‘આધાર’ વેરિફાય થયું હશે તો જ રેલવેમાં રિઝર્વેશન, જાણો ક્યારથી નવો નિયમ અમલી બનશે

નવી દિલ્હી: રેલવે ટિકિટનાં બુકિંગમાં થતા દુરુપયોગને રોકવા રેલવેએ મોટું પગલું લીધું છે. આવતા મહિનાથી ઑનલાઈન ટિકિટ બુકિંગ સિસ્ટમમાં મોટાપાયે ફેરફાર કરવામાં આવશે.
પહેલી ઑક્ટોબરથી રિઝર્વેશન ખૂલ્યા બાદ પહેલી ૧૫ મિનિટ માત્ર એ લોકો જ ટિકિટ બુક કરી શકશે જેમનાં આધાર કાર્ડનું વેરિફિકેશન થઈ ગયેલું છે. આ નવો નિયમ આઈઆરસીટીસીની વૅબસાઈટ અને મોબાઈલ ઍપ એમ બંને પર લાગુ પડશે.
ભારતીય રેલવેનો ઈરાદો ટિકિટ રિઝર્વેશન સિસ્ટમના દુરુપયોગને રોકવાનો અને અસલી યાત્રીઓને પ્રાથમિકતા આપવાનો છે. વર્તમાનમાં આ પ્રતિબંધ માત્ર તત્કાલ બુકિંગ માટે જ છે.
જોકે બુકિંગ કાઉન્ટર પરથી મળતી ટિકિટના નિયમમાં કોઈ ફેરફાર કરવામાં નથી આવ્યો. નવો નિયમ માત્ર ઑનલાઈન ટિકિટિ બુકિંગને જ લાગુ પડશે એવી સ્પષ્ટતા રેલવે અધિકારીઓએ કરી હતી. સત્તાવાર ટિકિટ એજન્ટો માટે અગાઉથી અમલી ૧૦ મિનિટની પાબંદી ચાલુ રહેશે.
રેલવે તંત્રનું માનવું છે કે આ નિર્ણયને કારણે ટિકિટ બુકિંગ પ્રક્રિયામાં પારદર્શિતા આવશે અને દલાલો તેમ જ એજન્ટો દ્વારા ટિકિટ બ્લૉક કરવામાં આવતી હોવા પર અંકુશ આવશે અને પ્રવાસીઓને પ્રારંભિક સમયમાં ટિકિટ બુક કરવાની વધુ સારી તક મળશે.
આ પણ વાંચો…રેલવે દ્વારા ત્રણ ‘પૂજા સ્પેશિયલ’ ટ્રેનોની જાહેરાત, જાણો કયા રૂટ પર અને ક્યારે દોડશે