Viral Video: સુરત-બેંગકોકની પહેલી ફ્લાઈટમાં પ્રવાસીઓએ એટલો દારુ પીધો કે સ્ટોક ખૂટ્યો…

સુરતઃ એર ઈન્ડિયા એક્સપ્રેસે શુક્રવારે ગુજરાતના સુરતથી બેંગકોક માટે સીધી જ ફ્લાઇટ શરૂ કરી હતી. આ ફ્લાઈટ ફૂલ હતી અને મુસાફરોએ ખૂબ આનંદ માણ્યો હતો. તેમણે સુરતથી બેંગકોક વચ્ચેની પ્રથમ યાત્રાનો અનુભવ શેર કર્યો હતો અને થોડી જ વારમાં વાઇરલ થયો હતો. અહેવાલ મુજબ સુરતથી બેંગકોકની ફ્લાઈટમાં બેઠેલા મુસાફરોએ એટલો દારૂ પીધો કે ફ્લાઈટમાં હાજર તમામ સ્ટોક ખૂટી ગયો હતો. જેને લઈને ફ્લાઈટના કર્મચારીઓએ મુસાફરોને ના પાડવી પડી હતી. ક્રૂ મેમ્બરે ‘સોરી નો લિકર’ તેમ કહેવું પડ્યું હતું.
સુરતથી બેસેલા મુસાફરો 4 કલાકની અંદર જ 15 લિટર દારુ ગટગટાવી ગયા હતા.આ સાથે ફ્લાઈટમાં મુસાફરોએ વિસ્કી-બિયર સહિતનો સ્ટોક પણ પતાવી દીધો હતો. એટલું જ નહીં, તેની સાથે સુરતીઓએ ફ્લાઈટમાં નાસ્તાની એવી મજા માણી કે તમામ નાસ્તો ખાલી થઈ ગયો. ખમણ, થેપલા સહિતની તમામ ખાણી-પીણીની વસ્તુઓનો સ્ટોક ખાલી થઈ જતા ફ્લાઈટના ક્રૂ મેમ્બર પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.300 મુસાફરો સાથે ઉડાન ભરેલી ફ્લાઇટે 4 કલાક બાદ બેંગકોકમાં ઉતરાણ કરવાનું હતું પરંતુ આ પહેલા જ દારૂનો સ્ટોક ખતમ થઈ ગયો હતો.
સોશિયલ મીડિયામાં શરૂ થઈ ચર્ચા
આ ઘટનાક્રમ વચ્ચે ગુજરાતની દારૂબંધી અંગે સોશિયલ મીડિયામાં ચર્ચા શરૂ થઈ છે. એક યૂઝર્સે ટિપ્પણી કરી કે, ગુજરાતીઓ દારૂનું સેવન કરી શકે છે અને તેઓ કરવા માંગતા હોવાનો સ્પષ્ટ સંકેત છે. રાજ્યમાં દારૂના ગેરકાયદે થઈ રહેલા વેચાણને જોતાં હવે દારુ નીતિ બદલવાનો સમય આવી ગયો છે.
આ પણ વાંચો…ડિજિટલ ગુજરાત: 800થી વધુ સરકારી સેવા ઓનલાઇન ઉપલબ્ધ
યૂઝર્સે લખ્યું, સુરતથી બેંગકોકની સીધી ફ્લાઇટે શાનદાર ઉડાન ભરી. પ્રથમ ઉડાનમાં દજ 98 ટકા ફૂલ ગઈ હતી. એર ઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટ સુરતી અંદાજમાં ઝૂમી ઉઠી હતી. મુસાફરોએ તેમની પસંદગીના થેપલા, ખમણનો આનંદ માણ્યો હતો, તેમણે સફર સાચા સુરતી બનાવીને માણી હતી. ઈન ફ્લાઈટ સર્વિસ પણ હિટ રહી હતી, તમામ સ્નેક્સ અને ડ્રિંક્સ સંપૂર્ણ વેચાઈ ગયા હતા.
ગુજરાતમાં છે દારુબંધી
ગુજરાતમાં દારૂનું સેવન અને તેનું વેચાણ પ્રતિબંધિત છે. 1960માં રાજ્યની સ્થાપના બાદ અહીં કાનૂન છે. પરંતુ ગુજરાતીઓને દારુ પીવાથી કોઈ રોકી શકે તેમ નથી. રાજ્ય સરકારે ગાંધીનગરમાં બનાવવામાં આવેલા ગિફ્ટ સિટીમાં થોડા સપ્તાહ પહેલા દારૂના વેચાણને મંજૂરી આપી હતી.