શ્રાવણની અમાસ પર આ કરવાથી પૂર્વજો થશે પ્રસન્ન, જાણો સ્નાન અને દાનનો શુભ સમય

હિન્દુ ધર્મમાં શ્રાવણ મહિનાની અમાસનું વિશેષ મહત્વ હોય છે, કારણ કે આ દિવસે પિતૃઓની પૂજા અને તર્પણ કરવામાં આવે છે. ભારતભરમાં આ અમાસને ભાદરવા મહિનાની અમાસને કુશગ્રહણી અથવા પીઠોરી અમાસ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે ગુજરાતમાં શ્રાવણ મહિનાની અમાસ તરીકે ઓળખવામાં આવે છે. આ વર્ષે શ્રાવણની અમાસ 23 ઓગસ્ટ, શનિવારે આવે છે, જેના કારણે તેને શનિ અમાસ પણ કહેવાય છે. આ દિવસે પિતૃ તર્પણ, શ્રાદ્ધ અને દાન-પુણ્યની પરંપરા નિભાવવામાં આવે છે, જે ધાર્મિક અને આધ્યાત્મિક રીતે શુભ માનવામાં આવે છે.
શ્રાવણ અમાસની તિથિ અને મુહૂર્ત
પંચાંગ અનુસાર, શ્રાવણ માસની અમાસ 22 ઓગસ્ટ, શુક્રવારે સવારે 11:55 વાગ્યે શરૂ થશે અને 23 ઓગસ્ટ, શનિવારે સવારે 11:35 વાગ્યે સમાપ્ત થશે. ઉદયા તિથિના આધારે આ અમાસ 23 ઓગસ્ટે ઉજવાશે. આ દિવસે સ્નાન-દાનનું મુહૂર્ત સવારે 4:26થી 5:10 સુધી રહેશે. આ સમય દરમિયાન શ્રદ્ધાળુઓ પવિત્ર સ્નાન, દાન અને પૂજા કરીને પિતૃઓનું સ્મરણ કરે છે.
શનિ અમાસની પૂજન વિધિ
આ દિવસે શ્રદ્ધાળુઓએ પવિત્ર નદી, તળાવ કે કુંડમાં સ્નાન કરવું જોઈએ અને સૂર્યદેવને અર્ઘ્ય અર્પણ કરવું જોઈએ. ગાયત્રી મંત્રનો જાપ કરવો શુભ છે. ત્યારબાદ ભગવાન શિવની પૂજા કરી, પિતૃઓનું તર્પણ કરવું અને તેમના મોક્ષ માટે પ્રાર્થના કરવી. પૂજા પછી ગરીબોને ભોજન અને વસ્ત્રોનું દાન કરવું. આ દિવસે દેવી લક્ષ્મીની પૂજા પણ શુભ માનવામાં આવે છે. સુહાગન સ્ત્રીઓ પીપળની પૂજા કરે છે, જ્યારે શિવ પૂજનથી નબળા ચંદ્રની શક્તિ વધે છે.
શનિ અમાસે કેટલાક ખાસ ઉપાયો ફળદાયી બની શકે છે. શિવજીને ખીર અર્પણ કરો અને થોડી ખીર પિતૃઓના નામે કાઢો. શિવજીને અર્પેલી ખીર ગરીબોમાં વહેંચો, જ્યારે પિતૃઓની ખીર કોઈ પશુને ખવડાવો. સફેદ ચંદનની લાકડી વાદળી દોરામાં બાંધીને ધારણ કરો. પારિવારિક સમસ્યાઓ માટે નારંગી વસ્ત્ર પહેરીને શિવ અને પાર્વતીની સંયુક્ત પૂજા કરો, “ઓમ ગૌરીશંકરાય નમઃ” મંત્રનો જાપ કરો અને સાત્વિક ભોજનનું દાન કરો.
આ પણ વાંચો…શ્રાવણ માસની અમાસ સાથે શનિવારનો શુભ યોગ, જાણો શું કરવુ જોઈએ?