આવતીકાલે છે પાપમોચિની એકાદશીઃ જાણો મહત્વ અને કયારે કરશોઉપવાસ

Papmochani Ekadashi 2025: ભારત તહેવારોનો દેશ છે. દરેક મહિનામાં એક મહત્વનો તહેવાર આવે છે. આ તહેવારો દરમિયાન વ્રત રાખવાનું પણ શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે. પાપમોચિની એકાદશીને પાપોનો નાશ કરતી એકાદશી કહેવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા યોગ્ય વિધિઓ સાથે કરવામાં આવે છે. શાસ્ત્રો પ્રમાણે આ એકાદશી પર ભૂલથી પણ કોઈને ખરાબ ન કહેવું જોઈએ કે જૂઠું ન બોલવું જોઈએ, આમ કરવાથી આપણને આપણી પૂજા અને ઉપવાસનું ફળ મળતું નથી. હિંદુ કેલેન્ડર પ્રમાણે પાપમોચિની એકાદશી ચૈત્ર મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિએ ઉજવવામાં આવે છે.
આ પણ વાંચો: ચૈત્ર નવરાત્રિથી ચમકી ઉઠશે આ રાશિના જાતકોનું ભાગ્ય, બની રહ્યો છે આ દુર્લભ યોગ…
પાપમોચિની એકાદશીના શુભ મુહૂર્ત
આ વર્ષે પાપમોચિની એકાદશી 25 માર્ચે ઉજવવામાં આવશે. આ દિવસે ઉપવાસ કરવાથી અને ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી તેમના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થાય છે. પાપમોચિની એકાદશીના મુહૂર્તની વાત કરવામાં આવે તો, ચૈત્ર મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિ 25 માર્ચે સવારે 5:05 વાગ્યે શરૂ થશે અને તિથિ 26 માર્ચે સવારે 3:45 વાગ્યે સમાપ્ત થશે. ઉપવાસ તોડવાનો સમયની વાત કરવામાં આવે તો, પાપમોચિની એકાદશીનો ઉપવાસ 26 માર્ચે સવારે 6:17 થી 8:45 વાગ્યા સુધી તોડવામાં આવશે.
પાપમોચિની એકાદશીની પૂજા વિધિ
એકાદશીના દિવસે સૌથી પહેલા સવારે સ્નાન કરો અને પછી ઉપવાસ કરવાનો સંકલ્પ કરો. ત્યારબાદ ષોડશોપચાર પદ્ધતિથી ભગવાન વિષ્ણુની પૂજા કરો. પૂજા દરમિયાન, ભગવાનને ધૂપ, દીવો, ચંદન અને ફળો વગેરે અર્પણ કરો અને આરતી સાથે પૂજાનો અંત કરો. આ દિવસે જરૂરિયાતમંદ વ્યક્તિ અથવા બ્રાહ્મણને દાન અને ભોજન આપવું જોઈએ. આનાથી તમને શુભ ફળ મળશે. દ્વાદશીના પારણા પછી બીજા દિવસે ઉપવાસ તોડી નાખવો જોઈએ.
પાપમોચિની એકાદશીના દિવસે આ વ્રત રાખવું
આ દિવસે બે પ્રકારના વ્રત રાખી શકાયઃ એક નિર્જળ અને બીજો ફળાહારી
નિર્જળો ઉપવાસ માત્ર એ લોકોએ જ રાખવો જોઈએ જે સંપૂર્ણ રીતે સ્વસ્થ હોય, બાકીના લોકોએ ફળાહાર વાળો ઉપવાસ કરવો
આ વ્રત પહેલા દશમના દિવસે માત્ર સાત્વિક ભોજન જ લેવું જોઈએ
બાળકોના વિકાસ માટે આટલું કરો
પાપમોચિની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ, એટલું જ નહીં પરંતુ પૂજા દરમિયાન બાળકોને પણ સાથે જ રાખવા. 12 દિવસ સુધી બાળકોના માથા પર ચંદન લગાવવું જોઈએ. જેના કારણે બાળકોને ભણવામાં સારી એવી મદદ મળી રહેશે.
નાણાકીય સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે
એકાદશીના દિવસે સાંજે ભગવાન વિષ્ણુની સામે ઘીનો દીવો પ્રગટાવો. ઉપરાંત ભગવાનને ચણાના લોટના લાડુમાં તુલસી ઉમેરીને અર્પણ કરો અને થોડા સમય પછી, તે લાડુઓને પ્રસાદ તરીકે વહેંચો. આમ કરવાથી તમારે ક્યારેય આર્થિક સંકટનો સામનો કરવો પડશે નહીં અને પૈસા સંબંધિત કોઈ સમસ્યાનો સામનો કરવો પડશે નહીં.