતીકાલે અજા એકાદશીઃ જાણો નિયમો, શું કરવુ અને શું નહીં

શ્રાવણ મહિનાને પૂર્ણ થવાને ગણતરીના દિવસો બાકી છે. ત્યારે શ્રાવણ મહિનાની કૃષ્ણ પક્ષની એકાદશી 19 ઓગસ્ટના ઉજવવામાં આવી રહી છે. આ તિથીને અજા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુની વિધિ-વિધાનથી પૂજા કરવી અને વ્રત રાખવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ વ્રતથી જીવનના તમામ દુઃખો દૂર થાય છે અને અપાર પુણ્યની પ્રાપ્તિ થાય છે. જોકે, આ વ્રતના કેટલાક ખાસ નિયમોનું પાલન કરવું જરૂરી છે, જેથી તેનું શુકનવંતુ ફળ પ્રાપ્ત થઈ શકે.

અજા એકાદશીનું વ્રત અને તિથિ

આ વર્ષે અજા એકાદશીનું વ્રત 19 ઓગસ્ટ એટલે કે આવતી કાલે મંગળવારે રાખવામાં આવશે. આ વ્રતના નિયમો દશમી તિથિથી જ શરૂ થઈ જાય છે. આ તિથિ શરૂ થતાની સાથે એટલે કે દશમીના દિવસથી જ તામસિક ભોજનનો ત્યાગ કરીને સાત્વિક આહાર લેવો જોઈએ. આ દિવસે બ્રહ્મચર્યનું પાલન કરવું પણ જરૂરી માનવામાં આવે છે. જે લોકો વ્રત નથી રાખતા, તેમણે પણ એકાદશીના દિવસે ડુંગળી, લસણ જેવી તામસિક વસ્તુઓથી દૂર રહેવું જોઈએ.

વ્રતના નિયમો અને પૂજા વિધિ

અજા એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરી, સ્વચ્છ વસ્ત્રો ધારણ કરવા જોઈએ. ત્યારબાદ ભગવાન વિષ્ણુની વિધિ-વિધાનથી પૂજા અને આરતી કરવી જોઈએ. આ દિવસે વ્રતનો સંકલ્પ લેવો અને અજા એકાદશીની વ્રત કથાનું પાઠન કરવુ શુભ માનવામાં આવે છે. રાત્રે સૂવાને બદલે ભગવાન વિષ્ણુના ભજનો ગાવા અથવા તેમના મંત્રોનો જાપ કરવો જોઈએ. આવુ કરવાથી ભગવાનની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે અને જીવનમાં આવતી સમસ્યાનો સામાધાન થઈ શકે છે.

શું ન કરવું જોઈએ?

અજા એકાદશીના દિવસે ગુસ્સો કરવો, જૂઠું બોલવું, ઝઘડો કરવો કે કોઈની નિંદા કરવી જેવા કાર્યોથી બચવું જોઈએ, કારણ કે આનાથી શુભ ફળની જગ્યાએ અશુભ ફળ મળી શકે છે. આ ઉપરાંત, દિવસ દરમિયાન સૂવું પણ નિષેધ માનવામાં આવે છે. એકાદશીના દિવસે ચોખાનું સેવન કરવું પણ વર્જિત છે, કારણ કે એવું માનવામાં આવે છે કે ચોખા ખાવાથી અશુભ ફળની પ્રાપ્તિ થાય છે.

એકાદશીના વ્રત બાદ દ્વાદશી તિથિએ વ્રતનું પારણું કરવામાં આવે છે. દ્વાદશીના દિવસે સવારે વહેલા ઉઠી, સ્નાન કરી, સ્વચ્છ વસ્ત્રો પહેરી ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ. ત્યારબાદ તુલસીના પાનનું સેવન કરીને વ્રતનું પારણું કરવું. એકાદશીના દિવસે તુલસીના પાન તોડવા નિષેધ છે, પરંતુ દ્વાદશીના દિવસે પણ વ્રતીએ તુલસીના પાન ન તોડવા જોઈએ. આ માટે ઘરના અન્ય સભ્યો, જેમણે વ્રત ન કર્યું હોય, તેમની મદદથી તુલસીના પાન તોડી શકાય છે.

આ પણ વાંચો…શનિદેવને પ્રસન્ન કરવાના સરળ ઉપાય: જીવનમાં અપનાવો આ આદતો, દૂર થશે શનિ દોષ

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button