સ્પેશિયલ ફિચર્સ

તરસ ન લાગે તો પણ પાણી પીવું કેમ જરૂરી છે? જાણો શરીર પર થતી ગંભીર અસરો…

Health: શિયાળામાં વાતાવરણ ઠંડું હોવાથી સામાન્ય રીતે ઘણા લોકોને તરસ ઓછી લાગે છે, જેના કારણે ઘણા લોકો આખા દિવસમાં માંડ એક-બે ગ્લાસ પાણી પીએ છે. જોકે, શરીરની આંતરિક સફાઈ અને તાપમાન જાળવી રાખવા માટે પાણી અત્યંત જરૂરી છે. નિષ્ણાતોના મતે એક સ્વસ્થ પુખ્ત વ્યક્તિએ દિવસ દરમિયાન ઓછામાં ઓછું 2.5 થી 3 લીટર પાણી પીવું જોઈએ. જો તમને ઠંડું પાણી પીવું ન ગમતું હોય, તો તમે નવશેકું પાણી, નાળિયેર પાણી, તાજા ફળોનો રસ અથવા ગરમાગરમ સૂપ દ્વારા પણ શરીરમાં પાણીનું સ્તર જાળવી શકો છો.

કિડની આપણા શરીરમાં ફિલ્ટર જેવું કામ કરે છે, જે લોહીમાંથી કચરો દૂર કરી પેશાબ વાટે બહાર કાઢે છે. જ્યારે આપણે પાણી ઓછું પીએ છીએ, ત્યારે કિડની આ ગંદકીને બહાર ફેંકી શકતી નથી. પરિણામે, કિડનીમાં પથરી (Stone) થવાનું જોખમ અનેકગણું વધી જાય છે. આ ઉપરાંત, પેશાબમાં બળતરા અને ઈન્ફેક્શન જેવી સમસ્યાઓ ઉદભવે છે, જે લાંબા ગાળે કિડનીને કાયમી નુકસાન પહોંચાડી શકે છે.

લિવરનું મુખ્ય કાર્ય ખોરાક પચાવવાનું અને શરીરમાંથી ઝેરી તત્વોને દૂર કરવાનું છે. શરીરમાં પાણીની કમી સર્જાતા લોહી ઘટ્ટ થવા લાગે છે, જેના કારણે લિવરને કચરો સાફ કરવા માટે સામાન્ય કરતા વધુ મહેનત કરવી પડે છે. પાણીની અછતને લીધે લિવરમાં ઝેરી તત્વો જમા થવા લાગે છે, જે લિવર પર દબાણ વધારે છે. આ સ્થિતિમાં લિવરમાં સોજો આવવાની શક્યતા રહે છે અને વ્યક્તિ સતત થાક તેમજ નબળાઈ અનુભવે છે.

સામાન્ય રીતે શિયાળામાં આપણે તળેલું અને ભારે ખોરાક લેવાનું વધુ પસંદ કરીએ છીએ. આવા ખોરાકને પચાવવા માટે શરીરને પૂરતા પ્રમાણમાં પાણીની જરૂર હોય છે. જો પાણી ઓછું પીવામાં આવે, તો પાચન પ્રક્રિયા ધીમી પડી જાય છે અને પેટ બરાબર સાફ થતું નથી. આનાથી કબજિયાત, ગેસ અને પેટમાં ભારેપણું જેવી સમસ્યાઓ કાયમી બની જાય છે. આમ, શરીરના સર્વાંગી સ્વાસ્થ્ય માટે તરસ લાગે કે ન લાગે, સમયાંતરે પાણી પીતા રહેવું ખૂબ જ આવશ્યક છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button