નાડાછડી બાંધતી વખતે ત્રણ ગાંઠ કેમ મારવામાં આવે છે? તેને છોડવા માટે પણ છે ખાસ નિયમ

Rules of Nadachhadi(kalva): રક્ષાબંધન પર બંધાતી રાખડી એક પ્રકારની નાડાછડી છે. કારણ કે, નાડાછડીને રક્ષણ, સૌભાગ્ય અને શુભત્વની નિશાની માનવામાં આવે છે. જોકે, નાડાછડીને સામાન્ય રીતે પૂજા, લગ્ન, ઉપનયન સંસ્કાર, ગૃહપ્રવેશ, તહેવાર કે અન્ય ધાર્મિક પ્રસંગો દરમિયાન કાંડા પર બાંધવાની પરંપરા છે. નાડાછડી બાંધતી વખતે ત્રણ ગાંઠ મારવામાં આવે છે. પરંતુ આવું કેમ કરવામાં આવે છે? એ મોટાભાગના લોકો જાણતા નથી. મોટેભાગે આપણે ધાર્મિક પરંપરાઓને ખાસ વિચાર્યા વિના માત્ર ઔપચારિકતા ખાતર અનુસરીએ છીએ અને તેથી જ આપણે તેનું મહત્વ, તે પાછળનું વિજ્ઞાન સમજી શકતા નથી. તો ચાલો આજે આપણે નાડાછડી વિશે આ રસપ્રદ માહિતી મેળવીએ.

નાડાછડી બાંધવાના છે ખાસ નિયમ
હિંદુ સનાતન ધર્મમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશને ત્રણ મુખ્ય દેવ તથા દુર્ગા, લક્ષ્મી અને સરસ્વતીને ત્રણ મુખ્ય દેવી માનવામાં આવે છે. આ ત્રણે દેવી-દેવતા સર્જન, પાલન અને સંહારનું સંતુલન કરે છે. આ સિવાય મન, વચન અને કર્મની શુદ્ધતા જીવનને સંતુલન અને સકારાત્મક બનાવવાનો સંદેશ આપે છે. તેથી આ ત્રણેયના પ્રતિક સ્વરૂપે નાડાછડીમાં ત્રણ ગાંઠ મારવામાં આવે છે. નાડાછડી બાંધવાથી નકારાત્મક ઊર્જા, ખરાબ નજર અને જીવનમાં આવતા અવરોધો દૂર થાય છે, ત્રણ ગાંઠો આ રક્ષાને વધારે મજબૂત બનાવે છે.

ધાર્મિક વિદ્વાનોના જણાવ્યાનુસાર, વિવાહિત મહિલાઓએ ડાબા હાથે, અવિવાહિત છોકરીઓએ જમણા હાથે પર નાડાછડી બંધાવવી જોઈએ. જ્યારે પુરુષએ તેમના જમણા હાથ પર નાડાછડી બંધાવવી જોઈએ. ખાસ કરીને નાડાછડી પૂજારી અથવા ધાર્મિક વિદ્વાનો પાસે મંત્રોચ્ચાર સાથે બંધાવવી જોઈએ.
નાડાછડી ક્યારે છોડવી જોઈએ?
તમે જે હાથમાં નાડાછડી બંધાવી રહ્યા હોવ તે હાથની મુઠ્ઠીમાં એક સિક્કો તથા બીજો હાથ માથા પર રાખવો જોઈએ. નાડાછડી બાંધતી વખતે ‘ઓમ નમ: શિવાય’ અથવા ‘ઓમ શ્રી ગણેશાય નમ:’ મંત્રનો જાપ કરવો જોઈએ.

જે રીતે નાડાછડીને બાંધવાની વિધિ છે, તેવી રીતે તેને છોડવા માટે પણ કેટલીક બાબતોનું ધ્યાન રાખવું પડે છે. ધાર્મિક વિદ્વાનોના મતાનુસાર નાડાછડી મંગળવાર અને શનિવારે જ છોડવી જોઈએ. નાડાછડી છોડ્યા બાદ તેને પીપળાના ઝાડ નીચે રાખી દેવી જોઈએ અથવા વહેતા પાણીમાં તરતી છોડી દેવી જોઈએ.