Ratan Tata Special 3: ‘નોકરની દીકરી’ માટે દિગ્ગજ ઉદ્યોગપતિને કરી હતી મોટી ભલામણ
ભારત સહિત વિશ્વભરમાં જાણીતા ઉદ્યોગપતિ રતન ટાટાનું બુધવારે ૮૬ વર્ષની વયે અવસાન થયું. તેમણે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. રતન ટાટાના નિધન પર સામાન્ય લોકોથી લઈને રાજકારણ, ફિલ્મ અને ઈન્ડસ્ટ્રીમાં શોકની લાગણી છે.
પીએમ મોદી સહિત અનેક હસ્તીઓએ તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. રતન ટાટાના નિધન પર તેમના નજીકના લોકો તેમની સાથે જોડાયેલી ઘણી વાતો કહી રહ્યા છે. આવી જ એક ઘટના હિરાનંદાની ગ્રુપના ચેરમેન નિરંજન હિરાનંદાનીએ જણાવી છે. તેમણે કહ્યું કે એક વખત રતન ટાટાને તેમના નોકરની દીકરી માટે ભલામણ કરી હતી.
હીરાનંદાની ગ્રુપના ચેરમેન નિરંજન હિરાનંદાનીએ રતન ટાટાને યાદ કરતા કહ્યું કે એક વખત રતન ટાટાએ તેમને ફોન કરીને કહ્યું હતું કે તેમને કંઈક કામ છે, જ્યારે હિરાનંદાનીએ કામ વિશે પૂછ્યું તો તેમણે ફોન પર જણાવ્યું નહીં. જ્યારે નિરંજન હિરાનંદાનીએ રતન ટાટાના સેક્રેટરી પાસેથી જાણવા માગ્યું ત્યારે પણ તેઓ જાણી શક્યા નહીં કે શું કામ છે.
આ પણ વાંચો : Ratan Tata Special-1: હવે, ‘હાઈ કેપ્ટન’ સાંભળવા નહીં મળે
થોડા દિવસો પછી નિરંજન હિરાનંદાનીને રતન ટાટા દ્વારા લખાયેલો એક પત્ર મળ્યો, જેમાં તેમણે લખ્યું હતું કે જો તમારા માટે શક્ય હોય અને જો તમે કરી શકો તો મારા નોકરની દીકરીને હિરાનંદાની ગ્રુપની કોલેજમાં એડમિશન અપાવો. હિરાનંદાની આગળ કહે છે કે રતન ટાટા દરેક નાની-નાની વાતનું ધ્યાન રાખતા હતા. જો તેઓ ઈચ્છત તો મને ફોન કરીને સીધા જ કહી શકત, પણ મને મૂઝવણ ન થાય તે માટે તેમણે મને પત્ર લખીને તેની નોકરની દીકરીને અમારી કૉલેજમાં એડમિશન આપવા વિનંતી કરી.
નિરંજન હિરાનંદાનીએ જણાવ્યું કે જ્યારે પણ રતન ટાટા મળતા ત્યારે તેઓ સ્વાસ્થ્ય અને શિક્ષણ વિશે ચર્ચા કરતા હતા. રતન ટાટા એકવાર મારા ઘરે જમવા આવ્યા હતા. તે પછી, હું ઘણી વાર તેમને મળ્યો, ત્યારે તે ભોજનનો ઉલ્લેખ કરતા અને કહેતા કે તમારી પત્નીને કહેજો કે તેણે મને ખુબ સરસ ભોજન ખવડાવ્યું હતું.
નિરંજન હિરાનંદાની અનુસાર રતન ટાટા પહેલા થ્રી બીએચકેના ફ્લેટમાં રહેતા હતા અને બાદમાં તેઓ બંગલામાં રહેવા ગયા હતા. જોકે, આ બંગલો એટલો વૈભવી ન હતો જેટલો ટાટા ગ્રુપના ચેરમેન કે રતન ટાટા જેવા ઉદ્યોગપતિનો હોવો જોઈએ, આ દર્શાવે છે કે તેઓ સાદું જીવન જીવવામાં માનતા હતા.