ગીતા જયંતિ: જીવનમાં સુખ શાંતિ માટે આજના દિવસે આટલું અચૂક કરો!

માગશર મહિનાના શુક્લ પક્ષની એકાદશીના દિવસે ભગવાન શ્રીકૃષ્ણએ કુરુક્ષેત્રના રણમેદાનમાં અર્જુનને ગીતાનું અમર જ્ઞાન આપ્યું હતું. આ પવિત્ર તિથિને દર વર્ષે ગીતા જયંતિ તરીકે ઉજવવામાં આવે છે. ગીતા માત્ર એક ધાર્મિક ગ્રંથ નથી, પરંતુ તે સંપૂર્ણ માનવજાત માટે જીવનના માર્ગદર્શનનો સ્ત્રોત છે. તેના ઉપદેશો આજે પણ એટલા જ દિવ્ય અને પ્રાસંગિક છે જેટલા તે પ્રાચીન કાળમાં હતા, જેના કારણે તેનું મહત્વ દરેક યુગમાં અકબંધ રહે છે. ગીતા જયંતિ આજે 1 ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવી રહી છે, જેની સાથે જ વર્ષના અંતિમ મહિનાની શરૂઆત થશે. માન્યતા છે કે આ દિવસે ગીતાનું વાંચન કરવાથી મોક્ષ, શાંતિ મળે છે અને જીવનની વિવિધ સમસ્યાઓનું નિરાકરણ આવે છે.
ગીતા જયંતિની પૂજા અને વિધિ
ગીતા જયંતિના દિવસે ભગવાન કૃષ્ણની કૃપા મેળવવા માટે શાસ્ત્રોક્ત વિધિ મુજબ પૂજા કરવી જોઈએ. પૂજાની શરૂઆતમાં એક ચોકી પર પીળું વસ્ત્ર પાથરીને તેના પર ભગવાન શ્રીકૃષ્ણની મૂર્તિ સ્થાપિત કરો. ગીતાના નવા પુસ્તકને લાલ કે પીળા વસ્ત્રમાં વીંટાળીને ત્યાં રાખો. ત્યાર બાદ ભગવાન શ્રીકૃષ્ણને પંચામૃત, ફળ અને મીઠાઈનો ભોગ ધરાવો અને તેમના મંત્રોનો જાપ કરો. આ દિવસે ગીતાના સંપૂર્ણ પાઠ અથવા તેના અગિયારમા અધ્યાયનો પાઠ કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. છેલ્લે, સૌપ્રથમ ગીતાજીની અને ત્યારબાદ ભગવાન શ્રીકૃષ્ણની આરતી ઉતારીને તમારી મનોકામનાઓ પૂર્ણ કરવા માટે પ્રાર્થના કરો.
સુખ-સમૃદ્ધિ માટે ગીતા જયંતિ પર આ ઉપાયો કરો
ગીતા જયંતિના દિવસે અમુક વિશેષ ઉપાય કરવાથી વ્યક્તિના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે:
પંચામૃતનો ભોગ: જો આ દિવસે તમે શ્રદ્ધાપૂર્વક ભગવાન કૃષ્ણ પાસે તમારી મનોકામના રાખો છો, તો તે ચોક્કસપણે સ્વીકારવામાં આવે છે. આ દિવસે ભગવાનને પંચામૃતનો ભોગ અવશ્ય લગાવો, તેનાથી ઘરમાં ખુશહાલી જળવાઈ રહે છે.
શંખની પૂજા અને નાદ: શાસ્ત્રોમાં શંખને શ્રી હરિ વિષ્ણુને અત્યંત પ્રિય ગણવામાં આવ્યો છે અને તેને માતા લક્ષ્મીના ભાઈ તરીકે પણ પૂજવામાં આવે છે. ગીતા જયંતિ પર શંખની પૂજા કરવાથી અને શંખનાદ કરવાથી નકારાત્મક શક્તિઓ દૂર થાય છે અને તમારી આર્થિક સ્થિતિમાં પણ સુધાર આવશે.
મોક્ષ અને પાપમુક્તિ માટે કરો આ દાન
ધાર્મિક ગ્રંથો અનુસાર, ગીતા જયંતિના દિવસે ગીતા ગ્રંથનું દાન કરવું અત્યંત શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દાન કરવાથી અજાણતામાં થયેલી ભૂલોનું પ્રાયશ્ચિત થાય છે અને પાપોમાંથી મુક્તિ મળે છે. ગીતાના દાનની સાથે, તમે કોઈ ગરીબ અથવા જરૂરિયાતવાળા વ્યક્તિને અનાજનું દાન પણ કરી શકો છો, જે તમારી મનોકામનાઓ પૂર્ણ કરવામાં મદદરૂપ થશે.
આ પણ વાંચો…..સંસ્કૃત ભાષાને વ્યાપક બનાવવા ગીતા જયંતિએ 34 જિલ્લાઓમાં વિશેષ કાર્યક્રમોનું આયોજન



