પ્રવાસીઓની ટ્રોલી બેગની ચોરી માટે રેલવે જવાબદાર, આપવું પડશે 1.20 લાખનું વળતર

નવી દિલ્હીઃ રેલવેની લાંબા અંતરની ટ્રેનોમાં મુસાફરી કરતા લોકોનો માલસામાન, બેગ ચોરી થઇ જાય એ કંઇ નવી વાત નથી. રોજ લોકોનો સામાન ચોરાતો હોય છે અને લોકો બિચારા કંઇ કરી શકતા નથી. પણ હવે દિલ્હીની ડિસ્ટ્રિક્ટ કન્ઝ્યુમર ડિસ્પ્યુટ રિડ્રેસલ કમિશન (DCDRC)એ રેલવેમાં માલસામાનની દેખભાળ માટે રેલવેને જવાબદાર ગણાવી છે. તેણે મુસાફરોના સામાનની સંભાળ રાખવામાં નિષ્ફળતા માટે ઉત્તર રેલવેને ‘સેવામાં ખામી’ માટે જવાબદાર ગણાવી હતી અને તેને ટ્રેનની મુસાફરી દરમિયાન થયેલી ચોરી માટે પીડિતને વળતર આપવાનો નિર્દેશ આપ્યો હતો, જેમાં રેલવેને ચોરાયેલા માલના બદલામાં 1 લાખ 20 હજાર અને અને માનસિક તકલીફના વળતર રૂપે 25 હજાર રૂપિયા આપવાનો આદેશ આપવામાં આવ્યો હતો.
આપણ વાંચો
કાળઝાળ ગરમીમાં રેલવે પ્રશાસન પ્રવાસીઓની વહારે, Railway Station પર કરી આ ખાસ વ્યવસ્થા
7 જૂન, 2014ના રોજ સવારે 6.30 વાગ્યે મહાનંદા એક્સપ્રેસ દ્વારા દિલ્હીથી પટના જતી વખતે એક મુસાફરની ટ્રોલી બેગ ચોરાઈ ગઈ હતી. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે બેગ સાથે ચોરાયેલા સામાનની કિંમત અંદાજે 1 લાખ 20 હજાર રૂપિયા હતી. ફરિયાદીએ 23 એપ્રિલ, 2015ના રોજ રેલવે સ્ટેશન, દિલ્હી મુખ્ય પોલીસ સ્ટેશનમાં IPCની કલમ 380 હેઠળ ચોરીનો કેસ નોંધ્યો હતો. ફરિયાદી તરફથી વકીલ મનન અગ્રવાલે કોર્ટમાં રજૂઆત કરી હતી. ઉત્તર રેલ્વેએ તેના બચાવમાં જણાવ્યું હતું કે ફરિયાદીએ કોર્ટથી ઘણી બાબતો છુપાવી છે. જોકે, DCDRCએ આ ચોરી માટે રેલવેને જ જવાબદાર ગણી હતી અને તેને પ્રવાસીને એક મહિનાની અંદર વળતર આપવા આદેશ આપ્યો હતો. જો વળતરની રકમ નિર્ધારિત સમયગાળામાં ચૂકવવામાં નહીં આવે તો 12 ટકાના દરે વ્યાજ દર ચૂકવવાનો રહેશે.