"ભગવાન દરેક વ્યક્તિમાં છે" ટેમ્પલટન અને મેગ્સેસે પુરસ્કાર વિજેતા પાંડુરંગ શાસ્ત્રીની ૧૦૫મી જન્મજયંતી | મુંબઈ સમાચાર
સ્પેશિયલ ફિચર્સ

“ભગવાન દરેક વ્યક્તિમાં છે” ટેમ્પલટન અને મેગ્સેસે પુરસ્કાર વિજેતા પાંડુરંગ શાસ્ત્રીની ૧૦૫મી જન્મજયંતી

પાંડુરંગ શાસ્ત્રી આઠવલે કે જેમને દાદાના નામથી ઓળખવામાં આવે છે. તેઓ એક મહાન ભારતીય સમાજ સુધારક, ચિંતક અને આધ્યાત્મિક નેતા હતા. આજે તેમની 105મી જન્મજયંતી છે. તેમનો જન્મ 19 ઓકટોબર 1920ના રોજ મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં થયો હતો, તેમણે આખું જીવન માનવતા અને સમાજને નવી દિશા આપવાનું કામ કર્યું અને સ્વાધ્યાય આંદોલનની સ્થાપના કરી. જેનો ઉદ્દેશ વ્યક્તિગત અને સામાજિક વિકાસ માટે આત્મચિંતન અને આધ્યાત્મિકતાને પ્રોત્સાહન આપવાનો હતો.

પાંડુરંગ શાસ્ત્રીના જન્મદિવસને ‘મનુષ્ય ગૌરવ દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. પાંડુરંગ શાસ્ત્રીએ પરંપરાગત શિક્ષણની સાથે જ સરસ્વતી સંસ્કૃત વિદ્યાલયમાં સંસ્કૃત વ્યાકરણની સાથે ન્યાય, વેદાંત, સાહિત્ય અને અંગ્રેજી સાહિત્યનું અધ્યયન કર્યું. તેમને રોયલ એશિયાટિક સોસાયટી મુંબઈ દ્વારા માનદ સદસ્યની ઉપાધિથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

પાંડુરંગ શાસ્ત્રીએ હિન્દુ શાસ્ત્રોનો ઊંડો અભ્યાસ કર્યો હતો અને સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે તેનો ઉપયોગ કર્યો હતો. તેઓ માનતા હતા કે ભગવાન દરેક વ્યક્તિમાં રહે છે, અને જો આપણે આપણી આંતરિક દિવ્યતાને ઓળખીએ તો સમાજમાં સંવાદિતા અને સહયોગનું વાતાવરણ સર્જી શકાય છે. તેમણે યોગેશ્વર કૃષ્ણના ઉપદેશોનો પ્રચાર કર્યો અને તેમના અનુયાયીઓને આત્મનિરીક્ષણ, આત્મ-નિયંત્રણ અને સમાજસેવાના માર્ગ પર ચાલવા પ્રેરણા આપી.

સ્વાધ્યાય ચળવળ દ્વારા, પાંડુરંગ શાસ્ત્રીએ લાખો લોકોને જીવન પ્રત્યે એક નવો દ્રષ્ટિકોણ આપ્યો અને જાતિવાદ, આર્થિક અસમાનતા અને ધાર્મિક વિભાજન જેવા સામાજિક દુષણો સામે લડત આપી હતી. તેમનું આંદોલન માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં, ખાસ કરીને એવા દેશોમાં ફેલાયું જ્યાં ભારતીય ડાયસ્પોરા રહે છે. પાંડુરંગ શાસ્ત્રીને તેમના કાર્ય માટે અસંખ્ય રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમને ૧૯૮૮માં મહાત્મા ગાંધી પુરસ્કાર, ૧૯૯૭માં ટેમ્પલટન પુરસ્કાર અને ૧૯૯૯માં રેમન મેગ્સેસે પુરસ્કાર મળ્યો હતો.

પાંડુરંગ શાસ્ત્રી આઠવલેનું યોગદાન ભારતીય સમાજ માટે અજોડ છે, અને તેમનું જીવન આવનારી પેઢીઓ માટે પ્રેરણાસ્ત્રોત બની રહેશે. ૨૫ ઓક્ટોબર, ૨૦૦૩ના રોજ તેમનું અવસાન થયું, પરંતુ તેમના વિચારો અને કાર્યો લાખો લોકોના હૃદયમાં આજે પણ જીવંત છે.

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button