ક્રિષ્ણજન્મ બાદ હવે રાધાજીનો જન્મદિવસ ક્યારે છેઃ જાણો રાધાષ્ટમીના વ્રત અને પૂજા વિશે

Radhashtami 2025: રાધાનું નામ ભગવાન શ્રી કૃષ્ણ સાથે અનાદિકાળથી જોડાયેલું છે. પૌરાણિક ગ્રંથો અનુસાર રાધાને ભગવાન શ્રી કૃષ્ણની પ્રેમિકા ગણવામાં આવે છે. મોટાભાગની મૂર્તિઓમાં ભગવાન શ્રી કૃષ્ણની પડખે રાધા ઊભેલી જોવા મળે છે. લોકો રાધા-કૃષ્ણના પ્રેમની મિસાલ આપે છે. તમને જાણીને નવાઈ લાગશે કે, જન્માષ્ટમી બાદ રાધાષ્ટમી આવે છે. તાજેતરમાં જ જન્માષ્ટમીનો તહેવાર પૂરો થયો છે. ત્યારે આવો જાણીએ કે, રાધાષ્ટમી ક્યારે છે?

રાધાષ્ટમીના વ્રતનું શુભ મુહૂર્ત
પૌરાણિક ધર્મગ્રંથો અનુસાર રાધાનો જન્મ ભાદરવા સુદ આઠમના રોજ બરસાનાના રાજા વૃષભાનુજીના ઘરે માતા કીર્તિજીની કુખે રાધારાણીનો જન્મ થયો હતો. જોકે રાધારાણીના જન્મને લઈને ઘણી દંતકથાઓ પ્રચલીત છે. રાધાજીને રૂક્મણીનું સ્વરૂપ પણ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે, વૃષભાનુજીને જ્યારે રુક્મણી મળી હતી, ત્યારે તેનું નામ રાધા રાખવામાં આવ્યું હતું. આમ, રાધા પણ માતા લક્ષ્મીનું સ્વરૂપ છે. જેથી રાધાષ્ટમીના વ્રતનું ઘણું મહત્ત્વ છે.

ઉદયા તિથિ અનુસાર, આ વર્ષે 31 ઓગસ્ટ 2025ના રોજ ભાદરવા સુદ આઠમની તિથિ આવે છે. તેથી આ દિવસે રાધાષ્ટમીની ઉજવણી કરવામાં આવશે. આ દિવસે ઘણા ભક્તો રાધાષ્ટમીનું વ્રત પણ કરશે. રાધાષ્ટમીના દિવસે બપોરે રાધારાણીની પૂજા કરવાનું વિશેષ મહત્ત્વ છે. 31 ઓગસ્ટ 2025ના રોજ સવારે 10.42થી 1.14 વાગ્યા સુધી રાધારાણીની પૂજાનું શુભ મુહૂર્ત છે. ઇસ્કોન મંદિરમાં અતૂટ શ્રદ્ધા અને પ્રેમભાવ દર્શાવતા આ તહેવારની ઉજવણી ધામધૂમથી કરવામાં આવશે.

(ડિસ્ક્લેમર: આ આર્ટિકલમાં આપેલ માહિતી પૌરાણિક કથાઓ અને ધાર્મિક માન્યતાઓ પર આધારિત છે. મુંબઈ સમાચાર તેની પુષ્ટી કરતું નથી.)
આ પણ વાંચો…Ganesh Chaturthi 2025: જાણો કઈ તારીખે છે ગણેશ ચતુર્થી? આ વખતે કેટલા કલાકનું છે પૂજાનું શુભ મુહૂર્ત?