સાવધાન! તમારી એક ભૂલ અને આખું વોટ્સએપ એકાઉન્ટ થઈ જશે હેક

દુનિયાભરમાં કરોડો લોકો દ્વારા વપરાતા મેસેજિંગ પ્લેટફોર્મ વોટ્સએપ પર સુરક્ષાને લઈને ગંભીર સવાલો ઊભા થયા છે. અત્યાધુનિક સિક્યોરિટીના દાવાઓ વચ્ચે સાયબર ગુનેગારોએ યુઝર્સના એકાઉન્ટમાં ઘૂસણખોરી કરવા માટે નવો રસ્તો શોધી કાઢ્યો છે. ભારત સરકારની ‘કમ્પ્યુટર ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ’ (CERT-In)એ એક એડવાઈઝરી જારી કરીને લોકોને ચેતવ્યા છે કે વોટ્સએપમાં એક નવી ખામી સામે આવી છે, જેનો ઉપયોગ કરીને હેકર્સ કોઈ પણની જાણ બહાર આખું એકાઉન્ટ કંટ્રોલ કરી શકે છે.
રિપોર્ટ અનુસાર હેકર્સ હાલમાં ‘ઘોસ્ટ પેરિંગ’ (Ghost Pairing) નામની ટેકનિકનો ઉપયોગ કરી રહ્યા છે. આ પદ્ધતિમાં હેકરને તમારો પાસવર્ડ જાણવાની કે સિમ કાર્ડ ક્લોન કરવાની જરૂર પડતી નથી. આ સ્કેમમાં વોટ્સએપના ‘ડિવાઈસ લિંકિંગ’ ફીચરનો દુરુપયોગ કરવામાં આવે છે. આશ્ચર્યની વાત એ છે કે, આ પ્રક્રિયામાં યુઝરના કોઈ પણ પ્રકારના મેન્યુઅલ ઓથેન્ટિકેશન વગર જ તેનું એકાઉન્ટ હેકર્સના હાથમાં પહોંચી જાય છે, જે યુઝર્સ માટે અત્યંત જોખમી છે.
આ સ્કેમની શરૂઆત એક સામાન્ય મેસેજથી થાય છે. હેકર્સ તમને તમારા કોઈ ઓળખીતા વ્યક્તિના નંબર પરથી કોઈ ફોટો કે લિંક મોકલે છે. જેમાં ‘હાય, આ ફોટો ખોલીને જુઓ’ જેવું લખાણ હોય છે. આ મેસેજમાં ફેસબુક પોસ્ટ જેવું પ્રીવ્યૂ દેખાય છે, જેના પર ક્લિક કરતા જ તે તમને એક અજાણી વેબસાઈટ પર લઈ જાય છે. લોકો વિશ્વાસમાં આવીને તે લિંક પર ક્લિક કરી દે છે અને ત્યાંથી જ હેકિંગની જાળ બિછાવવામાં આવે છે.
જ્યારે તમે તે વેબસાઈટ પર જાઓ છો, ત્યારે તમને ફોટો જોવા માટે નંબર ‘વેરિફાય’ કરવાનું કહેવામાં આવે છે. આ વેરિફિકેશન વાસ્તવમાં વોટ્સએપ વેબ (WhatsApp Web) નું પેરિંગ ફીચર હોય છે. જેવું તમે ત્યાં તમારો મોબાઈલ નંબર નાખો છો, તમારું વોટ્સએપ એકાઉન્ટ હેકરના ડિવાઈસ સાથે લિંક અથવા ‘સિંક’ થઈ જાય છે. આ પછી, તમારા ફોન પર આવતા તમામ ખાનગી મેસેજ, ફોટા અને વીડિયો હેકર તેના કમ્પ્યુટર કે ફોન પર લાઈવ જોઈ શકે છે અને તમને તેની ખબર પણ પડતી નથી.
આ જોખમથી બચવા માટે નિષ્ણાંતો સલાહ આપી છે કે કોઈપણ અજાણી લિંક પર ક્લિક ન કરવું. જો તમારા કોઈ મિત્ર કે સબંધીના નંબર પરથી અચાનક આવી કોઈ લિંક આવે, તો પહેલા તેની ખાતરી કરી લો. આ ઉપરાંત, તમારા વોટ્સએપ સેટિંગ્સમાં જઈને ‘Linked Devices’ સેક્શન તપાસતા રહો. જો ત્યાં કોઈ અજાણ્યું ડિવાઈસ દેખાય, તો તેને તરત જ ‘Logout’ કરી દો. હંમેશા યાદ રાખો કે વોટ્સએપ ક્યારેય કોઈ ફોટો જોવા માટે અલગથી વેરિફિકેશન માંગતું નથી.
આપણ વાંચો: ઠંડીથી બચવા રૂમ હીટર વાપરતા હોવ તો સાવધાન: જાણી લો આ જરૂરી નિયમો અને તેની આડઅસર



